ટૂંકી વાર્તાઓ...41 થી 45

ટૂંકી વાર્તા...41

      હા..! અરૂણ..સ્કૂલ બસનો ડ્રાઇવર છે તું અને તારાથી એક લિમિટ થી વધુ સ્પીડમાં ન જવાય..એ તે બરાબર યાદ રાખેલું..! છતાં પણ આજે તું આટલી સ્પીડે બાળકો સાથે હોવા છતાં !! પણ ભાઈ..થોડી બસ ધીમી તો કર..! હું સમજુ છું કે તને માઠું લાગ્યું છે..! 

      હા. અરૂણ.! તું સ્કૂલની અંદર પાણી પીવા ગયેલો અને દસમાં ધોરણમાં શિક્ષકને ગણિતનો એક દાખલો ખોટી રીતથી શીખવતાં જોઈ, તારાથી ન રહેવાયું ને તે ક્લાસમાં જઇ.. શિક્ષકનું ધ્યાન દોર્યું..તો એમણે ગુસ્સે થઈ તને કાઢી મુક્યો...પણ ભાઈ..! એમને ખબર નથી કે તું M.Sc.M.Ed. છો..અને વખાનો માર્યો..આ 'ડ્રાઇવરી' કરે છે...કેમ કે તું 'જનરલ' કેટેગરીમાં આવે છે..!- બેફિકર

ટૂંકી વાર્તા..42

       ગુજરાતી નાટકોની દુનિયામાં આપનું મોટું નામ હતું..અનિરૂદ્ધ ! સફળ લેખક,સફળ ડાયરેકટર અને સુપર્બ એકટર..! આપનાં નાટકોનાં 'હાઉસફુલ' નાં પાટિયા આપના હરીફોનાં છાતીના પાટિયા બેસાડી દેતા. તેઓ આપની વિરૂદ્ધ 'કુપ્રચાર'  કરતાં તો તે આપના માટે 'પ્રચાર' બની જતો..!

      પણ આજે આપનું નસીબ બે ડગલાં પાછળ છે..અનિરૂદ્ધ..! આપ આજનાં 'પ્રાઈમ શૉ' માં એક સર્પદંશનો સીન ભજવવા જઈ રહ્યા છો અને એને માટે સાપનું રિમોટ સંચાલિત મોડેલ પણ આપે ટોપલા સાથે ખાસ બનાવડાવ્યું છે પણ આપની કૉ-સ્ટાર અને પત્ની એનાં શંકાશીલ અને વ્હેમી સ્વભાવને લીધે આપની દુશ્મન બની,  ત્યાં 'રીઅલ કોબ્રા' ગોઠવવાની ગોઠવણ કરી ચુકી છે..! -બેફિકર

ટૂંકી વાર્તા..43

          અલ્ફાન્ઝો..જેવું નામ તેવી જ  મધુરી કેરી જેવો મીઠાશવાળો સ્વભાવ.! ખૂબ જ સુખી-સંપન્ન..લોકોને ઈર્ષ્યા આવે એવું સુખ ધરાવનાર અલ્ફાન્ઝો..છતાં પણ તું મનોમન હિજરાયા કરતી..કેમ કે તારે 'શેર માટીની ખોટ'..!રોજ ઈશુ મસીહાને કરેલી 'પ્રે' એક દિવસ ઓચિંતી સાચી પડી ગઈ..હા.. રોજ તારા ગાર્ડનની સંભાળ રાખનાર એ દેવકી ખરેખર તારી જિંદગીને 'ગાર્ડન' બનાવી ગઈ..! હા.. અલ્ફાન્ઝો..દેવકીની 'પ્રેગ્નન્સી-ટાઇમ' ની 'કૅર' તે કોઈ સ્વાર્થ વિના કરેલી ને દેવકીને જોડિયા 'કાનુડાં' આવ્યા ને 'દેવકી'એ તને 'યશોદા' બનાવી દીધી..!- બેફિકર

ટૂંકી વાર્તા...44

        સલીમ.! નાનકડો ગેરેજવાળો.નાનું શહેર.નાનું ગેરેજ પણ કામ મોટું. આસપાસના શહેરમાંથી કારવાળા સલીમ પાસે કામ કરાવવા આવતાં. સલીમ ભંગાર થઇ ગયેલી કારો ખરીદી એનાં કામ લાગતા પાર્ટ્સ વાપરી પછી તેને તોડી નાખવાનું પણ કામ કરતો. ઈમાનદારીથી રોજી રળનારો. સલીમનાં 'ઘરાકો' કહેતા..'તારી આવી હોંશિયારી છે કામમાં, તો કોઈ મોટાં શહેરમાં જઈ કામ કરને..!' ને સલીમનો એક જ જવાબ રહેતો..'ખુદાને આપવું હશે તો અહીં પણ આપશે..છપ્પર ફાડીને..!'

        એક દિવસ આવી જ એક જૂની કારને તોડી,તો દરવાજો તોડતાં સલીમ આભો જ બની ગયો.દરવાજાની અંદરથી સોનાનાં બિસ્કિટનો જાણે કે વરસાદ વરસ્યો.! સલીમ તો હાંફળો-ફાંફળો તરત જ બઘું પેક કરી નજીકનાં પોલીસ સ્ટેશન પહોંચ્યો.ત્યાંના ઇન્સ્પેક્ટર સાહેબે બધાં જુનાં રેકોર્ડ તપાસીને શોધી કાઢ્યું કે વર્ષો પહેલાં એક બેન્ક લૂંટ થયેલી તેમાં આ કાર વપરાયેલી ને ત્યારે માહિતી આપનારને સરકારે વીસ લાખનું ઇનામ જાહેર કરેલું. સલીમ.! તને એ બધું સોનું સરકારમાં જમા કરાવવા બદલ એ વીસ લાખનું ઇનામ મળ્યું ને તું ફરીથી બોલી ઉઠ્યો..'ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે..!' - બેફિકર

ટૂંકી વાર્તા..45

          સુહાની..! તારો શંકાશીલ સ્વભાવ અને ખણખોદ કરવાની ટેવ તારા માટે જ ઘાતક બની રહી..! હા.. તારા પતિને મોબાઈલમાં સતત વ્યસ્ત  રહેતો જોઈ તારાથી એ સહન ન થતું ને વધારે 'હાઇફાઈ ' થવાની લ્હાયમાં તે શહેરની પ્રખ્યાત 'ઇન્વેસ્ટિગેશન એજન્સી' ને રોકી ને એનો 'ટાઇગર' એવી માહિતી મેળવી લાવ્યો કે તારા પગ નીચેથી ધરતી સરકી ગઈ..! હા..તારો 'હબી'  'સ્મગલર' છે અને એનાથી પણ વધારે આંચકાવાળી વાત એ હતી કે તારી 'જાસૂસી'ની ખબર એને પડી ગઈ છે એટલે હવે તે તારો 'કાંટો' કાઢવાનો 'પ્લાન' કરે છે..! - બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112