ટૂંકી વાર્તાઓ..91 થી 95
ટૂંકી વાર્તા...91
ગોમતી..તને રોજ ઇ તારો ધરમનો ભાઈ મળવા આવતો ને તમારા બે ય વચાળ ચણભણ થતી તો તારો ઘરવાળો કાનજી ભોળાભાવે કે'તો; 'સુ બિચારા હારે માથાકૂટ કર્યા કરે સો ! જા બે દિ એને ન્યા પણ આંટો જઇ આવને ! રોજ આગરહ કરે સે તો !'
પણ ગોમતી સાચી વાત એ કાનજી નથી જાણતો,ભોળો ખરો ને ! એમાંય વળી તું એને પરણીને આવી એને હજી દસ દિ' તો થયા છે પણ સાચી વાત એ છે કે ગોમતી તું અને તારો ઇ ધરમનો ભાઈ આવા 'શિકાર' શોધો છો અને પછી લગ્નનું નાટક કરી,તક જોઈને ઘર 'સાફસુફ' કરી ભાગી છૂટો છો ! પણ આ પહેલી વખત તને કાનજીનાં 'ભોળપણ' ઉપર દિલ ઓવારી ગયું છે ને તું એને છોડવાની ના પાડે છે..-બેફિકર
ટૂંકી વાર્તા...92
નિસર્ગ..! આજે બાર વર્ષનો તરુણ છે...પણ..મા-બાપનો પત્તો નહિ ને ગામમાં પણ કોઈને કશી ખબર નહિ..એકાદ વર્ષનો હશે ને ગામના રેલવે સ્ટેશન પરથી મળી આવેલો..હા..એક નામ પોતાની સાથે લાવેલો.. કેમ કે,જ્યારે ગામમાં આવી ચડ્યો ત્યારે હાથે છુંદણું હતું...'નિસર્ગ'..! ઘણી તપાસ કરી પણ કંઈ મેળ પડયો નહિ તો ગામનાં શિક્ષિકા જ્યોતિબેને પોતાને આશરે રાખેલો ને ખૂબ લાડકોડથી ઉછેરેલો.આ નિસર્ગ,જ્યોતિબેન અને આખું ગામ એક દિવસ વિમાસણમાં મુકાઈ ગયા..
ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે જિલ્લા કલેકટરશ્રી અરુંધતી મેડમ આવેલા ને અચાનક એમનું ધ્યાન નિસર્ગના હાથ પર પડ્યું..તો 'બેટા.. બેટા..' કરતાં દોડીને નિસર્ગને ભેટી પડ્યા ને આંખોમાં તો જાણે શ્રાવણ-ભાદરવો.! મેડમ થોડા શાંત પડ્યા ત્યારે તેમણે સૌને વાત કરી કે જ્યારે તેઓ પાસેનાં રાજ્યમાં નવાં-નવાં કલેકટર તરીકે જોડાયા ત્યારે નિસર્ગ જન્મેલો ને 'ટેટુ'નાં શોખીન એવા મેડમે નિસર્ગના હાથે નિસર્ગના નામનું 'ટેટુ' કરાવેલું.કડક હાથે કામ લેનાર અને ભ્રષ્ટાચારના વિરોધી એવા અરુંધતી મેડમને ત્યારે ત્યાંના માફિયા લોકો સાથે વાંધો પડેલો ને એ વાંધાનો ભોગ આ નિસર્ગ બનેલો...ત્યારે ગુમ થયેલો આ નિસર્ગ આજે મેડમને પાછો મળ્યો પણ છતાં ન મળ્યા બરાબર જ..કેમ કે, હવે નિસર્ગ જ્યોતિબેનને છોડીને જવા તૈયાર ન્હોતો..!- બેફિકર
ટૂંકી વાર્તા..93
ઉર્જા...શીંગ-ચણા ખાધા પછી આપ કાગળ ફેંકવા જતા હતા ત્યાં 'ટૂંકી વાર્તા' ટાઇટલ પર ધ્યાન ખેંચાયું ને આપે વાંચી.'હમદર્દ'ની લખેલી એ ટૂંકી વાર્તા આપને ગમી એટલે પછી તો આપે નિયમિત રીતે મેગેઝીન ખરીદી 'હમદર્દ'ની વાર્તાઓ વાંચવાનું શરૂ કરી દીધું..ને..ધીમે-ધીમે એક પછી એક વાર્તાઓએ આપને 'હમદર્દ' તરફ ખેંચવાનુ.! હા,ઉર્જા આપ 'હમદર્દ'નાં પ્રેમમાં પડી ગયા.! આપની એકવીસ વર્ષની જિંદગીએ જે જીવનસાથીનાં શમણાં જોયેલા એ આપને 'હમદર્દ'માં પુરા થતા લાગ્યા.આપ વિચારતાં કે જે શબ્દોને લાગણીભીના કરી શકતો હોય એ માણસ કેટલો પ્રેમાળ હોય!
આખરે આપનો પ્રેમ આપને મેગેઝીનની હૅડ ઑફિસ સુધી ખેંચી લાવ્યો.આપ ત્યાં ચીફ એડિટરને મળ્યા અને 'હમદર્દ' ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ને 'હમદર્દ' તરફનો આપનો પ્રેમ પણ વ્યક્ત કર્યો પણ ઉર્જા..એ ચીફ એડિટરે આપને 'હમદર્દ'નું એડ્રેસ આપવાની કે કોઈ કોન્ટેક કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી.!
આપ ગુસ્સામાં પગ પછાડતાં નીકળી ગયા.ચીફ એડિટર આપની પીઠ પાછળ અહોભાવની નજરે જોતા રહ્યા..એમને આપનાં પ્રેમ તરફ ગૌરવ થયું..છતાં એ આપને 'હમદર્દ' નું એડ્રેસ ન આપી શક્યા..કેમ કે,'હમદર્દ' હાડકાની અજ્ઞાત બીમારીથી પીડાતો એવો યુવાન છે કે તે જન્મ્યો ત્યારથી પથારીવશ જ છે પોતાનાં હાથપગ પણ જાતે ચલાવી શકતો નથી..દર રવિવારે ચીફ એડિટર જાતે 'હમદર્દ' ને મળે છે અને 'હમદર્દ' વાર્તા કહે અને એડિટર લખે છે..! -બેફિકર
ટૂંકી વાર્તા...94
...ને ચીફ એડિટર સાહેબ..આપે એ વાત રવિવારની સાંજે 'હમદર્દ'ને કરી..હાસ્તો..વળી..ઉર્જાની..જ..કે તે તને કેટલો પ્રેમ કરે છે..ને 'હમદર્દ' હસી પડ્યો ને બોલી ઉઠ્યો..'સાહેબ ! આપ પણ બહુ ઉતાવળા નીકળ્યા..કમ સે કમ મને ફોન તો કરવો હતો..ખરેખર સાહેબ આજે તમે મને સાચે જ પાંગળો બનાવી દીધો..આપણા મેગેઝીનની પ્રથા મુજબ આપણે લેખકનું ઇમેઇલ એડ્રેસ છાપીએ છીએ..ઉર્જા છેલ્લા 3 મહિનાથી મારી સાથે ઇ-મેઈલથી કોન્ટેકમાં જ છે..ને આ ઇમેઇલ ચલાવવામાં મારો ખાસ મિત્ર એટલે કે આપનો દીકરો મારી મદદમાં છે..ને અમે ઉર્જાને આપના દીકરાનાં ફોટા મોકલી 'હમદર્દ' તરીકે રજૂ કરતાં આવ્યા છીએ..કેટલી સુંદર પુત્રવધૂ આપે ગુમાવી.!
ત્યારે ચીફ એડિટર આપ એટલું જ બોલ્યા..'હમદર્દ...તું ભૂલે છે..ચીફ એડિટર હોવાના નાતે તમારા સૌના ઇમેઇલ પાસવર્ડ મારી પાસે પણ હોય જ..હું એ બધો વાર્તાલાપ વાંચતો...પણ હું એક સાચા પ્યારને અસત્યનું પોષણ કેવી રીતે આપી શકું.? ઉર્જાનો પ્રેમ 'હમદર્દ'ની કલમ અને એમાંથી નીતરી આવતા સ્નેહ સાથે છે...નહિ કે ફક્ત મોઢેથી રૂપાળા એવા મારા વંઠેલ દીકરા સાથે.! ને તારા એ જુઠાણાનાં કારણે જ મે એને તારું એડ્રેસ ન આપ્યું..'હમદર્દ'..મે તો કદાચ પુત્રવધૂ ગુમાવી પણ તે એક સાચો પ્રેમ ગુમાવ્યો છે.! ને 'હમદર્દ' ની આંખોમાં મોતી બાઝી વળ્યાં..-બેફિકર
ટૂંકી વાર્તા... 95
ઘનશ્યામસિંહ..આપની ટેક્સીમાં બેઠેલા એ નવયુવાન કપલની હિલચાલ આપને થોડી શંકાશીલ લાગી.એટલે આપ થોડા સતર્ક થઈ ગયા.એમાંય એમણે કારને શહેરનાં જાણીતાં મંદિર તરફ લઈ જવા કહ્યું.આપે ઈરાદાપૂર્વક કારને ટ્રાફિકવાળા રોડ પર લીધી અને કાર ચલાવતાં-ચલાવતાં કાન પાછળની સીટ તરફ રાખ્યા.કપલની ભાષા 'કાશ્મીરી' હતી પણ આપ માટે એ જરાય અજાણી ન હતી કેમ કે, આપ છ માસ જ ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત થયા છો અને છેલ્લા 10 વર્ષ તો આપ કાશ્મીરમાં જ ડ્યુટી પર હતાં તો આપ સંપૂર્ણ વાત અને પ્લાન સમજી ગયા.આપમાં રહેલો સૈનિક તરત જ આળસ મરડીને બેઠો થયો ને કારને ધીમેથી પોલીસ સ્ટેશનમાં લઈ લીધી અને શહેરમાં ઘુસેલા ખતરનાક આતંકવાદી કપલથી હજારો નિર્દોષ લોકોને બચાવી લીધા.-બેફિકર
Comments
Post a Comment