ટૂંકી વાર્તાઓ...86 થી 90
ટૂંકી વાર્તા...86
રફીકમિયા...પોસ્ટ 63 પર આપ ફરજ પર હતા ને આપની પોસ્ટ પર હાજરી એટલે ચિત્તાની હાજરી.! દુશ્મન દેશની સરહદમાંથી ચકલુંય ફરકી ન શકે એવી આપની સાવધતા.આખી બ્રિગેડમાં આપ અવ્વલ નંબરે હતા.અડધી રાતનો સમય હતો ને અચાનક આપને સરહદ પાર કશીક હિલચાલ થતી દેખાય તો આપ સાવધ થઈ ગયા.ઝીણી આંખે આપ જોઈ રહ્યા તો અંધારામાંથી એક સ્ત્રીનો ઓળો પ્રગટ્યો ને અચાનક એના પર સર્ચલાઈટ પડી તો આપ ચોંકી ગયા..હા.. આપ બરાબર એને ઓળખી ગયા..એ શાહીદા હતી..આપના જ ગામની..આપની એક સમયની પ્રેમિકા..ને આંતકવાદી ગૃપમાં જોડાઈ જવાથી આપ અને ગામ બંનેને છોડનાર..! આપ તરત જ બધું સમજી ગયા ને 'શૂટ એટ સાઇટ' નાં ઓર્ડરનો અમલ કરી દીધો..શાહીદાની ખોપરીના ફુરચા ઉડી ગયા..!-બેફિકર
ટૂંકી વાર્તા..87
સુગંધા..આખરે આપની શંકા સાચી પડતી હોય એવું આજે લાગ્યું..સૂરજ અડધી રાતે પથારીમાંથી ધીમેથી ઉભો થઇ ચૂપચાપ મેઈન દરવાજો ખોલીને બહાર નીકળ્યો..તમે પણ દબાતા પગલે એનો પીછો ચાલુ કર્યો.. મનોમન વિચાર્યું કે આજે તો પેલી કુલટા અને સૂરજને રંગેહાથ પકડી જ પાડુ..ધીમેથી સૂરજ એની ઝૂંપડીમાં ઘૂસ્યો ને તમે ઝૂંપડીમાં પડેલી તિરાડોમાંથી અંદરની જાસૂસી કરવા લાગ્યા..
સૂરજે એક સો-સોની નોટોનું બંડલ કાઢ્યું ને પેલી 'કુલટા'નાં હાથમાં આપ્યું..આપ બહાર ઉભા-ઉભા ગુસ્સાથી સળગી ગયા..પછી સૂરજ ખાટલામાં સુતેલી એક કૃશકાય વૃદ્ધાની પાસે બેસી એનાં પગ દબાવવા લાગ્યો..આપ ગુસ્સો છોડી અચરજમાં ડૂબી ગયા..આપને કશું ન સમજાયું..તો આપ ઝૂંપડીના બારણાને ધક્કો મારી અંદર પહોંચી ગયા ને સૂરજને પૂછી લીધું..'સૂરજ ! આ બધું શું છે?'
સૂરજે જવાબ આપ્યો..'સુગંધા..તું આવી જ ગઈ છે તો હવે જાણી પણ લે..આ વૃદ્ધા મારી મા છે અને જેને તું 'કુલટા' સમજે છે એ મારી બહેન..! મારા પિતાજીએ પોતાનાં શંકાશીલ સ્વભાવને કારણે મારી મા અને બહેનને ઘરમાંથી કાઢી મુકેલા તો ઘણા વર્ષોની મહેનત પછી હું એમને શોધી શક્યો છું..ને મારી ફરજ પુરી કરી રહ્યો છું...ત્યારે સુગંધા આપ એટલું જ બોલ્યા..'સૂરજ..! ચાલ બા અને બહેનને આપણા ઘરે જ લઈ લે..!-બેફિકર
ટૂંકી વાર્તા...88
અડધી રાતે કોઈ બારણું ખખડાવતું હોય એવું લાગ્યું.તો સ્વામીશ્રી મધુસુદનની આંખ ઉઘડી ગઈ.સ્વામીશ્રીએ બારણું ખોલ્યું તો બારણાંમાં ઘાયલ થયેલો એક શખ્સ પડેલો.લોહીથી લથબથ એ પુરૂષને આપે ઝૂંપડીમાં લીધો ને ઝાંખા પ્રકાશમાં શખ્સનું મોઢું જોયું તો આપ ચોંકી ગયા.હા..એ શખ્સ એટલે આપને 'મનીષ'માંથી મધુસુદન બનાવનાર ! હા..આજના આપના સાધુજીવન માટે જવાબદાર ! આપ એનો આભાર માનશો કે ધૃણા કરશો એ આપનાથી નક્કી ન થયું પણ આપ ભૂતકાળમાં ચોક્કસ ડૂબી ગયા..એ આપના ગામનો માથાભારે શખ્સ હતો ને આપને એની દીકરી સાથે યુવાનીમાં પ્રેમ થઈ ગયેલો ને આ વાત એનાં કાને પહોંચતા પોતાની દીકરીને જીવતી સળગાવી દીધેલી..ને આપ એ સમગ્ર ઘટના માટે પોતાની જાતને જવાબદાર માની ક્ષુબ્ધ થઈ ગયેલા અને આખરે દુનિયાદારીમાંથી મુક્ત થઈ આપે આપની જાતને ઈશ્વર ભજનમાં ડુબાડી દીધેલી..-બેફિકર
ટૂંકી વાર્તા...89
ધીમંતકુમાર.. સરકારના બહુ મહત્વનાં ખાતામાં આપ મહત્વનાં ટેબલ પર સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવો છો..'મલાઈ ' ખાવા મળી રહેતાં એવાં ખાતામાં આપ સૌને 'આંખનાં કણા'ની માફક ખટકો છો કેમ કે,આપના ટેબલ પરથી ફાઇલ ત્યારે જ 'ok' ની રિમાર્કસ સાથે આગળ વધે છે જ્યારે તેમાં કોઈ જાતની ક્ષતિ કે અપૂર્તિ હોતી નથી પરિણામે આપની ઑફિસનાં તમામ ઉપરીઓ 'મલાઈ ' વિનાનાં રહી જાય છે..
આખરે એ 'ઉપરીઓ'એ કણું દૂર કરવાનો ઉપાય કર્યો..આપની કારનું 'એક્સીડેન્ટ' ઓફીસ છૂટ્યા બાદ ગોઠવાઈ ગયુ..ને કાવતરાથી અજાણ એવાં આપ ઓફીસ છૂટ્યા પછી જેવાં કારમાં બેસીને દરવાજા બહાર નીકળવા જતા હતા ત્યાં દરવાજે સિક્યુરિટી ગાર્ડને હાર્ટએટેકથી ફસડાઈ જતો જોયો..આપ તરત જ કારમાંથી ઉતરીને દોડ્યા અને 108 બોલાવી ગાર્ડને હોસ્પિટલ લઈ જવા એમ્બ્યુલન્સમાં બેસી નીકળી ગયા..!-બેફિકર
ટૂંકી વાર્તા...90
શાશ્વત..! બે મા નો દીકરો..! તમે કહેશો કે આ કેવી વાત ? કોઈને તે વળી બે મા હોતી હશે ! પણ શાશ્વતને છે..એક પોતાની સગી મા અને બીજી પોતાનાં જીગરજાન એવા મિત્ર પરમની મા...બંને મા અત્યારે શાશ્વતનાં બંગલે રહે છે અને શાશ્વત બંનેની શ્રવણ સમો દીકરો બની સેવાચાકરી કરે છે..હા મને ખબર છે તમારે પરમ વિશે જાણવું છે..લ્યો કહું..પરમ સોફ્ટવેર એન્જીનીયર બની અમેરિકા ગયો..તે ગયો..ન શાશ્વતનાં કોન્ટેકમાં રહ્યો કે ન એની વિધવા મા ના..મા બિચારી રાહ જોઈ-જોઈ હિજરાતી રહી..પણ પરમની મા દુઃખી ન થાય એ માટે શાશ્વત પરમની કારકિર્દી અને પ્રગતિનાં ખોટા ન્યૂઝ એની મા ને આપતો રહ્યો ને સેવા-ચાકરી કરતો રહ્યો ને આખરે પરમની મા 'પેરેલીસીસ' નો ભોગ બની..તો પરમનો ફોન હતો..તમારે મારી સાથે મારા ઘરે રહેવાનું છે એમ કહી પોતાનાં ઘરે પણ લઈ આવ્યો..!-બેફિકર
Comments
Post a Comment