ટૂંકી વાર્તાઓ..51 થી 55
ટૂંકી વાર્તા...51
કાળી...નામ તારું કાળી..પણ અપ્સરાઓ ય શરમાય જાય એવું તારું રૂપ.! ને મદમાતી ચાલ.! ને ભર જોબન સાથે તું સાસરે આવી..પણ તારો ધણી સાવ 'માટીપગો'..! કૂતરાને 'હડ' કરવાય ઉભો ન થાય..પરણ્યાને બે વરહ સાવ કોરા ગયા ને તું કંટાળી.એવામાં જ તારા ગામમાં 'જાદુગર'નો શૉ આવ્યો ને તારું દિલ 'જાદુગર' પર આવી ગયું.તું એને તારા 'મોહપાશ'માં ફસાવાની ચાલ ચાલવા લાગી ને તારા પાસા પોબારા પડ્યા ને તું એક રાતે એની સાથે ચાલી નીકળી ! તું સાતમાં આસમાનમાં વિચરતી હતી પણ પાંચ દિ પછી એ જાદુગર એક રાતે પાંચ-સાત મિત્રો સાથે આવ્યો ને તને સૌને 'સાચવી' લેવા કહ્યું ! ત્યારે તને એ 'માટીપગો' યાદ આવ્યો કે જે તને હથેળીમાં સાચવતો પણ હવે તો શું થાય.! 'ખાડો ખોદે એ પડે.!' -બેફિકર
ટૂંકી વાર્તા..52
સૌમ્યા..નામ સૌમ્યા પણ સ્વભાવે તું અકડું.! પૈસાદાર બાપની જાગીરે તારામાં અભિમાન ભરી દીધેલું.! એક દિવસ તને સ્વિમિંગ શીખવાનું મન થયું ને તાત્કાલિક શહેરના જાણીતાં સ્વિમિંગ પુલમાં જોડાઈ ગઈ પણ કોઈને ન આવે એવો વાંધો તને આવ્યો.! હા..સ્વિમિંગનો કોચ આધેડ વયનો ને સ્વિમિંગ શીખવતી વખતે એનો 'ટચ' તારા અભિમાનને 'ઘા' કરી ગયો..'you..Bloody....Don't touch me...દૂર રહેજે મારાથી...!' આવી બુમો પાડી બિચારાને હડધૂત કરી દીધો..ને તું જાણે તરણહોજની મહારાણી હો..તેમ ડાયરેકટ 'ડાઈવ' મારી..ને..ડૂબી..! ઘણી બુમો પાડી તે સૌમ્યા...'Save me.. Save me..' પણ હવે તને 'ટચ' કરવાની હિંમત કોણ કરે ? સૌ મોં વકાસીને જોતા રહ્યા..! -બેફિકર
ટૂંકી વાર્તા...53
સુગંધ પંડિત..નામ તારું સુગંધ ને ગુણો પણ સુગંધી..! યુનિવર્સિટી ફર્સ્ટ સાથે તું M.Sc.M.Ed. થયો ને તારા સ્વભાવ પ્રમાણે સૌથી અંતરિયાળ વિસ્તારમાં 'સાયન્સ ટીચર ' તરીકે સ્કૂલ પસંદ કરી.જિલ્લા અધિકારીએ પણ તને ચેતવ્યો કે રહેવા દે ત્યાં ! પણ તું કંઈ સામાન્ય 'ટીચર' થોડો હતો ! સેવાનાં સંસ્કાર તને ગળથુથીમાં જ મળેલા..ને સાથે સાથે તમામ કામની આવડતો પણ..!
તું હાજર થયો ને કામ પણ શરૂ કર્યું..પણ ત્યાંની દારુણ સ્થિતિ તને અકળાવતી.. રોજ રાતે સૂતાં-સૂતાં તારું ઋજુ હૃદય દાદીમાની 'પરી' ની વાર્તા યાદ કરતું કે 'પરી' આવતી ને લોકોનાં દુઃખ-દર્દ દૂર કરી દેતી..!
ને અચાનક એક દિવસ 'પરી' આવી ચડી.જંગલ વિસ્તારમાં ફરવાની શોખીન એવી એક યુવતી પોતાની 'જીપ્સી' સાથે તારા એ ગામમાં આવી ચડી ને બરાબર તારી સ્કુલ પાસે જ 'જીપ્સી' એ દગો દીધો.એ 'પરી' મુંઝાઈ ગઈ પણ તે તારી કાબેલિયત દ્વારા કુશળ કારીગરનો રોલ પણ ભજવી લીધો ને 'જીપ્સી'ને જીવતી કરી દીધી ને દરમિયાન માં એ 'પરી' એ તારી માહિતી પણ તારી પાસેથી મેળવી લીધી હતી ને અઠવાડિયા પછી એ 'પરી' ફરી હાજર થઈ..પણ મોટા કાફલા સાથે ! આ વખતે તારા વિદ્યાર્થીઓ અને ગામલોકો માટે જાત-જાતની ભેટ લઈ આવેલી ત્યારે તને જાણવા મળ્યું કે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી હિરોઈન છે.! અને પછી તો એણે એ ગામ જ 'એડપ્ટ' કરી લીધું ને છ માસમાં તો તારા 'સુગંધી' સ્વભાવથી એ 'પરી' તારા જીવનમાં પણ આવી ગઈ..! -બેફિકર
ટૂંકી વાર્તા...54
રવજી..ફુગ્ગાવાળો..હા...ફુગ્ગા વેચવાનો ધંધો..તો નામની પાછળની અટક થઈ ગયેલી..ફુગ્ગાવાળો..! સવારથી સાંજ સુધી ચોપાટી પર ફરતાં રહેવું ને મોજમાં રહેવું એ જ કામ..ફુગ્ગો વેચાઈ કે ના વેચાઈ ,કશી ચિંતા નહીં..! પણ આજે તને ચિંતા થઈ રવજી ! હા..રવજી સવારનો પ્હોર..એ 'ફેમિલી' આવ્યું નાનકડી કારમાં..સુંદર મજાની બે-ત્રણ વર્ષની એક દીકરી ને પોતે બે ! પહેલા તો તને લાગ્યું કે 'મોર્નિંગ વૉક' માટે આવ્યા હશે..પણ અચાનક તારું ધ્યાન ગયું તો ઝેરની શીશી કાઢીને ગટગટાવી જવાની તૈયારીમાં..! તે ફુગ્ગાની લાકડી ફેંકી દોટ મૂકી ને હાથની થપાટ મારી શીશી ફેંકી દીધી..નિરાંતે બેસી હૈયાધારણ આપી ત્યારે જાણવા મળ્યું કે સવર્ણ જ્ઞાતિનાં એ પુરૂષે દલિત જ્ઞાતિની છોકરી સાથે 'લવ-મેરેજ' કરેલાં ને હાલમાં દેશમાં ફાટી નીકળેલ 'વર્ગ-વિગ્રહ' ની જાળ તેઓને દઝાડવા માંડી છે તો કંટાળીને છેવટે...! -બેફિકર
ટૂંકી વાર્તા...55
દિનેશ.! તું પહેલી નજરે જ ભારતીનાં પ્રેમમાં પડી ગયો.!મામાના દીકરાનાં લગ્નમાં તે એને જોઈ..મામીની દુરની સગી થતી એ ભારતી.! તે તો નક્કી જ કરી લીધું..બસ..હવે 'જીવનસાથી' તો આ જ ! ને હિંમત કરી.. મામીને વાત કરી. મામીએ પણ સાથ આપી આગળ વાત ચલાવી પણ ભારતીએ જવાબ આપ્યો;'ના,હું એ હોટલના 'રૂમબોય' તરીકે નોકરી કરતા છોકરા સાથે જીવન ગાળું ? મારે તો 'સરકારી નોકરી' કરતો છોકરો જોઈએ..! મારૂ આખું ઘર 'વેલસેટ' છે !'
.....ને દિનેશ તને લાગી આવ્યું..પહેલું જ કામ નવમાં ધોરણથી છોડી દીધેલો અભ્યાસ ચાલુ કરવાનું કર્યું..ત્યારબાદ..સફળ રીતે P.T.C થયો..ને..સરકારી સ્કૂલમાં શિક્ષક ને છ માસમાં...આચાર્ય...ને એક વર્ષમાં ભારતીનો 'જીવનસાથી'..! પણ એક ખાનગી વાત કહું ? ભારતી પણ તારી સાથે પ્રથમ નજરે જ પ્રેમમાં પડી ગયેલી ને તારામાં રહેલું 'કૌવત' પારખી ગયેલી તો 'ચેલેન્જ' કરી તમારા બંનેની લાઈફ 'વેલસેટ' કરી દીધી !-બેફિકર
Comments
Post a Comment