ટૂંકી વાર્તા...11 થી 15
ટૂંકી વાર્તા...11
શહેરનાં જાણીતા ફિજીશ્યન ડૉ. તેજસ ચિંતાતુર બેઠા હતા...ઓચિંતા શહેરની જાણીતી હોસ્પિટલમાંથી ફોન આવ્યો ને ડૉ. તેજસની બધી જ ચિંતા પળભરમાં જાણે કે દૂર થઈ ગઈ...ડૉ.તેજસનાં એકનાએક વીસ વરસનાં યુવાન દીકરા માટે આખરે કિડની ડોનર મળી આવ્યો હતો...ડૉ. તેજસ ફટાફટ હોસ્પિટલ પહોંચ્યા...ત્યાં જઈ તેમણે કિડની ડોનરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.ત્યાંના ડૉકટરે જણાવ્યું કે ડોનર તો મૃત્યુ પામ્યો છે...બ્રેઇન સ્ટ્રોકથી..એનાં ફાધર રેડી થયા છે..લિવિંગ ઓર્ગન ડોનેટ માટે..ને ડૉ. તેજસે એ તરફ ખૂણામાં જોયું...ને એક ધબકારો ચુકી ગયા..આ એ જ ડોસો હતો..જે ગઈકાલે સાંજે પોતાના દવાખાને એના એકના એક દીકરાને બેભાન હાલતે લાવેલો...ને સારવાર કરવા વિનંતી કરતો હતો..ને પોતે 'બિઝી' છે..એમ કહી ધક્કા મારી બહાર કઢાવેલો.!-બેફિકર
ટૂંકી વાર્તા....12
એ દિવસે શહેરમાં નવા જ હાજર થયેલા પચ્ચીસ જ વર્ષનાં નવયુવાન પોલીસ ઇન્સ્પેક્ટર જુવાનસિંહ પરમારે શહેરનાં સૌથી બદનામ અને માથાકૂટ બની ગયેલા એરિયામાં 'રેડ' પાડી.....જુવાનસિંહ પોતે એક પછી એક ખોલીઓ ખાલી કરાવવા લાગ્યા....અચાનક જ પરમાર સાહેબને પોતાની જીપ લઈ સડસડાટ સ્થળ પરથી ભાગતાં જોઈ સ્ટાફ સ્તબ્ધ બની ગયો......શું થયું ?
પણ શું થયું એ એકમાત્ર જુવાનસિંહ આપ જ જાણતાં હતાં.આપ જ્યારે ફક્ત દસ વર્ષનાં હતા..ત્યારે આપનાથી દસ વર્ષ મોટી આપની બહેન ઘર છોડી ગામનાં 'લોફર' સાથે ભાગી નીકળેલી...અને એની આગલી રાતે જ બહેને પોતાના હાથ પર ત્રોફાવેલું તમારા નામનું છુંદણું બતાવતાં કિધેલું...'હું આખી દુનિયાને ભૂલી જઇ શકું...એક મારા ભઇલાને નહીં..!'
આપે એ હાથ આજે એ 'બદનામ ખોલીઓ'માં જોઈ લીધેલો.!-બેફિકર
ટૂંકી વાર્તા....13
એ દિવસે શહેરમાં નવા જ હાજર થયેલા પચ્ચીસ જ વર્ષનાં નવયુવાન પોલીસ ઇન્સ્પેક્ટર જુવાનસિંહ પરમારે શહેરનાં સૌથી બદનામ અને માથાકૂટ બની ગયેલા એરિયામાં 'રેડ' પાડી.....જુવાનસિંહ પોતે એક પછી એક ખોલીઓ ખાલી કરાવવા લાગ્યા....અચાનક જ પરમાર સાહેબે પોતાની રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી નાખ્યું ને એક સ્ત્રી લોહીનાં ખાબોચિયામાં ફસડાઈ પડી.... સ્ટાફ સ્તબ્ધ બની ગયો......શું થયું ?
પણ શું થયું એ એકમાત્ર જુવાનસિંહ આપ જ જાણતાં હતાં.આપ જ્યારે ફક્ત દસ વર્ષનાં હતા..ત્યારે આપનાથી દસ વર્ષ મોટી આપની બહેન ઘર છોડી ગામનાં 'લોફર' સાથે ભાગી નીકળેલી...અને એની આગલી રાતે જ બહેને પોતાના હાથ પર ત્રોફાવેલું તમારા નામનું છુંદણું બતાવતાં કિધેલું...'હું આખી દુનિયાને ભૂલી જઇ શકું...એક મારા ભઇલાને નહીં..!'
આપે એ હાથ આજે એ 'બદનામ ખોલીઓ'માં જોઈ લીધેલો.!-બેફિકર
*ઉપરની 12 અને 13 નં. ની વાર્તાઓ... એક જ વાર્તા બે જુદા-જુદા view થી છે...
ટૂંકી વાર્તા....14
ખરેખર સલીમભાઈ અને નઝમાબેન આપના માટે આજે 'બકરી ઈદ'નો દિવસ કુરબાનીનો દિવસ બની રહ્યો..! માનવતાની મહેક બની ઉઠનાર આપ બંનેને લાખો સલામ...!
આપે કોઈને કશું કહેવા 'ખુદાનાં કસમ' આપ્યા છે..પણ ચંપા અને એની વિધવા માઁ કેમ આપનો ઉપકાર ભૂલે..! સરકારી હોસ્પિટલમાં નઝમાબેન અને ચંપાનો બેડ સામ-સામે હતો...ચંપાને ત્યાં પાંચમી 'દીકરી' અવતરતાં એ માઁ-દીકરીનો હવે સાસરિયાંમાં મળનાર દુઃખનો વલોપાત આપ બંનેથી સહન ના થયો ને ચંપાની 'દીકરી'નાં બે કલાક પહેલાં જન્મેલો આપનો ત્રીજો 'દીકરો' ચંપાને આપી દીધો ને પોતે 'દીકરી' આવ્યાની ખુશાલી વહેંચી...!-બેફિકર
ટૂંકી વાર્તા....15
શાળાનાં આંગણામાં પગ મૂકતાં જ આપને સંસ્કૃતિ અને વિજ્ઞાનનો સુભગ સમન્વય જણાયો...પ્રાચીન ગુરુકુલનાં પાયા ઉપર ઉભી થયેલી આધુનિક પ્રયોગશાળા જોઈ આપ દંગ થઈ ગયા.પોતાના જિલ્લામાં આવી સુંદરતમ શાળા જોઈ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે આપે ગર્વ અનુભવ્યો...
છતાં શાળામાંથી નીકળતી વખતે આપે મોટાભાગનાં શિક્ષકોને 'નોટિસ' ફટકારી ને સરકારી ફરમાનનાં ભંગનો જવાબ સાત દિવસમાં આપવા જણાવ્યું...કેમ કે એકવીસમી સદીનાં એ મોટાભાગનાં શિક્ષકો 'જીન્સ-ટીશર્ટ' માં ફરજ પર હાજર હતાં...! -બેફિકર
Comments
Post a Comment