ટૂંકી વાર્તાઓ....61 થી 65
ટૂંકી વાર્તા...61
રમલી દારૂવાળી..હા.. પુરા પંથકમાં તું પ્રખ્યાત ! ને કોઈનીય તને બીક નહીં ને ક્યાંથી હોય પોલીસવાળાને તું 'હપ્તા' દીધાનો વટ રાખતી એટલે બિન્ધાસ્ત કહેતી,'પેલી ધારનો પીવા તો રમલી પાંહે જ આવવું..ને કાયમ આવવું.કેમ કે,રમલી તો કાયમ દારૂ વેસવાની સે !' પણ રમલી આજે ઇ બાય તને વિચારમાં નાખતી ગઈ છે કે આ ધંધો બંધ !
હા..આજે બપોરે આવીને એણે કીધું; 'સાલી વાંઝણી ! તને તો છોકરાં થાવા ના નથી ને થાય એનાં ય થવા નથી દેતી ! આ જો તારો દારૂ પી ને મારા ઇ જમાઈએ મારી 'બેજીવી' દીકરીને પેટમાં પાટું માર્યું..તો કહુંવાવડ થઈ ગઈ !' ને ત્યારની તું વિચારે છે કે એનો જમાઈ દારૂ પીવે એમાં તને 'વાંઝણી' કહેવાની શી જરૂર ! હવે તો આ ધંધો જ બંધ.! પછી કોઈ કહી જુએ.! -બેફિકર
ટૂંકી વાર્તા...62
નવનીતલાલ..! રોજ રાતે ઝબકીને તમે જાગી જાઓ છો.. ને ઉભા થઇ દરવાજો ખોલી બોલી ઉઠો છો..'આવ્યો કુમાર..!! આવી જા બેટા.. અંદર...તું પણ આવ...નિરાલી..આ બધું તારું જ છે બેટા..!' પણ ખાલી ખમ ઉંબરો જોઈ આપ ભાંગી ગયેલા શેરડીના સાંઠા જેવા થઈ પાછા પથારીમાં પડી જાવ છો..!
હા.. નવનીતલાલ આપ તો શેરડી જેવા જ મીઠા છો પણ આપના મિત્રની દીકરીને તમે આપના ઘરની શોભા બનાવી તે આપ માટે ભૂલ થઈ ગઈ..કેમ કે, એને એના પૈસાદાર બાપની સંપત્તિનું ગુમાન છે જે આપના દીકરાને પતિ નહિ પણ 'ગુલામ' બનાવવા ઈચ્છે છે જેથી અલગ ફ્લેટમાં રહેવા લઈ ગઈ છે ! - બેફિકર
ટૂંકી વાર્તા...63
સુંદર મજાનું એન્ટિક ફર્નિચર...AC અને વોટરકુલર..ટી-કોફી વેન્ડિગ મશીન..સુંદર રીતે કરાયેલું પ્રકાશનું આયોજન..સુંદર રીડિંગ ચૅર્સ..ને દુનિયાભરનાં પુસ્તકોથી ભરેલાં કબાટ..નાનકડો ઇન્ડોર ગાર્ડન..ને સુંદર ઍકવેરિયમ..ને..સૌથી સુંદર એની માલિક..સાક્ષી..!
જો-જો રખે આપ એને સાક્ષીનું ઘર ના માની લેતાં ! આ તો છે સાક્ષી સંચાલિત મફત લાઈબ્રેરી ! આપ કહેશો આવી સુંદર લાઈબ્રેરી ને એ વળી મફત ! હા...ને એની પાછળ કારણભૂત છે સાક્ષીનો એ 'મુફલિસ' તખલ્લુસથી મશહૂર એવાં શાયર-કવિ-લેખક સુદીપ પ્રત્યેનો પ્રેમ..!
હા.. અબજોપતિ બાપની દીકરી એ 'મુફલિસ'નાં પ્રેમમાં પડેલી..ને ત્યારે અવાર-નવાર સુદીપ એને એની કલ્પનાની લાઈબ્રેરીનું વર્ણન કરતો..પણ સાક્ષી-સુદીપ એક થાય અને બન્નેનું સપનું પૂરું થાય એ પહેલાં સાક્ષીનાં અબજોપતિ બાપે 'મુફલિસ' નામનો કાંટો હટાવી દીધો ને સાક્ષીને એની ખબર પડી તો પોતાનાં બાપની સામે જ આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લીધી ને પોતાનો પૂરો સમય આ 'સુદીપની સાક્ષીએ' નામથી ઓળખાતી લાઈબ્રેરીનાં સર્જનમાં આપી દીધો કે જે સાક્ષીનાં સુદીપ પ્રત્યેનાં પ્રેમનું પુષ્પ છે..!-બેફિકર
ટૂંકી વાર્તા...64
ખોબા જેવડાં નાનકડાં ગામમાં તું મેલેરિયા વર્કર તરીકે હાજર થયો.તે જઈને અનુભવ્યું કે આખું ગામ અશિક્ષિત અને તેને લીધે ચાલતો ભુવાજીનો ધંધો.! લોકો પોતાની કંઈપણ નાની-મોટી સમસ્યાના ઉપાય માટે ભુવાજી પાસે દોડી જતાં ને ભુવાજી અંધશ્રદ્ધાનો પૂરો લાભ ઉઠાવતાં..!
તે લોકોને જાગૃતિ તરફ વાળવાનો અને માંદગી માટે મેડિકલ સારવાર અપાવવાનો પ્રયત્ન કર્યો,તો ભુવાજીનાં 'ગુંડાઓ'નો ત્રાસ શરૂ થયો ! આખરે 'ઝેરનો ઉપાય ઝેર'નાં ન્યાયે તે એક યુક્તિ વિચારી.ભુવાજીનાં એક માણસ સાથે ભાઈબંધી બાંધી,ધીમે-ધીમે ભુવાજીની કરમ-કથની જાણી લીધી ને ભાઈબંધીનો વિશ્વાસ કેળવી લીધો ને એક દિવસ 'કાળીયા તાવ'ની સારવારના બહાને ભુવાજી પાસે તું ગયો..
ને ભુવાજીએ જેવો તારો હાથ પકડ્યો કે તું જોર-શોરથી 'ધુણવા' માંડ્યો !! ને ભુવાજીની કરમ કથની કહેવા લાગ્યો.. લોકો તો તને ભુવાજીથી પણ મોટો 'જાણકાર' જાણીને પગમાં પડવા લાગ્યા..ને પછી ધીરે-ધીરે તારામાં પ્રગટેલા 'માતાજી' સૌને શિક્ષણ અને સાચા રસ્તા તરફ લઈ જવા લાગ્યા ! ધીમે-ધીમે ભુવાજીની દુકાન બંધ થઈ ગઈ ને તને આવતાં 'માતાજી' પણ વિદાય લઈ ગયા પણ હવે તેની કોઈ જરૂર નહોતી કેમ કે 'માતાજી' નાં આદેશથી ગામમાં અત્યારે સુંદર શાળા અને નાનકડું દવાખાનું ઉભું થઈ ગયેલું છે..! -બેફિકર
ટૂંકી વાર્તા...65
આશ્રમશાળામાં આજે સત્રનો છેલ્લો દિવસ હતો.સૌ વિદ્યાર્થીઓ ઘરે જવાનાં ઉત્સાહમાં હતાં. એક સરિતા ઉદાસ હતી..ખૂણામાં એકલી-અટૂલી બેઠેલી જોઈ,આચાર્યશ્રીએ પૂછ્યું;'કેમ બેટા ! ઉદાસ છો ? શું તારે ઘરે જવું નથી ? '
સરિતાએ કીધું;' ગુરૂજી..ઘરે જઈ મારે ઓરમાન માં નો ત્રાસ અને એની ચડામણીથી બાપનો માર અને ભૂખ જ સહન કરવાની છે... -બેફિકર
Comments
Post a Comment