ટૂંકી વાર્તા...36 થી 40
ટૂંકી વાર્તા..36
શહેરનાં નામાંકિત ગાયનેક ડૉ. સ્નેહલ અત્યારે આપને ઓપરેશન થિયેટરમાં પરસેવો વળી રહ્યો હતો..હા ! ટેબલ પર રહેલી એ સ્ત્રીની 'ડિલિવરી' થઈ શકતી નહોતી અને સ્થિતિ ગંભીર થતી જતી હતી ને હવે 'સિઝર' પણ થઈ શકે એમ નહોતું..અચાનક આપને આપના સાસુ યાદ આવ્યાં કે જે શહેરનાં જ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા..હા એ આપના સાસુ એમનાં જમાનાના હોંશિયાર 'દાયણ' હતાં અને ગમે તેવી 'ક્રિટિકલ' પરિસ્થિતિમાં પણ એ સફળ 'ડિલિવરી' કરાવી શકતાં અને એમનાં એ 'વખાણ' જ આપનાથી સહન નહોતા થતાં જેને કારણે આપે એમને વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર કરી દીધેલા.!
આપે તરત જ ડ્રાઇવરને બોલાવ્યો ને બધું સમજાવી 'વૃદ્ધાશ્રમ' મોકલ્યો..સાસુમાં પણ ટૂંકામાં જ બધી સ્થિતિ સમજી તાત્કાલિક હૉસ્પિટલ આવ્યા ને રિબાતી સ્ત્રીની સફળ 'ડિલિવરી' કરાવી..ને તરત જ તે પરત જવા નીકળતાં હતા કે ડૉ. સ્નેહલ આપ એ વૃદ્ધ સ્ત્રીનાં પગમાં પડી ગયાં અને એટલું જ બોલી શક્યા..'મમ્મીજી...મને માફ કરી દ્યો..! હવે તમારે કશે જવાનું નથી..તમારે અહીં તમારી દીકરીનાં ઘરે જ રહેવાનું છે...!' -બેફિકર
ટૂંકી વાર્તા...37
સુનિધિ..!! આપ આપની રોજની આદત મુજબ આજે પણ દરિયાકિનારે ટહેલતા હતા..આપની એ પ્રૌઢ વયની સોનેરી વાળની લટ પવન સાથે ફરફરી રહી હતી..! ને અચાનક એક બોટલ...આપનાં પગ સાથે અથડાઈ...આપે કુતૂહલથી ઉપાડી ને જોયું તો બુચબંધ એ બોટલમાં ચબરખી જેવું લાગ્યું..આપની જિજ્ઞાસા વધી..ને આપે બુચ ખોલી એ ચબરખી વાંચી..પણ સુનિધિ આપે એ ન વાંચી હોત તો સારું હતું..!
હા..સુનિધિ એ ચબરખી આપને પચાસમાંથી સીધા વીસ વર્ષે લઈ આવી.એ અક્ષરો આપ બરાબર ઓળખતા હતાં.આપના 'દિલોજાન' સુદીપના અક્ષરો ! કે જેની સાથે આપ કલાકોના કલાકો દરિયે હાથમાં હાથ નાખી ટહેલતા ને આજે પણ રોજ આવો છો...સુદીપની યાદો સાથે..! પણ..એ ચબરખીએ તમને જાણે હાથ-પગ વિનાના કરી દીધા..તમારામાંથી જીવ લઈ લીધો !
હા...સુદીપનાં અક્ષરોએ લખ્યું હતું..'વ્હાલી.. સુનુ ! કાશ..તને આ ચિઠ્ઠી મળે..હું તને અલવિદા કહી રહ્યો છું ને તારા પ્રિય એવા દરિયાને મારી જાત સોંપી રહ્યો છું..સુનુ ! હું હવે તને વધારે નહિ છેતરી શકું...પણ સાચું બોલી જઇ રહ્યો છું..સુનુ ! હું 'પુરૂષ' નથી.!' - બેફિકર
ટૂંકી વાર્તા...38
ભલે સાહેબ, મારે એક આંખ રહે..પણ મારો ભાઈબંધ તો સાવ આંધળો ન બને ને ! તમે મારી એક આંખ એને ચડાવી દો ! ડૉક્ટર સાહેબ ! વઝીર એનાં ભાઈબંધ જુવાનસિંહને પોતાની એક આંખ આપવા ડૉક્ટરને વિનંતી કરતો હતો.કેમ કે જુવાનસિંહ અને વઝીરની ભાઈબંધી એ નાનકડાં ગામની ઓળખ સમાન હતી. એ દિવસે વઝીર નમાજ માટે મસ્જિદ ગયો ને જુવાનસિંહ વાડીએ ખોદાતો કૂવો જોવા.થોડીક વાર છુટા પડયા ને અકસ્માત બની ગયો.કૂવામાં અચાનક ફૂટેલા એ 'ટોટા' એ જુવાનસિંહની આંખો છીનવી લીધી.
અઠવાડિયા પછી બન્ને મિત્રો ગામમાં એક 'આંખે' પાછા આવ્યા ત્યારે ગામ બોલ્યું કે, 'કૃષ્ણ-સુદામા અમારા ગામમાં ફરી જન્મ્યા..વઝીર ને જુવાનસિંહ બનીને.!-બેફિકર
ટૂંકી વાર્તા...39
સ્વરૂપા !... જેવું નામ એવું જ તમારૂ રૂપ ! લોકો બે ઘડી જોઈ રહેતાં....જ્યારે તમે 'કપલ' નીકળતાં.. હા ! લોકો જોવાની સાથે-સાથે નિઃસાસો પણ નાખી જતાં..! ને નવાઈ પણ પામી જતાં.. હા..સ્વરૂપા લોકો તમારા એ 'પોલિયોગ્રસ્ત' પતિને જોઇ નવાઈ પામતા...કે...આવી સુંદર સ્ત્રીએ આવો પતિ સ્વીકાર્યો...!!
પણ..સ્વરૂપા..! મને ગર્વ છે તમારી ચોઇસ પર...જ્યારે એ નવરાત્રીની મોડી રાતે તમારા પર નરાધમોએ બદઈરાદાથી હુમલો કર્યો ને તમે હિંમત હારી ગયા હતા..ત્યારે અચાનક આ મરદ માણસ ત્યાં આવી પહોંચેલો ને પોતાની 'કાખઘોડી'ની મદદથી એ 'ગુંડાઓ'ને એવા તો ફટકાર્યા કે બધા ઉભી પૂંછડીએ ભાગ્યા ને તમે તરત જ નક્કી કર્યું..'હવેની જિંદગી તો આ મરદ સાથે જ !'-બેફિકર
ટૂંકી વાર્તા..40
શહેરનાં પ્રખ્યાત 'કોફી-હાઉસ'માં આપની બેઠક હતી..'ઝીંદાદિલ'..! હા..'ઝીંદાદિલ' એક ખ્યાતનામ શાયર અને કવિ..!
ને આપને ખ્યાતનામ બનાવનાર પણ આ 'કોફી-હાઉસ' જ ! અરે ! ખ્યાતનામ નહિ..'ઝીંદાદિલ' શાયર બનાવનાર જ આ જગ્યા.! હા..'ઝીંદાદિલ' દુનિયાની નજરે આપ શાયર અને મોટા ગજાના કવિ છો પણ રાઝની એક વાત તો ફક્ત આપ જ જાણો છો.! હા..'ઝીંદાદિલ' આપને રોજ મળવા આવતી અને લોકોની નજરે કવિતાઓ અને ગઝલોની શોખીન એ 'આંખો' વિનાની 'પ્રજ્ઞાચક્ષુ' છોકરી ખરેખર આપની પાસે કવિતાઓ સાંભળવા નહિપણ એની કવિતાઓ-ગઝલો આપને સોંપવા આવે છે કે જેના થકી આપ આજે 'ઝીંદાદિલ' તરીકે પ્રખ્યાત છો..!- બેફિકર
Comments
Post a Comment