ટૂંકી વાર્તા
*મંગુ* વિનયરાય..આપ આપના અતિ આધુનિક 'જવેલર્સ સ્ટોર' માં પણ પરસેવે રેબઝેબ થઈ ગયેલા ને 'હાશ..માંડ... છૂટ્યા..! એમ વિચારતાં બેઠા હતા પણ જો આપ એ ટોળકીની પાછળ-પાછળ થોડાં બહાર નીકળ્યા હોત, તો આપે કંઈક નવું જ જોયું હોત...હા... વિનયરાય એ મંગુને તમે બાળપણથી ઓળખો છો એ વાત સાચી પણ ફક્ત 'બાળપણમાં' અત્યારે 'જુવાનીમાં' નહિ..! લ્યો માંડી ને વાત કરું..આપના ઘરે કામ કરતી વિધવા માં સાથે ક્યારેક-ક્યારેક કામમાં મદદ કરવા આવતી એ મંગુને તમે એની વિધવા માંના મર્યા પછી છેક આજે જોઇ..અને એ પણ સવાર-સવારમાં તમારા સ્ટોરમાં એનાં ચાંદીના છડા વેચવા આવી ત્યારે..! એની આજીજીઓ સાંભળી તમે એ છડાની કિંમત કરતાં પણ વધુ રૂપિયા એ મંગુને ગણી આપી જેવા છડા ખાનામાં મુકવા જતાં હતાં એટલામાં જ આપને ત્યાં 'પોલીસ' આવી અને મંગુ અને આપ બંનેની 'ચોરીનાં માલ' બદલ ધરપકડનું કહેવા લાગી..આપે રોકડા રૂપિયા પચાસ હજાર ગણી આપી માંડ-માંડ મામલો પતાવ્યો.. છતાં પોલીસ મંગુને તો લેતી જ ગઈ...પણ જો તમે એની પાછળ-પાછળ બહાર નીકળ્યા હોત તો મંગુ અને એ નકલી 'પોલીસ'ની એકબીજાને તાળીઓ આપતી જોઈ આપ નવાઈ પામી જાત...વિનયરાય...