ટૂંકી વાર્તા...16 થી 20
ટૂંકી વાર્તા...16
હા....એ દિવસ...તમને બરાબર યાદ છે...ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિન હતો....આપ એ દિવસે માતાજીનાં પરમ ભક્ત હોવાથી મંદિરે દર્શન કરવા તો ગયા પણ આપનું મન ત્યાં ચોટતું નહોતું...કેમ કે આપનો બાયોપ્સી રિપોર્ટ આજે આવ્યોહતો...ને લિવરનું કેન્સર ડિટેકટ થયું હતું...
આપ મંદિરનાં ઓટલે બેસી પડ્યા..એટલામાં એક નાનકડી એવી છોકરી હાથ ફેલાવી કંઈક મદદની આશાએ આપ સામે ઉભી રહી....ને આપને આપની પાંચ વર્ષની દીકરી યાદ આવી ગઈ...કે જેને લઈ આપની પત્ની આપના વ્યસનોથી થાકીને પોતાનાં પિયર જતી રહી છે...આપ પોકે-પોકે રડી પડ્યા...!
એટલામાં જ લેબોરેટરીમાંથી ફોન આવ્યો અને આપનો રિપોર્ટ ભૂલથી બદલાઈ ગયો હોવાનું કહી માફી માંગી..આપે તરત જ બસ પકડી...સાસરિયામાંથી દીકરી અને પત્નીને તેડવા માટે....!!- બેફિકર
ટૂંકી વાર્તા....17
એ દિવસે કર્નલ મોહિતસિંઘ આપ આપની ડોટરના 'સ્કૂલ એન્યુઅલ ડૅ' ફંકશનમાં ગયેલા..જ્યાં આપની ડોટરના 'મોનોડ્રામા'નાં એક ડાયલોગે આપની આંખ ઉઘાડી દીધી...ડાયલોગ કંઇક આવો હતો..'તું દુશ્મન દેશની અમ્માને પ્રેમ કરવાને બદલે 'ભારત માઁ ' ને પ્રેમ કેમ નથી કરતો..!' આપે તરત જ આપનું 'ફેસબૂક'ટોટલ રિમૂવ કરી નાખ્યું..ને 'હનીટ્રેપ'માંથી બચી ગયાનો હાશકારો અનુભવ્યો...પણ આપ એ નથી જાણતાં કે આપની રાતોનાં ઉજાગરાને ઓળખી ગયેલી આપની એ પંદર વર્ષની દીકરીએ જાતે સ્ક્રીપ્ટ કરી આપને મુશ્કેલીમાંથી બચાવવાનું 'મિશન' પણ સક્સેસ કર્યું હતું...!!-બેફિકર
ટૂંકી વાર્તા...18
'ઉષ્મા'..! એ વખતે હિમાલયની ઠંડકમાં પણ જાણે કે ઉષ્મા ફેલાયેલી..! આપ યુથ હૉસ્ટેલનાં 'સારપાસ ટ્રેક'માં હતા.....ને તમામ રાજ્યોમાંથી આવેલ નવયુવાન-યુવતીઓમાં આપના સૌંદર્યની જ ચર્ચા હતી.....ને ગુજરાતનાં નાનકડાં ટાઉનમાંથી આવી રીતે પહેલીવાર જનારા આપ પણ આ બધી વાતોથી રોમાંચ અનુભવતાં હતા..!
ને આ તમારો 'રોમાંચ' દિલ્હીથી આવેલાં છેલબટાઉ 'યુવી' પર ઠરવા જઈ રહ્યો હતો..ત્યાં અચાનક એક અણધારી ઘટના બની ગઈ..લેન્ડ સ્લાઈન્ડિંગ થતાં તમારું આખું ગૃપ એમાં ફસાઈ ગયું ને 'યુવી' કુદરતનો પ્યારો થઈ ગયો..ને આપ મનોમન 'આડા ચાલતાં' ઈશ્વરને કોસી રહ્યા હતા...પણ આપ એ નહોતાં જાણતાં કે ઈશ્વરે આપને એક મહા ઉપાધીમાંથી બચાવી લીધા હતા...કેમ કે 'યુવી'ને એઇડ્સ થયેલો હતો.!- બેફિકર
ટૂંકી વાર્તા...19
કેતકી..! તને સૂર્યાસ્ત ન ગમતો...કેમ કે સૂર્યાસ્ત થતાં જ તારા ઘરમાં પુરુષોની ચહલપહલ વધી જતી..ને તારી વિધવા 'માઁ ' એ સૌની સેવામાં લાગી જતી ને તને એક રૂમમાં પુરાઈ રહેવું પડતું..!
આખરે તેર વર્ષની નાની ઉંમરે તું ટ્રેનમાં બેસી ઘરેથી ભાગી નીકળી...કોઈ મોટા શહેરમાં એકલી પહોંચી જતા..તે દિવસ તો પસાર કરી લીધો..પણ સૂર્યાસ્ત થતાં ગભરાટથી રડવા લાગી..એટલામાં એક સજ્જન લાગતાં એવા પ્રૌઢ પુરુષ તારી પાસે આવ્યા ને સમજાવી એમના ઘરે લઈ ગયા..ને થોડીવારમાં ત્યાં પણ પુરુષોની ભીડ વધવા લાગતા તું સમજી ગઈ ને ત્યાંથી પણ ચુપચાપ ભાગી નીકળી...સૂર્યાસ્ત પછીના કાળા અંધકારથી તું બચી ગઈ હતી...!-બેફિકર
ટૂંકી વાર્તા...20
'નાતાલ'ના એ દિવસે આપ શહેરનાં જાણીતા પબમાં મસ્તીમાં હતા..એલન..! અને કેમ ના હો ? આપ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં હિટ પ્લેબેક સિંગર હતા..! સાથે આપની નવી જ બનેલી ફ્રેન્ડ નતાશા પણ હતી..નતાશા આપના માટે બોટલમાં લાવેલ સ્પેશ્યલ ડ્રિન્કનો ગ્લાસ લેવા આપ જતાં હતા ને અચાનક 'સાન્તાક્લોઝ'નાં વેશમાં રહેલો વેઈટર આપના હાથ સાથે ભટકાઈ ગયો...ને ડ્રિન્ક ઢોળાઈ ગયું..! આપ ગુસ્સામાં આવીને એને ફટકારવા જતાં હતાં.. ત્યાં એણે હાથ જોડી દીધા ને આપ અટકી ગયા..!
સારું થયું...એલન...! આપ અટકી ગયા...નહી તો..'સાન્તાક્લોઝ' રૂપે આવી આપને બચાવનાર ઈશ્વરને મારી બેસતા..!
આપની નવી બનેલી ફ્રેન્ડ નતાશા....આપના હરીફ અને ઈર્ષા કરનાર સિંગર મોહકની પ્રેમિકા છે...અને તે પ્લાન મુજબ આપનો અવાજ કાયમ માટે જતો રહે એવું 'સ્પેશ્યલ ડ્રિન્ક' લઈને આવેલી....એ આપ જાણતાં નહોતાં...!- બેફિકર
Comments
Post a Comment