ટૂંકી વાર્તા...6 થી 10
ટૂંકી વાર્તા ..6
પ્રખર ગૌરક્ષક દીનાનાથ ઉપર રાત્રીનાં બે વાગે હાઈ-વૅ પર અચાનક કસાઈઓનાં ટોળાંએ જીવલેણ હુમલો કર્યો.. દીનાનાથને થયું કે આજે બચાશે નહિ ને થયું પણ એવું જ..તે અધમુઓ થઈ જમીન પર ફસડાઈ પડ્યો.. એક કસાઈ તેનાં પર ધારદાર તલવારથી વાર કરવાં જતો હતો ત્યાં જ એકાએક ગાયોનું ટોળું ધસી આવ્યું ને કસાઈઓને મારી ભગાડ્યા...દીનાનાથ પડ્યો-પડ્યો જોઈ રહ્યો હતો...એ ટોળામાં રહેલી એ શિંગડા વિનાની ગાય એને બરાબર યાદ હતી..જેને એકવાર અડધી રાતે કસાઈનાં હાથમાંથી છોડાવેલી..!-બેફિકર
ટૂંકી વાર્તા..7
શહેરનાં જાણીતા મહિલામંડળમાં 'મહિલાદિને' બહેનોને મહિલાઓનાં સ્વાતંત્ર્યની વાતો કરતાં-કરતાં પ્રખ્યાત ધારાશાસ્ત્રી કૌશલ્યાબેન અચાનક અટકી ગયા..આજે સવારે જ પોતાનાં દીકરાએ પત્નીને લાફો માર્યો અને પોતે મનોમન રાજી થયાં.. તે ઘટના નજર સમક્ષ તરી વળી હતી..!-બેફિકર
ટૂંકી વાર્તા..8
શહેરનાં જાણીતા એડ્વોકેટ શ્રધ્ધાબેન કામદાર પાસે ચંપા છુટાછેડાનો કેઇસ કરવા આવી. શ્રધ્ધાબેને કારણ પૂછ્યું.ચંપાએ કીધું;'બેન ! સાચી વાત કહું..મને મૂઈને જ પેલા રવજી જોડે દિલ લાગી ગયું સે..બાકી મારો વર તો સોનાનો સે..! પણ તમે કેસમાં તો ઇ મને બોવ મારે સે એવું જ લખજો..! શ્રધ્ધાબેને ઉઘડતી કોર્ટે જ પોતાનાં 'ડિવોર્સ'નો કેઇસ પાછો ખેંચી લેવાનું નક્કી કરી લીધું હતું..!-બેફિકર
ટૂંકી વાર્તા....9
દરમહીને ઘરનું બજેટ બનાવતાં ને કરકસર કરી જીવતા માતા-પિતાને મનોમન લોભિયા સમજતાં સુધીરને એક મહીનામાં જ બધું સમજાઈ ગયું...વિદ્યાસહાયક તરીકે જોડાયા પછી..!
-બેફિકર
ટૂંકી વાર્તા....10
પિતાજી માટે દાતણ ખરીદવા અવનીબહેન બજારમાં ગયા.દાતણવાળીનો બાજુવાળી બાઈ સાથેનાં બબડાટમાં શાળાનું નામ આવતા અવનીબહેન ચમક્યા.તેમણે દાતણવાળીને પૂછ્યું; "કેમ શું થયું ?"
ને મંગુનો બબડાટ જોરમાં આવ્યો;"જુઓને.... નિશાળમાં કો'ક નવી માસ્તરાણી આવી સે..આફુડી....કપાતરે કાંક ઉજવણું રાખ્યું સે...છેલા દિ નું...ને મારા ચંદુડિયાએ મિલટરીનાં નવાં લૂગડાનું વેન લીધું સે...આ દાતણ વેસી હું એને એવા લૂગડાં કેવી રીતે લઈ દઉં....!"
એ સાંજે ચંદુ મિલેટ્રી યુનિફોર્મમાં શાળાએથી સાંજે પાછો ફર્યો.મંગુ તો હરખાઈ ગઈ...ને લૂગડાં વિશે પૂછવા લાગી...ચંદુએ કીધુ;"માઁ.. તું કશી ચિંતા ના કર..તું કાલે અમારો પ્રોગ્રામ જોવા આવજે..હું તને મને આ યુનિફોર્મ અપાવનાર બેન સાથે પણ મેળવીશ..."
બીજા દિવસે ચંદુએ મંગુને અવનીબહેન સાથે મેળવી..મંગુતો શરમની મારી નીચે જ જોઈ રહી..-બેફિકર
Comments
Post a Comment