ટૂંકી વાર્તાઓ...81 થી 85

ટૂંકી વાર્તા...81 થી
         મિસ્ટર રસ્તોગી ! આપ અચાનક ચમક્યા..! હા..હતો તો એ જ..! જે રોજ સાંજે 4 વાગ્યે આપની દુકાને આવતો ને ઢગલાબંધ રમકડાં લઈ જતો..તે આવા ભીખારીના વેશમાં..!રમકડાં લેવા આવતો ત્યારે તો 'અપટુ ડેઈટ' આવતો..!
       આખરે આપનાથી ન રહેવાયું.. ને રસ્તોગી તમે એની નજીક પહોંચી ગયા..ને પૂછ્યું..ને જવાબ મળ્યો..'હા... સાહેબ..! છું તો હું ભિખારી જ..પણ રોજ સાંજે 4 વાગે હું 'અમિર' બની જાઉં છું ને ગરીબ બાળકોને ખુશી વહેંચવા નીકળું છું..'-બેફિકર

ટૂંકી વાર્તા..82
        તારી ચાલમાં જાણે આજે હરણાંઓ થનગનતા હતા અને હૈયે મોરલાઓ ટહુકતાં હતા..રજની..! હા..આજે તું જેને મનોમન ચાહતી હતી એ રાહુલે તને સ્માઈલ આપ્યું હતું..!
    પણ રજની તારી એ ચાહત તારા મનમાં જ સમાયેલી રહેશે અને રાહુલનું સ્માઈલ પણ એક સપનું થઈ જશે..કેમ કે તું એક 'એબનોર્મલ' છોકરી છે ને લોકો તને મંદબુદ્ધિ સમજે છે..!-બેફિકર

ટૂંકી વાર્તા..83
      અબ્દુલ.! કપાયેલા પગ સાથેનો ભિખારી..આજે હીરો બની ગયો..હાજીપીર દરગાહ પર ભીડની વચ્ચે થતી શંકાસ્પદ હિલચાલ તારા ધ્યાનમાં આવી ને તે તરત જ પકડી પાડ્યું.તે વ્યક્તિ તો 'ટીફીનબોમ્બ' મૂકી ભીડમાં ઓગળી ગઈ પણ તું એક પગે વીજળીવેગે દોડ્યો ને 'બૉમ્બ' ઊંચકી દરિયામાં ફેંકી દીધો.સૌ બચી ગયા..નિર્દોષ.!
  હા..અબ્દુલ તે આ સાહસ કર્યું પણ એની પાછળ પણ તે ભોગવેલ સ્થિતિ જ છે.હા..અબ્દુલ દસ વર્ષ પહેલાં તે પણ જેહાદી સંગઠનની વાતમાં આવીને લાખો રૂપિયા મેળવવાના લોભમાં 'ટીફીનબોમ્બ' મુકવાનું સ્વીકારેલું.લાખો રૂપિયા તો ન મળ્યા પણ બૉમ્બ વહેલો ફૂટી જતા તું એક પગ ગુમાવી બેસેલો ને આખરે ભિખારી બની ગયેલો.!-બેફિકર

ટૂંકી વાર્તા..84
      સૃષ્ટિ અને દ્રષ્ટિ એટલે ખોળિયા બે અને આત્મા એક એવી સખીઓ..સતત સાથે ને સાથે..વળી ચહેરે-મ્હોરે પણ મળતી..સૌ કહેતા બહેનપણીઓ તો સૃષ્ટિ અને દ્રષ્ટિ જેવી હોવી જોઈએ..!
     પણ આ પ્રેમનું રહસ્ય છે...સૃષ્ટિ-દ્રષ્ટિ ! વાસ્તવમાં તમે બહેનપણીઓ નહિ પણ સગી બહેનો છો..! હા.. સૃષ્ટિ-દ્રષ્ટિ તમે 'ટ્વીન્સ' આવ્યા તો તમારા મમ્મી-પપ્પાએ એમનાં ખાસ મિત્ર કે જેમના ઘરે બધું હોવા છતાં 'પગલાંનો પાડનાર' કોઈ ન્હોતું તો એમને દ્રષ્ટિ 'ખોળે' આપેલી...
                                                      -બેફિકર
ટૂંકી વાર્તા...85
       રોજ સવારે તું વૉકિંગમાં નીકળતી તરાના ! ત્યારે એ તને સામો મળતો..પોતાના ડોગ સાથે..ને તારા દિલની ઘંટડીઓ વાગી ઉઠતી..એટલો સુંદર અને સુદૃઢ શરીર ધરાવતો યુવાન તે કદી જોયો જ નહોતો...જાણે 'કામદેવ'નો અવતાર..! પણ તે તો તારી સામે નજર પણ ન નાખતો ને પસાર થઈ જતો..બાકી તું પણ કંઇ ઓછી સુંદર ન્હોતી..!
        આખરે આજે તે નક્કી કરી લીધું ને સવારમાં જ તેની સામે જઈ કહી દીધું..'આઈ લવ યુ..! વીલ યુ મૅરી મી..?' ને યુવાને જવાબ દીધો..'યા... સ્યોર..બટ આઇ એમ બ્લાઇન્ડ... મીસ..મને આંખો છે પણ 'વિઝન' નથી..આ ડૉગ જ આખો દિવસ મને સંભાળે છે..' ને તરાના તું એ 'કામદેવ' સામેથી હળવેથી ખસી ગઇ..! તો એ મનોમન હસી પડ્યો..ને બોલી ઉઠ્યો..'રૂપની પૂજારણ'..!-બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112