ટૂંકી વાર્તા....31 થી 35

ટૂંકી વાર્તા...31

          હા...ચાંદની....નામ તો તારૂ ચાંદની...ને રૂપ પણ 'ચાંદની' ફિલ્મની શ્રીદેવી જેવું જ છે....હજારો યુવાનો સપના જોતાં રહી જતાં... જ્યારે તું એક ક્ષણ પણ દેખાય જતી.. ને તને પણ કોઈ  રાજકુમાર આવે છે ને તને ઘોડા પર બેસાડી ઉપાડી જાય છે એવું સપનું આવતું ને અધવચ્ચે જ તૂટી જતું...! હા..ચાંદની... ત્રીસ વર્ષની તું થઈ, તોયે તારા 'હાથ પીળા' નહોતા થતાં..!

        પણ એ તારૂ સપનું ત્યાં જ અટકી જવાનું એક માત્ર કારણ એ છે કે તારી ' માઁ ';  કુંવારી ' માઁ ' બનેલી ને તારા બાપનું નામ કોઈનાં મોઢે લીધા વિના આજે તને ત્રીસ વર્ષની કરી છે...!-બેફિકર

   

ટૂંકી વાર્તા..32

       સુહાની ! રોજ કોલેજથી છૂટો ત્યારે તમારો એની સાથે ભેટો થતો..હા..પેલો આધેડ વયનો માણસ...જાણે કોલેજનાં દરવાજે તમારી માટે જ ઉભો રહેતો ને ટિકી-ટીકીને જોયા કરતો..તમે થોડાં દિવસ સહન કર્યું પણ હવે એની 'ખો' ભૂલવાડી દેવાના આપનાં ગૃપનાં 'પ્લાન' સાથે આપે આજે એની સાથે 'Hi-Hello' કર્યું.. એ ચાર-પાંચ દિવસ ચાલ્યું..!

    પણ આજે તો એણે હદ કરી નાખી..! એણે તમને એનું એડ્રેસ આપી,ચાર વાગ્યે એનાં ઘરે બોલાવ્યાં.! તમે તો મનોમન ગભરાઈ ગયા..પણ છતાં ગૃપે આપેલી હિંમતનાં કારણે આપ ચાર વાગ્યે ત્યાં પહોંચ્યા..જેવો તમે એ ફ્લેટનો દરવાજો ખોલ્યો તો જાણે આશ્વર્યમાં ડૂબી ગયા...દીવાલ પર એક પુરા કદની મોટી તસ્વીર ટીંગાતી હતી ને એમાં દેખાતી એ છોકરી જાણે તમારી 'ટ્વીન્સ' હોય એવું લાગતું હતું..!!

            ત્યાં જ અચાનક એ માણસ આવ્યો ને તમને  'welcome my daughter ! Happy.. Birthday...! ' કહ્યું..તમે પૂછ્યું..'આ બધું શું છે? ને આ તસ્વીર કોની છે ?'    ત્યારે એણે કીધું કે 'હા..દીકરી..એ મારી 'દીકરી' નો ફોટો છે જે પાંચ વર્ષ પહેલાં  કોલેજની ટુરમાં થયેલા એક્સિડન્ટમાં ગુજરી ગયેલી..તું અદ્દલ એનાં જેવી જ દેખાય છે તો હું એની યાદમાં રોજ તને જોવા આવું છું ને આજે તેનો 'બર્થ ડે' છે..!!-બેફિકર

ટૂંકી વાર્તા...33

       રામકુમાર ! આપ તાજેતરમાં જ I.A.S. થઈ,

 ટાઉન વિસ્તારનાં S.D.M.તરીકે પ્રોબેશનમાં મુકાયા. ઓફિસની કાર્યવાહી અને ફાઈલોને ચકાસતાં આપને સીતાપૂરનાં શિયાળો હોવા છતાં પાણીનાં ટેન્કરોનું આટલું લાબું ખર્ચપત્રક જોઈ શંકા જાગી.એ જ સાંજે આપ સેલ્ફ ડ્રાઇવ કરી સીતાપૂર પહોંચ્યા.ત્યાં જઈ જોયું તો ગામનાં પાદરમાં જ આવેલો મોટો સરકારી કૂવો પાણીથી છલોછલ હતો ને પાણી પણ ચોખ્ખું! આપ તો નવાઈમાં ડૂબી ગયા કે આ શું ! ને આમ કેમ ? આપે ત્યાં સ્થાનિક લોકોને પૂછપરછ કરી તો જણાયું કે કૂવો શાપિત છે અને જે કોઈ એમાંથી પાણી ભરવાની કોશિશ કરે તો એ જ રાતે એનાં ઘરે ભૂતડાઓની ટોળી આવે છે ને ઘરનાં એક સભ્યનો ભોગ લે છે! 

          M.Tech પછી U.P.S.C. ક્લિયર કરનાર આપ જેવાં 21 મી સદીનાં યુવાન ઓફિસર એ સ્વીકારે ? આપે મનોમન નિર્ણય કર્યો ને ત્યાંથી તે દિવસે તો નીકળી ગયા..પણ એનાં એક અઠવાડિયામાં જ આપે સીતાપૂર ગામનાં એ મલિન સરપંચનો ભાંડો ફોડી નાખ્યો.. કે જે પોતાના 'રોટલાં શેકવા' કોઈ ગામવાસીને એ કૂવાનું પાણી ભરવા નહોતો દેતો ને કોઈ કોશિશ કરે તો એનાં ઘરે પોતાનાં મળતીયાઓની ટોળી 'ભૂતડા' વેશે મોકલી..ઘરનાં એકાદ સભ્યને મારી નખાવતો ને છતે પાણીએ ગામલોકોને પાણી માટે ટટળાવતો..ને પોતે 'પાણીનાં ટેન્કર્સ' નું કૌભાંડ કરી..પોતાનાં ગજવા ભરતો!-બેફિકર

ટૂંકી વાર્તા...34

        હા..! સમીર ! આપની એ વિશાળ હવેલીના આઉટ હાઉસમાં આપના સિવાય કોઈ ને પણ જવાની પરવાનગી નહોતી અને આપ નિયમિત મોડીરાતે અડધો કલાક ત્યાં જઈ બેસતાં ને પછી સુઈ જતાં !

         ના...એવું ખાનગી કે રહસ્યમય લાગે એવી કોઈ ખાસ વાત નથી... પણ એ ઓરડામાં એવી એક યાદ છે કે જેને લીધે આપ આજે આટલા સુખી અને વિશાળતમ હવેલીનાં માલિક છો..!

         હા ! એ ઓરડામાં આપે એ બુઢા ભિખારીની યાદો સાચવી રાખી છે કે જેની સાથે આપનો આત્મીય નાતો છે....આપ પણ એક અનાથ બાળક હતા...આઠ-દસ વર્ષની ઉંમરે આપ એ બુઢા ભિખારીનાં હાથમાં રઝળતા-રખડતાં મળી આવેલા અને એેણે આપને પાળી-પોષી,ભણાવીને આજે શહેરનાં પ્રખ્યાત 'લોયર' બનાવ્યાં છે...!- બેફિકર

ટૂંકી વાર્તા..35

          સરકારશ્રીનાં ગુણોત્સવ-8 કાર્યક્રમ અંતર્ગત આપને ક્લાસવન ઓફિસર તરીકે એક તાલુકા વિસ્તારનો રૂટ  ફાળવવામાં આવ્યો ને આપ મનોમન અકળાયા..તપનકુમાર..આપને નોકરીનાં પંદર વર્ષો દરમિયાન ખુરશીની 'ખુમારી' ચડેલી એ આપ પણ નહોતાં જાણતાં.. આપે નક્કી કર્યું કે જે સ્કૂલમાં વિઝીટ લેવાની થાય ત્યાં સૌને 'લેફ્ટ-રાઈટ' કરાવી દેવી છે..એ આળસુનાં પીર માસ્તરોનો 'વારો' લઈ નાખવો છે.! 

           અને બીજે દિવસે આપને એક નાનકડાં ગામની શાળામાં જવાનું થયું ને આપ બરાબર ત્રાટકયા..શાળામાં જાણે 'સિંહ' ઘુસી ગયો હોય એવું થઈ ગયું ને આપ પણ છૂપો આનંદ મેળવતાં હતા ! એવામાં એક એવી ઘટના બની ગઈ કે આપની ખુરશીની 'ખુમારી' એક પળમાં ભાંગીને ભુક્કો થઈ ગઈ...હા... તપનકુમાર...ત્રીજા ધોરણમાં એ વિદ્યાર્થિનીની વાંચનમાં એક ભૂલ થતાં આપ એ વર્ગશિક્ષક પર બરાબર તાડુક્યાં..તો પેલી નાનકડી છોકરીએ એટલું જ કીધું કે,'હેં સર..! આપ પણ એક દિવસ અમારી જેવડાં નહોતાં..!' -બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112