ટૂંકી વાર્તા..26 થી 30

ટૂંકી વાર્તા...26

       સંધ્યા..! સાંજ પડે ને પાડોશમાં રહેતી સંગીતા રોજ તારા ઘરે બેસવા આવી જતી...ને સરકારી ઓફિસમાં નોકરી કરતાં એનાં 'મિસ્ટર'નાં વખાણ કર્યા કરતી...ને તું પણ મનોમન હિજરાયા કરતી કે,'વાહ ! સંગીતાબેનને કેટલો સરસ પતિ મળ્યો છે..કેવો સાચવે છે...એક મને જ મળ્યો છે જેને મારી કંઈ પડી નથી ને આખો દિવસ ફેકટરીમાં પડ્યો રહે છે..!' 

     ને સંધ્યા તું રોજ રાતે પતિ સાથે ઝઘડા કરતી થઈ ગઈ...પણ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી છે..એનો પતિ એને જરાય સાચવતો નથી..ને તારો  પતિ બિચારો તારા મોજશોખ ને બાળકોનાં ખર્ચ પુરા કરવાં 'ઓવરટાઈમ' કરે છે એ ત્યાં પડી નથી રહેતો..પણ તારા જીવનમાં 'મંથરા'એ પ્રવેશ મેળવી લીધો છે.-બેફિકર

        

ટૂંકી વાર્તા...27

      રાજન..! ખબર નહિ કેમ પણ તમને એ તમારા એપાર્ટમેન્ટનાં દરવાજે બેસે છે એ પસંદ નથી...હા...હું એ મોચીની જ વાત કરું છું..તેનાં થિંગડાવાળા લૂગડાં જોઈ ને જાણે તમારા 'અરમાની'નાં સૂટ પર થિંગડું લાગી ગયું હોય એવી અકળામણ તમે  અનુભવતા..! ને એપાર્ટમેન્ટનાં સેક્રેટરી તરીકે આખરે તમે નિર્ણય લઈ લીધો જ ને સિક્યુરિટી ગાર્ડસ દ્વારા તમે એ મોચીનો સામાન મધરાતે દૂર ફેંકાવી દીધો ને બીજે દિવસે સવારે એ બિચારો સામાનની  શોધમાં હાંફળો-ફાંફળો થઈ ગયો.જેમ-તેમ કરી એને સામાનનો જોગ કર્યો ને ફરી બિચારો ધંધે બેઠો...આવું ચાર-પાંચ વાર પુનરાવર્તિત થયું પણ ના તમે થાક્યા કે એ મોચી થાકયો...!

             પણ સારું થયું ને રાજન...! એ થાક્યો નહિ...યાદ છે ને..એ દિવસે સાંજે જ્યારે આપ ઓફિસથી ઘરે આવ્યા ને કેટલાંક ખંડણીખોરોએ આપ પર જીવલેણ હુમલો કર્યો...ત્યારે વચ્ચે પડી આપને જીવનાં જોખમે બચાવનાર એકમાત્ર એ મોચી જ હતો..! -બેફિકર

ટૂંકી વાર્તા...28

          જોય...! એ દિવસે પરિક્ષાખંડમાં સુપરવાઈઝર તને અને તારી બાજુમાં બેસેલી એ છોકરીને ટિકી-ટિકીને જોઈ રહ્યા હતા..! અને હા..હતું પણ જોવા જેવું જ...કેમ કે તું લાંબા-લાંબા વાળા...હાથમાં ફેશનેબલ એક્સેસરીઝ ને ફેશનેબલ કપડાંમાં હતો ને પેલી છોકરી શોર્ટ વાળ ને જીન્સ-ટીશર્ટમાં હતી..જાણે તું છોકરી હો ને એ છોકરો હોય એવું દ્રશ્ય લાગતું હતું ..કદાચ એટલે જ સુપરવાઈઝર પણ જોતા હતા..! 

           ને એકાએક એવી ઘટના બની કે તું પણ શરમાયો ને પેલી છોકરી પણ...તે છોકરીને ઉત્તરવહીમાં વર્તુળ દોરવું હતું ને એ 'Compass' ભૂલી ગયેલી...તો તે મૂંઝાણી... પણ અચાનક એક ઉપાય તરીકે તેણે તારા હાથમાં પહેરેલું એ બંગડી જેવું કડું માંગ્યું..વર્તુળ દોરવા માટે...ત્યારે બન્નેને શરમ આવી ને સુપરવાઈઝર પણ માર્મિક હસી પડ્યા..!

                                                   -બેફિકર

ટૂંકી વાર્તા...29

          K.D. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં M.D. રાજીવ આપ ઘેરી ચિંતામાં હતા..આપને સમજાતું નહોતું કે બધું બરાબર 'સેટ' કર્યું હોવા છતાં આપની હરીફ કંપની 'શ્રેયા રોડ્સ' આપને હંફાવીને બધા જ ટેન્ડર એક પછી એક આપના હાથમાંથી ખેંચી જતી હતી..! પણ આપને 'હાથનાં કર્યા,હૈયે વાગ્યા છે'..! હા...!

      'શ્રેયા રોડ્સ'ની રજે-રજની માહિતી મળતી રહે તે માટે આપે આપની પત્ની રજનીને ત્યાંનાં M.D. શરણની ઓફિસમાં 'સેક્રેટરી'તરીકે સેટ થવા શીખવાડ્યું ને 'રજની' આપના 'બિઝનેસ માઈન્ડ', લાલચુ અને કપટી સ્વભાવથી વિપરીત પરગજુ,આધ્યાત્મિક અને ઈશ્વરની ઈચ્છાને માન આપી જીવનારા,ભલા એવાં શરણનાં પ્રેમમાં પડી ગઈ છે..તેથી આપના બધા પ્લાન 'બૂમરેન્ગ' થાય છે. - બેફિકર

ટૂંકી વાર્તા...30

           ' કેવલ સર ! આપની ઓફિસનો આ મારો પાંચમો ધક્કો છે..શું આપ ત્યાં બંગલો બનાવવા નથી ઇચ્છતાં કે પછી મારા પ્લાનમાં કોઈ ભૂલ છે ? જે કંઇ હોય તે કહો..સર...I will change it..!' - આપને આપનો આર્કિટેક કહી રહ્યો હતો...ને કેવલ..!

           આર્કિટેકને પણ ખબર નથી એ વાત એ છે કે...આપ જ્યારે-જયારે એ 'બંગલા'  માટે લીધેલી જગ્યાએ જાવ છો ત્યારે ત્યાં ઝુંપડા જેવું બનાવીને રહેતી વૃદ્ધ સ્ત્રીને જોઈ   એક ઊંડી યાદમાં ખોવાઈ જાવ છો...હા ! કેવલ... એ સ્ત્રીનો ચહેરો બરાબર આપની 'માઁ ' જેવો જ છે...જેને આપે ફક્ત દીવાલ પરનાં ફોટામાં જ જોઈ છે...ને એ કારણે જ આપ 'બંગલા'નો પ્લાન અમલમાં મુકતાં ખચકાવ છો..-બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112