ટૂંકી વાર્તાઓ...76 થી 80

ટૂંકી વાર્તા..76
         હા..સાવ નાનું ગલુડિયું હતું..એ..ને તે એને પાળ્યું...ને નામ આપ્યું...'મોતી'..મોતી સતત તારી સાથે જ હોય..પછી તું વાડીમાં પાણી વાળતો હો કે ગાયને નિરણ કરતો હો..ધીમે-ધીમે કરતાં 'મોતી' જુવાન થઈ ગયો..પછી તો તે તારું રક્ષણ કરતા પણ શીખી ગયો..'મોતી'ની હાજરીમાં કોઈની તાકાત છે કે કોઈ તને હાથ પણ લગાડી શકે..! એક રાતની વાત છે..તું રાતે 'વાળું' કરવા બેઠો હતો ને 'મોતી' નો ભસવાનો અવાજ ચાલુ થયો..તેનું ભસવાનું વધતા તું ઊભો થઈ એને 'વારવા' ગયો..પણ જેવો તું ઓસરીની કોર ઉતરવા જતો ને 'મોતી' તારી સામે ધસી આવતો..તે ત્રણ-ચાર વાર કોશિશ કરી પણ 'મોતી' નહોતો તને ઉતરવા દેતો કે નહોતો ભસતો બંધ થતો..!
        ને તને ગુસ્સો આવ્યો...બાજુમાં પડેલી કોશ ઉપાડી તે 'મોતી'ને છૂટી મારી..ને માથામાં જ બરાબર વાગતા 'મોતી' ઢળી પડ્યો..તું અફસોસ સાથે દોડ્યો..જેવો ઓસરીની નીચે ઉતર્યો કે તારો પગ એક મોટા 'ફણીધર નાગ' પર પડ્યો..ને એણે તને ડંખ મારી દીધો..ને..તું પણ ઢળી પડ્યો..!-બેફિકર

ટૂંકી વાર્તા..77
         ઘણા વર્ષો સુધી જાત-જાતનાં સ્થળો,આશ્રમો અને શહેરો આપ ફરી વળ્યાં..કંચનરાય..આપનો એકનો એક જુવાનપુત્ર ઘર છોડીને નીકળી ગયો હતો..પણ કોઈ પત્તો લાગ્યો નહોતો..અઢાર વર્ષનાં આપના એ દીકરાને જાણે ધરતી ગળી ગઈ હતી..આપ બન્ને પતિ-પત્નીએ હવે એની આશા પણ છોડી દીધી હતી...
         એમ કરતાં વીસ વર્ષનાં વ્હાણા વીતી ગયા..ને એક દિવસ અચાનક સવાર પડતાં છ-સાત મોંઘીદાટ મોટરોનો કાફલો આપને ત્યાં આવીને ઉભો રહયો.. ને આપ બંનેની નજર એકસામટી સૌથી આગળ ચાલતાં શ્વેત વસ્ત્રધારી મહંત પર પડી..ને કંચનરાય આપ બંનેની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી.. એ આપનો ગુમ થયેલો દીકરો હતો...ને એની આંખમાંથી પણ અશ્રુઓ વહી ચાલ્યા..હા... એને પસ્તાવાનું ઝરણું ઘર સુધી ખેંચી લાવ્યું હતું..પણ હા..એ હવે આશ્રમનો મહંત હોવાથી ફક્ત માં-બાપના દર્શન કરવા જ આવ્યો છે..!-બેફિકર
        

ટૂંકી વાર્તા..78
          ચિન્મય..હરિદ્વારના ગંગાના પ્રવાહોથી શરૂ કરીને કેદારનાથના હિમશિખરોએ આપને એક અજીબ ખેંચાણથી ખેંચી રાખેલાં ! આપે આ ખેંચાણથી ગંગા કિનારે નાનકડો આશ્રમ પણ બનાવેલો.રોજ ગંગાના કિનારે સાંજ ગાળવી એ આપનો વણલખ્યો નિયમ હતો.આવી એક સાંજે આપના આશ્રમમાં એક મહિનાથી રહેતી વીસ વર્ષીય અમેરિકન યુવતી 'એલેકસા' આપની પાસે આવીને બેઠી અને આપના તરફ પોતાના પ્રેમનો એકરાર કર્યો...
        .... ત્યારે આપ આપની પાસઠ વર્ષની સફેદ દાઢીમાં આંગળીઓ પસવારતાં ઊંડી યાદમાં ખોવાઈ ગયા..કે....પચ્ચીસ વર્ષની યુવાન ઉંમરે પત્ની સાથે 'ચારધામ' આવેલો ને કેદારનાથના હિમશીખરોમાં એને હાર્ટએટેક આવેલો ત્યારે એણે હાથ પકડી વચન માગેલું..'ચિન્મય ! હું જાઉં છું..પણ તમે મને છોડીને ક્યાંય ન જતાં..ગંગા કિનારે જ રહેજો..હું પાછી આવીશ.!' એ 'એલેકસા' બનીને આવી કે શું ? -બેફિકર

ટૂંકી વાર્તા...79
        મેજર સત્યપ્રતાપસિંઘ ! આપ કેદારનાથ આપની ફરજ પર હતાં ને આપને એક એવી વ્યક્તિનો ભેટો થઈ ગયો જેણે આપને આશ્વર્યચકિત કરી દીધા..હા..એ ઇન્દુ જ હતી..આપના કાકાની દીકરી..સાધુઓનાં ટોળામાં ઘેરાયેલી ને સાધ્વીનાં રૂપમાં રહેલી.દસ વરસ પહેલાં દસ વર્ષની ઉંમરે ગુમ થયેલી.આપની અને ઇન્દુની નજર એક થઇ ને ઇન્દુની આંખમાં ભાદરવો ઉમટ્યો ને આપ સઘળું સમજી ગયા.ઇન્દુને આંખથી જ મૂંગા રહેવાનો ઈશારો કરી આપે આપના સોલ્જર્સની મદદથી એ સઘળા 'બાવાઓ'ને કોર્ડન કરાવ્યા ને ઇન્દુને છૂટી પાડી આપના ટેન્ટમાં સલામત મોકલી દીધી ને બહેનને બચાવી લીધા પછી એ બધા જ બાવાઓની બરાબર 'રીમાન્ડ' લીધીને છોકરીઓને ઉપાડીને વેચી મારવાની મોટી 'ગેંગ' આપે પકડી પાડી.-બેફિકર

ટૂંકી વાર્તા..80
         ઋજુતા..તું 'હોસ્પિટલાઈઝ' હતી,તારા મમ્મી-પપ્પા પરેશાન હતા અને આખા શહેરની પોલીસ દોડધામમાં હતી..હા તારા પર કોઈ 'સ્ટ્રેન્જર' એસિડ એટેક થયેલો અને એ પકડાતો નહોતો..પણ ઋજુતા તું જાણે છે કે એ 'સ્ટ્રેન્જર એટેકર' ક્યારેય નહીં પકડાય..હા.. કેમ કે એ તું પોતે જ હતી !
        હા.. તું સ્વર્ગની પરી જેવી સુંદર હતી...તો તારાથી બે વર્ષ મોટી તારી બહેન રુચિતા થોડી શ્યામલી અને સાધારણ દેખાવની હતી..તો લગ્ન લાયક ઉંમર હોવા છતાં તે 'રિજેક્ટ' થતી અને છોકરાવાળા તારું 'માગુ' મોકલાવતા..ને રુચિતા હિજરાયા કરતી..આખરે તે બહેનના પ્રેમમાં કાયમી ઉપાય કર્યો..!-બેફિકર
      
       

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112