ટૂંકી વાર્તા..114
ટૂંકી વાર્તા...
પળોજણમાંથી છૂટી શાંતિથી બે માણસ જીવીશું,એવું વિચારી તમે V.R.S. લીધું..મહેશભાઈ.! પણ આ ઈશ્વર તો રમત રમી ગયો..હંસાબહેન એટલે કે તમારી પત્ની એક દિવસ બ્રેઇન હેમરેજથી મૃત્યુ પામ્યા ને તમે એકલા પડી ગયા.પછીતો એક-એક દિવસ કાઢવો તમને મુશ્કેલ લાગતો.ઈશ્વર પણ દયા વિનાનો લાગતો,કેમ કે,પચાસ વર્ષનાં તમે થયા તોયે ન સંતાન આપ્યું કે ન છેક સુધી હંસાનો સાથ આપ્યો..પણ પછી તમે જ વિચારતાં કે હશે..છેક સુધી હંસાનો સાથ એટલે શું? મારી ઉંમરની પૂર્ણાહુતિ સુધી ? અરે..હંસાની ઉંમર પણ પુરી થઈ શકે ને.!આમ, દિવસો નીકળતાં જતાં હતાં..ને એકદિવસ રોજનાં નિયમ મુજબ આપે સવારે 5:30 વાગે મોર્નિંગ વૉકમાં જવા ફ્લેટનો દરવાજો ખોલ્યો..
તો દરવાજા પાસે ગાભામાં વીંટળાયેલું કંઈક પડ્યું હોય એવું લાગ્યું..તમે ધ્યાનથી જોયું તો એક નાનકડું બાળક ને એક ચિઠ્ઠી.! તમે બાળકને લઈ અંદર આવ્યા ને કાળજીથી પલંગ ઉપર સુવાડ્યું ને ચિઠ્ઠી વાંચી..'આદરણીયશ્રી,આપ અમોને ઓળખતાં નથી એમ આપ પણ અમારા જાણીતા નથી..પણ મેં અને મારા પતિએ આત્મહત્યા કરતા પહેલા અમારા લાડકા દીકરાને કોઈ સારા હાથોમાં સોંપવાનું નક્કી કરેલું.તો શોધખોળનાં અંતે આપ મળ્યા છો.તો મને તમારી દીકરી સમજીને આ દીકરાને ઉછેરશો અને અમોને કે અમારા આત્મહત્યાનું કારણ પણ ના શોધશો એવી નમ્ર વિનંતી અને પોલીસમાં જાણ ન કરશો કેમ કે,તો પોલીસ મારા દીકરાને આપ પાસે રહેવા ન દે અને કોઈ અનાથાશ્રમમાં મૂકી દે,એવું પણ બને..લી.આપની દીકરી જ સમજોને.!'.
આપે તરત જ સોસાયટીના મિત્રોને ભેગાં કર્યા.સૌનો મત એક જ હતો..કે બાળક આપે રાખી લેવું ને એનો ઉછેર કરવાની જવાબદારી સોસાયટીની સ્ત્રીઓ લેવા તૈયાર થઈ..પોલીસને દૂર રાખી આ કામ એક 'મિશન'ની જેમ ઉપાડી લેવા સૌ તૈયાર થયા ને એની ખુશીમાં આપે સૌને 'મોર્નિંગ ટી' પીવડાવી..
પણ મહેશભાઈ આ ખાનગી 'મિશન' થી તમે અજાણ છો..હંસાબહેનના મૃત્યુ પછી તમે બિલકુલ એકલા પડી ગયા તો ધીરે-ધીરે ચિત્તભ્રમ થતા જતા હતા ને તમે વધારે 'ડિપ્રેશન'માં આવો તે પહેલાં સોસાયટીના આપના મિત્રોએ જ અનાથાશ્રમમાંથી બાળક લાવીને આખું 'મિશન' પૂરું કર્યું હતું...!-બેફિકર
Comments
Post a Comment