ટૂંકી વાર્તાઓ..46 થી 50

ટૂંકી વાર્તા...46
        પહાડોમાં ફરવાનો આપનો શોખ..ચૈતસી.! કોઈ ન પહોંચે ત્યાં પહોંચવાની જાણે કે જીદ.! હિમાલયનો તો ખૂણે-ખૂણો આપને ઓળખે.!
        હા..આપ હિમાલયન સિઝનનાં નિયમિત 'ટ્રેકર' હતાં,જેથી ત્યાંના લોકો પણ આપનાથી પરિચિત.! પણ આ સિઝન આપના માટે યાદગાર બની રહી.!હા..આ વખતે આપના 'ગાઈડ' તરીકે આપની જ ઉંમરનો 'સુલતાન' હતો. 'સુલતાન' દિલનો પણ 'સુલતાન' હતો.પણ આપને એની 'સુલતાની' દિલફેંક લાગી અને આપે એને 'માપ'માં રહેવાની ચીમકી આપીને બધી 'દીલ્લગી' કાબુમાં લઈ લીધાની મગરૂરી મનોમન અનુભવતાં હતા.... ને...અચાનક એવી ઘટના બની કે આપની મગરૂરી જમીનદોસ્ત થઈ ગઈ અને સુલતાનને પણ આપને કંઈક કહેવાનો મોકો મળી ગયો.હા..અચાનક થયેલાં એ 'લેન્ડ સ્લાઈન્ડિંગ'માં સુલતાને આપને જીવનાં જોખમે બચાવ્યા..આપે 'થેન્ક્સ' કીધું ને સુલતાને વળતું કીધું;"मेडम..पहाड़ का आदमी हूं, पर पत्थर नही..इतना समझ लो !" -બેફિકર

ટૂંકી વાર્તા..47
      જીવી..સત્તર વર્ષની તારી નાની ઉંમરે જ્ઞાતિનાં રિવાજો મુજબ તું સાસરે આવી.. બે બકરીઓને આણામાં લઈને..! 
      બકરીઓ તો વળી શેની..હજી ગિદરડીઓ જ કહેવાય એવડી...ને પહેલાં જ દા'ડે તારી એ ગિદરડીને સાસરામાં આવેલા  બકરાએ હડફેટે લીધી..ને તું મનોમન વિચારતી રહી..'બળી આ 'અસ્તરી' ની જાત..! બધાની 'હડફેટું' જ સહન કરવાની...?' ને તારો પિત્તો ગયો..ને ફળિયામાં પડેલો સોટો ઉપાડી બકરાને 'સોળ' પાડી દીધા..! ને એ જ રાતે તારો ધણી કે જે અડધી જિંદગી ખાય ગયેલો છે એણે તને 'હડફેટે' લેવાની કોશિશ કરી તો વળી પેલો સોટો તે ઉપાડી લીધો...!!- બેફિકર

ટૂંકી વાર્તા...48
        રોશની...! નામ રોશની પણ તારી આંખોની 'રોશની' જતી રહેલી..! છતાં તે 'પેરા-ઓલિમ્પિકસ'માં ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે તારો અને દેશનો બન્નેનો ડંકો દુનિયામાં વાગ્યો..! હા... રોશની..! લોકો તારી વાહ...વાહ.. કરવા લાગ્યા ને સરકાર ઇનામો જાહેર કરવા માંડી..! 
        ને...ત્યારે તું વિચારતી હતી કે..આ જ રોશની જ્યારે કશું ન્હોતી ને એનાં પર જ્યારે એક 'એકતરફી' પ્રેમમાં પડેલા એ પાગલ યુવકે 'એસિડ એટેક' કર્યો ને બન્ને આંખોની  રોશની ગુમાવી ત્યારે આ લોકો ક્યાં ગયા હતા..!! -બેફિકર

ટૂંકી વાર્તા...49
         નવી આવેલી વહુએ ગામમાં ફરતાં જબર ગાંડા વિશે  ઘરડા સાસુમાં એવાં વાલીમાને પૂછ્યું..ને વાલીમાએ કીધું..સાંભળ વહુ.. 
       'જબરભાઈ..હા...જબરભાઈ એટલે જબરભાઈ.! ગામમાં કોઈનાથી આડુ ન ઉતરાય એવી ધાક  ને એકલાનું જ પંચ.જબરભાઈનો નિર્ણય એટલે લોઢામાં લીટી..ને એક દિ જબરભાઈને હેઠાજોણું થાય એવા વાવડ દીધા..ઘરવાળીએ..હા.. જબરભાઈની સોળ વરસની દીકરીનો પગ કુંડાળામાં પડી ગયેલો ને હવે ઇ મોઢું ખોલવા તૈયાર નથી.! ને જબરભાઈ કઠણ છાતીનો માણહ ઇ આ ખમે ? તરત નિર્ણય...રાતે જ દીકરીની ઑડ મરડી નાખી ને એરું આભડી ગયો કહી..દિ ઉગ્યા ભેગી..મસાણે..! ને તે દા'ડેથી જબરભાઈ ની આ હાલત..! કોણે પાપ કર્યું ને કોણ ભોગવે છે..ઇ જ સમજાતું નથી..!'વાલીમાંએ વાત પૂરી કરી.- બેફિકર

ટૂંકી વાર્તા..50
         ઓઘડ..હા...ઓઘડ નામ ને દેખાવે પણ અઘોરી..ગામ આખું દેખાવથી જ બીએ..નાનું છોકરું રડતું હોય તો છાનું રાખવા એની 'માઁ '....'જો ઓઘડ આવ્યો...!' કહી છાનું રાખે..! પણ આ ઓઘડ કંઈ પહેલેથી આવો ન્હોતો..! હા.. ઓઘડનાં શરીર પરથી વર્ષોનો મેલ ઉતારો તો ભૂતકાળનાં પડળો ઉલેચી ઇન્દ્રને પણ ઝાંખા પાડી દે એવો રૂપાળો 'આકાશ' નિખરી આવે..ને સાથે-સાથે કૉલેજનાં એ દિવસો કે જે આજે પણ આકાશ અને રજનીનાં પ્રેમનાં સાક્ષી છે..! પણ..એ રજની સાવ કાળા મનની જ નીકળી...રાત જેવી..!! રૂપિયાનાં લોભમાં અમેરિકાથી આવેલા અડદનાં ઢગલા જેવાં એ 'ઓઘડ' ને પરણી ગઈ..! આકાશને લાગી આવ્યું ને તે દિ' થી એ પણ 'ઓઘડ'...!! -બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112