ટૂંકી વાર્તાઓ...66 થી 70

ટૂંકી વાર્તા...66
     ચંદુ પસ્તીવાળો.. પણ અનોખો.! ..કેવી રીતે ? લ્યો કહું..ચંદુનું કામ તો નામ પ્રમાણે પસ્તી ભેગી કરવાનું જ..પણ આ ચંદુને નવીન શોખ...તે પસ્તીમાં આવતા ફાટેલાં-તૂટેલા પુસ્તકોમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે રીતે એક આખુ પુસ્તક બનાવે ને ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આપે પણ શરત એટલી કે વરસ પૂરું થાય એટલે પાછું..આવી રીતે ચંદુએ નિઃશુલ્ક બુકબેન્ક શરૂ કરેલી..બાળવાર્તાઓ...છાપામાં આવતી બાળ મેગેઝીન વગેરેને બાઇન્ડિગ કરી પોતાની ચાલીમાં ભૂલકાઓને વાંચવા આપે..આ 'સરસ્વતી સાધના' ના યજ્ઞનું કારણ એટલું જ...ચંદુ હોંશિયાર હોવા છતાં પુસ્તકોનાં અભાવે અભ્યાસ નહિ કરી શકેલો..-બેફિકર

ટૂંકી વાર્તા....67
        મનહરભાઈ ટપાલી...કામ ઘરે-ઘરે ટપાલો-રજીસ્ટર્સ ને પાર્સલ્સ પહોંચાડવાનું..તમે કહેશો એમાં વળી શું નવીન ! પણ મારે વાત મનહરભાઈની એક નવીન સેવાની કરવી છે..હા..મનહરભાઈની સાઇકલ પર ટપાલોનાં થેલા સાથે બીજો પણ એક થેલો હોય..જે ઘરે ટપાલ આપે તે ઘરેથી એક રોટલી કે રોટલો લેવાનો ને પછી શેરીમાં ભૂખે ફરતાં ગાય-કૂતરાઓને ખવડાવવાનો..આ 'સેવાયજ્ઞ'ની પાછળ પણ એક પ્રેમ જોડાયેલો છે..મનહરભાઈની પહેલાં આ કામ એનો કોલેજમાં ભણતો દિકરો કરતો હતો.. રોજ સવારે 1 કલાક કાઢી રોટલી-રોટલાં ભેગાં કરી ગાય-કૂતરાઓને ખવડાવતો..પણ એક દિવસ એક હડકાયું કૂતરું કરડી જતાં તે હડકવાથી અવસાન પામ્યો..તો દીકરાનો 'સેવાયજ્ઞ' એળે નહિ જવા દેવાનું એક બાપે નક્કી કર્યું છે..-બેફિકર

ટૂંકી વાર્તા..68
         પ્રવિણ એટલે સેવાનો પર્યાય..કોઈપણનું કંઈ પણ કામ હોય તો પ્રવિણ પહેલો હાજર ! પછી તે કુવામાંથી મોટર કાઢવાની હોય કે દવાખાનું હોય..કોઈ શેરીની લાઈટ ગઈ હોય કે કોઈના ઘરમાં શોર્ટ-સર્કિટ હોય... કોઈની ગાય વિયાણી હોય કે કોઈની બાજરી લણવાની હોય..એક રૂપિયાની આશા નહિ..ને કોઈ હરખેથી કઈ આપે તો લેવાની ના પણ નહિ..!
        પ્રવિણનાં આવા સ્વભાવથી એની પત્ની કંટાળેલી..ને એમાંય લાઈટનું કામ આવતું તો તે ફફડી ઉઠતી..પ્રવિણ હસીને કહેતો..'ગાંડી..! એમ બી માં..ધાર્યું તો ધણીનું થાય..!
          ને એકવાર પ્રવિણને એક વાડીએથી 'કહેણ' આવ્યું..11 K.V. ની લાઈનમાં એક મોર ચોંટી ગયેલો..તો શોર્ટ-સર્કિટ થયેલી..પ્રવિણ તો પહોંચ્યો..પણ T.C. દોઢેક ખેતરવા દૂર..તો ફ્યુઝ ખેંચી લાઇન બંધ કરી..પ્રવિણ તો પોતાના કામે ચડ્યો..થાંભલા પર..ને આ બાજુ પ્રવિણની સતત ઈર્ષા કરનારો વશરામ પહોંચ્યો..T.C. પર..! બરાબરનો મોકો જાણી વશરામે ફ્યુઝ ચઢાવી લાઇન ચાલુ કરી દીધી..! બિચારો પ્રવિણ 11 K.V. ની લાઇન પર જ ભડથું થઈ ગયો..! - બેફિકર

ટૂંકી વાર્તા..69
       ડૉ. શશાંક.! હાઇવે પર ફૂલ સ્પીડે જતી આપની B.M.W. ને આપે અચાનક શોર્ટ બ્રેક મારી અટકાવી. હાઇવૅના કિનારે આવેલી એક વાડી પાસે પડેલું એ 'GJU 530 ' આપની નજરે ચઢ્યું ને આપનું બાળપણ સળવળી ઉઠ્યું..હા..આ એ જ રાજદૂત હતું જેના પર બેસી આપે બાળપણ માણ્યું'તું...પછી તે પશા પટેલની ખાટી આંબલી ખાવા જવાનું હોય કે બાજુના ગામમાં ભવાઈ જોવા.અરે.!આ રાજદૂત પર બેસાડીને આપના પિતાજીએ આપને બાલમંદિરથી શરૂ કરી ડૉ. સુધીની સફર કરાવેલી..હા..ફરક એટલો કે મેડિકલ કૉલેજમાં આપ જાતે 'રાજદૂત' રાઈડ કરી જતા.ત્યારે બધી 'ગર્લ્સ' આપની અદા પર ફિદા થઈ જતી.!
                 ને એવી એક 'ગર્લ' પર આપ ફિદા થઈ ગયા..બાળપણથી જ 'મા' ખોઈ બેઠેલા આપ પિતાજી પાસે દરેક 'જીદ' પુરી કરાવતાં.. તો આ પણ થઈ...પણ એ 'ડૉક્ટર ગર્લ' પત્ની બનતા આપે એની 'જીદ' પુરી કરવામાં પિતાજીને 'વૃદ્ધાશ્રમ'માં રહેવા મજબૂર કર્યા..ઓહ..! ડૉકટર આ 'રાજદૂત' તો બાળપણથી જુવાની સુધીની સફર કરાવી લાવ્યું...ને ડૉ. શશાંકની આંખો ભીની થઇ.!
                                                          -બેફિકર

ટૂંકી વાર્તા... 70
                                  કરશન ! ભલો-ભોળોને દિલનો ચોખ્ખો..સવાર પડ્યું નથી ને વાડીએ પોગ્યો નથી તે ઠેઠ દી આથમ્યા સુધી.વાડીનું કામ ને ઢોરઢાંખરની માવજત બે જ કામ ! આ કરશન એક દિ અચાનક ગાંડો થઈ ગયો.! વાડીએ સવારે ગયો ત્યારે તો કંઈ ન્હોતું પણ સાંજે 'લવારી' સાથે પાછો આવ્યો..'મેં એને મારી નાખ્યા.. મેં એને મારી નાખ્યા.!' ગામલોકોએ દોડતાં જઈ વાડીએ તપાસ કરી,તો ત્યાં બેય અલમસ્ત ને અસલ વઢિયારા બળદ મડદું થઈ પડેલા.!
                  ઘડીક તો લોકોને કંઈ ન સમજાણું પણ પછી ઊંડી તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે ભોળા કરશનને કપાસમાં દવા છાંટતા-છાંટતા વિચાર આવ્યો કે,'લાવ ને બે ફુવારા બળદોને ય મારી દવ..બિચારાને બહુ ઇતરડીયું ને બગાહુ થઈ સે..' તો બે ફુવારા બળદને ય છાંટયા..ને બળદે ટેવ મુજબ જીભથી ચાટી લીધું.! બળદ જીવથી ગયા ને કરશન મગજથી.!-બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112