ટૂંકી વાર્તાઓ...96 થી 100

ટૂંકી વાર્તા...96
         સ્વામી સ્વરૂપાનંદજી...વૃદ્ધાશ્રમમાં છેલ્લા સાત દિવસથી આપનો 'જ્ઞાન સપ્તાહ' ચાલતો હતો ને આજે પૂર્ણાહુતિનો દિવસ હતો. કથા સમય પહેલા આપે વર્તમાનપત્ર પર નજર ફેરવી,તો 'ફાધર્સ ડૅ'નાં સમાચાર વાંચ્યા.આપે મનોમન નક્કી કર્યું ને તે દિવસે શ્રવણ, રામ ,ભીષ્મની માતૃ-પિતૃભક્તિ એવી સુંદર રીતે શબ્દોમાં આલેખી કે આખો સભામંડપ ચોધાર આંસુઓથી રડી પડ્યો ને સાંજ પડતાં જ ચમત્કાર થયો..હા..વૃદ્ધાશ્રમને 'તાળાં' લાગી ગયા.! આપ  ખુશ થયા છતાં એક કડવી યાદે આપને પરેશાન કરી દીધા..હા.. જ્યારે આપ કેવળ 'સ્વરૂપ' હતા ત્યારે આપની કર્કશ પત્નીથી થાકીને આપે આપના માં-બાપને પણ એક વૃદ્ધાશ્રમમાં આશરો આપવો પડેલો..! - બેફિકર

ટૂંકી વાર્તા...97
       ગૌરી...રોજ સવાર પડે ને તારી સાસુ બોલે...'એ પટેલ..! કવ સુ...હવે આ ધોળી ગાય લઈ આવ્યા સો..પાસ વરહ થી... એકોય વેતર તો આવતું નથ...ગગાને કયો...ક્યાંક પાંજરાપોળ ભેગી કરે..!!
      ને જાણે તારી સાથે ગાય પણ મૂંગા આંસુ સારતી હોય એવું તને લાગતું..કેમ કે; તું ય પાંચ  વરસથી આ ડોશીને મૂંગી કરવાનું વિચારે છે પણ જો ને...ભગવાન..નથી ગાયને સુખી કરતો કે નથી તને ! -બેફિકર

ટૂંકી વાર્તા...98
         સુહાના ! ચાલીસ વર્ષની જિંદગીમાં આપને પહેલીવાર ડર લાગ્યો..હા..આજે આપ મોર્નિંગ વૉકમાંથી પાછા ફરતા હતા ને ત્યારે અચાનક આપે પાછળ જોયું ને આપ હૃદયનો ધબકારો ચુકી ગયા..હા.. પાછળ જાણે આપનો દિવાનો કે જે આપની જિંદગીમાં વીસ વર્ષ પહેલાં આવેલો તે 'સેમ' આવતો હોય તેવું જ લાગ્યું...પણ આપ અત્યારે ચાલીસના છો અને તે તો હજી એવડો  ને એવડો..વીસ વર્ષનો..! અને વળી આપની નજર સામે જ એ બાઇક સ્ટંટ કરવા જતાં બાઇક પરથી ફસડાઈ જતા મોતને ભેટેલો..!  એ...અત્યારે આપની પાછળ...!!
           પણ..સુહાના..ડરો નહિ...એ 'સેમ' નહિ..સેમનો દીકરો છે..!! 'સેમ' તો ફક્ત આપની મુગ્ધાવસ્થાનો ફાયદો લેનારો 'પ્લેબોય' જ હતો..ને આપને 'મેરેજ' પછીની લાઈફના સપનાં દેખાડનારો એ પહેલેથી જ પરણેલો હતો ને ત્યારે એને છ માસનો દીકરો પણ હતો..જે અત્યારે આપની પાછળ ચાલ્યો આવે છે..!-બેફિકર

         ટૂંકી વાર્તા...99
           યોગીની કલ્યાણી ! 'વિશ્વ યોગ દિન' ના સવારના સેશનમાં આપને ગુસ્સાએ ઘેરી લીધા.! યોગ સાધકો પણ સ્તબ્ધ થઈ ગયા..પણ બધાને લાગ્યું કે તમે ખોટા નથી,તમારો ગુસ્સો સ્વાભાવિક જ છે કેમ કે એ મુફલિસે કર્યું જ હતું એવું..હા..આપ યોગસાધકોને નૌકાસન કરાવી રહ્યા હતા ત્યારે એ ચાર-પાંચ ગલુડિયાને લઈ એની માં ને શોધી રહયો હતો ને વળી આ દોડાદોડી એણે આપનાં યોગસાધકો વચ્ચે કરી..તમે ટોક્યો તો વળી જવાબ આપ્યો..'મેડમ ! યોગ એટલે જોડાણ.. મારો યોગ આ જ છે...ભુખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને નિરાધારને આધાર સાથે જોડવાનું કામ કરૂં છું...!'
             આપ પણ એક ક્ષણ થંભી ગયા..આપને એની વાત સાચી લાગી..અને કેમ ન હોય.! આપ સૌ માટે એ 'મુફલિસ' છે પણ તે મુફલિસ નથી..એક સમયના મહાન આધ્યાત્મિક સંત અને યોગાચાર્ય તરીકે નામના મેળવનાર એ 'આનંદસ્વામી' છે કે જેનાં આશ્રમો દેશ-વિદેશમાં હતાં પણ આખરે એમણે આશ્રમોની ભૌતિકતા સાથેની કૃત્રિમ આધ્યાત્મિકતા અને ભક્તગણની પોકળતાથી કંટાળીને આ નાના શહેરમાં સાવ મુફલિસ જેમ અજ્ઞાત જીંદગી જીવવાની શરૂ કરી છે..!-બેફિકર

ટૂંકી વાર્તા...100
       રુદ્રપ્રતાપ ! ખેડૂતનો તું દિકરો...અભણ માં-બાપનો દિકરો... જાતમહેનતથી ભણ્યો..M.Tec. થયો પણ બેકારીનાં ખપ્પરમાં ઝપટાઈ ગયો.ભણતર બધું એળે જતું જોઈ માં-બાપ મૂંઝાતા અને સમજાવતા..'બેટા ! ભલે નાની તો નાની.. પણ  આપણી જમીન સારી છે..ખેતી કર..એ તને ભૂખ્યો નહિ રાખે ને વિચારો પણ નહીં આવવા દે.'
         આખરે તું તૈયાર થયો ને ખેતી ચાલુ કરી દીધી.
M.Tec. ને વિસારે પાડી દીધું.એક દિવસ તારે પાસેનાં શહેરમાં બિયારણ માટે જવાનું થયું. તું બઝારમાં ફરતો હતો એવામાં એક વૃદ્ધ સ્ત્રીએ તને ઉભો રાખી કંઈક ખાવાનું અપાવવાની વિનંતી કરી.પરગજુ સ્વભાવનો તું..તરત જ એને નાસ્તો અપાવ્યો ને પેલી બાઈએ આશીર્વાદ આપ્યા..'બેટા ! તારી મનની ઈચ્છાઓ પૂરી થશે ને તું હજારો રૂપિયાનો માલિક બનીશ.!' તું હસ્યો..'માં,હું લાખો રૂપિયાનો પગાર મળે તેટલું ભણ્યો છું..તોયે નોકરી મળતી નથી ને ખેતી કરું છું.!'
        તું આ સમગ્ર ઘટનાને ભૂલી તારી ખેતીમાં મસ્ત થઈ ગયેલો..રુદ્ર..પણ આજે હળ હાંકતી વખતે તારા હળના ફણા સાથે કંઇક અથડાણું...તે કુતૂહલથી ખોદીને જોયું તો એક ચરૂ નીકળ્યો.. એને ખોલતાં તો તારી આંખો ફાટી ગઈ..સોનાનાં સિક્કાઓ જોઈ..તરત તને એ વૃદ્ધ સ્ત્રી યાદ આવી ગઈ...કે જેણે  તને આશીર્વાદ આપેલા..!- બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112