ટૂંકી વાર્તા...119
ટૂંકી વાર્તા...
શેરુભાઈ ! સોનું, ડાયમન્ડ અને ડ્રગનું સ્મગલિંગ એ તારા ડાબા હાથનો ખેલ હતો.પુરા દેશમાં તું 'વૉન્ટેડ' હતો.તને પકડવો એટલે પોલીસને આકાશમાંથી તારા તોડી લાવવા જેવું કામ ! ને તને પકડવો અશક્ય લાગે તેવું તે પોતે જ નેટવર્ક ઉભું કરેલું..તું સતત સ્થળ બદલતો રહેતો..ફોન બદલ્યા કરતો..વાહન બદલ્યા કરતો..એક ન્હોતી બદલી રોજ રાતે નવ વાગે એટલે તારી દીકરીને ફોન કરવાની આદત..હા..તું તારી એ લાડકી સમજણી થઈ ત્યારથી રોજ ફોન કરે છે..ને એ તને એકવાર રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કર્યા કરે છે ને તું એને ભણીગણીને 'મોટી માણસ' બની જા,તે દિવસે ચોક્કસ આવીશ એવું પ્રોમિસ આપ્યા કરે છે...!
ને 'શેરુ' આજે એ દીકરીએ તને રૂબરૂ બોલાવ્યો છે.એણે ફોનમાં કીધું છે..'અબ્બા,જરૂર આવજો..રોશની ગાર્ડનમાં..તમારી ઈચ્છા મુજબ હું બહુ 'મોટી માણસ' બની ગઈ છું..તો મને આશીર્વાદ આપવા સવારે અગિયાર વાગ્યે..હું રાહ જોઇશ..' 'શેરુ' બરાબર અગિયારના ટકોરે તું પહોંચ્યો..તો તારી દીકરી પોલીસનાં ફૂલ યુનિફોર્મમાં હાજર હતી..! તને જોઈ એ બોલી,'અબ્બા..જુઓ..હું 'મોટી માણસ' બની ગઈ છું..હું I.P.S. બનીને આજે જ આ શહેરનાં S.P. તરીકે હાજર થઈ છું..ને હું તમારી 'ધરપકડ' કરું છું..એમ કહીને એણે પોતાની પાસે રહેલી હાથકડી તને પહેરાવી દીધી..ને તરત જ છુપાયેલા પોલીસ જવાનો દોડી આવ્યા ને તને ઘેરી લીધો..તું ફક્ત એટલું જ બોલી શક્યો..'પણ હું તારો બાપ છું...' પણ એ દીકરીના સણસણતા જવાબે તને મૂંગો કરી દીધો..!
એ દીકરી બોલેલી..'હા..હું તમારી દીકરી છું..પણ મારા ભારતદેશની પણ દીકરી છું..દેશનાં યુવાનોને ડ્રગનાં નશામાં ફસાવનાર, દેશના અર્થતંત્રને દાણચોરીથી પાયમાલ કરનાર મારો બાપ ન હોય શકે..અબ્બા હું જાણતી હતી કે તમને કોઈ પોલીસ કદી પકડી નહિ શકે..એટલે મારામાં સમજણ આવતા પોલીસ અધિકારી બનીનેે તમારી મને 'મોટી માણસ' બનાવવાની ઈચ્છા પુરી કરવાની સાથે તમારી 'ધરપકડ' કરી દેશને બચાવવાનો નિર્ણય મેં મનોમન કરેલો..!'-બેફિકર
Comments
Post a Comment