ટૂંકી વાર્તા...101 થી 105
ટૂંકી વાર્તા..101
ધ્રુવ..તું..અને ધ્રુવક બે જોડિયા ભાઈઓ..દેખાવે એક સરખા..પણ સ્વભાવે તદ્દન વિપરીત..તું સીધોસાદો અને ધ્રુવકની ઉપમા ગામે 'ઉતાર' આપેલી..કેટલીય વાર એવું પણ બનેલું કે વાંક ધ્રુવકનો હોય ને માર તે ખાધો હોય.! પણ એ રાતનો બનાવ તને કાયમી પીડા આપી ગયો..ધ્રુવ.! હા..ધ્રુવ..તું એ મોડી રાતે બાજુનાં ગામથી ભજન સાંભળીને આવતો હતો ને રસ્તામાં આવતા મસાણીયા કુવા પાસેથી નીકળ્યો ને ઓચિંતો તને ધૂબાકો સંભળાયો.. તું પળનોય વિચાર કર્યા વિના તરત જ કૂવામાં કુદયો ને ડૂબનારને જીવનાં જોખમે બહાર કાઢ્યું..પણ..એ જ તો કારણ બની ગયું..તારા સગા ભાઈનું તારા હાથે મોત થવાનું.!
હા, એ યુવતી એટલું જ બોલેલી..'સાલા..નફ્ફટ..! જિંદગી જીવવા જેવી ન રહેવા દીધી..હવે મરવા તો દે..! તારું પાપ પેટમાં લઈને જાવ છું..!' એમ કહીને તે ફરી કૂદી પડી..તું તરત જ બધુ સમજી ગયો ધ્રુવ...ને ઘરે આવી ધ્રુવકને ઊંઘતો જ મોતને ઘાટ ઉતારી દીધો..!-બેફિકર
ટૂંકી વાર્તા..102
સુરભી તું અને સુબોધ એટલે આખી કોલેજમાં ચર્ચાતો વિષય..અલબત્ત તમારા પ્રેમ વિશે જ.! ચર્ચાનો મુખ્ય વિષય તમારું બન્નેનું સૌંદર્ય તો રહેતું જ પણ સાથે-સાથે સમાંતર ચાલતી સુબોધની ગરીબી.!હા..સુરભી તું શહેરનાં પ્રખ્યાત જવેલર્સની એક માત્ર સંતાન ને સુબોધ ગરીબ માં નો દીકરો.! સુબોધ તને સમજાવતો કે;'સુરભી તું અને હું પ્રેમ કરીએ છીએ એ સત્ય છે તો મારી ગરીબી પણ સત્ય છે ને હું તારા એ પૈસાદાર બાપનાં રૂપિયાની આંગળી ન પકડું એ પણ સત્ય છે ને મારી આ ગરીબી ને મારી આ ડીગ્રી મને કારકુની સિવાય બીજું કશું ન આપી શકે એ પરમસત્ય છે.સુરભી તું સત્ય તો સમજ !' ને તું હસીને એટલું જ કહેતી..'જોયો મોટો સત્યવાદી !'
એવામાં કોલેજમાં કાજલ ઓઝા વૈદ્યનો સેમિનાર રાખવામાં આવ્યો ને કાજલબેન વક્તવ્યમાં એક વાક્ય બોલ્યા ને તે સુબોધની સામે જોઈ કાજલબેનનું એ વાક્ય દોહરાવ્યું..ને કીધું..'જો કાજલબેન કેટલું સરસ બોલ્યા!' ને બીજા દિવસથી સુબોધ કોલેજ આવતો બંધ ! તે સુબોધનાં ઘર સુધી રૂબરૂ ધક્કા ખાધા..પણ વ્યર્થ.! સુબોધને જાણે ધરતી ગળી ગઈ..ને થોડા દિવસ પછી એક ટપાલ તારા ઘરે આવી.જેમાં સુબોધે કાજલબેનનું એ વાક્ય લખેલું..'એકે છોડવાનું તો બીજાએ સ્વીકારી લેવાનું એનું જ નામ પ્રેમ!'..સુરભી..હું તને છોડું છું..એ સત્ય છે..તું એને સ્વીકારી નહિ શકે એ પણ સત્ય છે..પણ મારી ગરીબીને ધ્યાનમાં રાખી એ તું સ્વીકારી લેજે..કેમ કે,એ જ સાચો પ્રેમ છે.! ને તું..'જોયો..મોટો સત્યવાદી !' એમ બોલી રડી પડી..!
પણ..સુરભી તારો એ 'સત્યવાદી' ખરેખર મોટો અસત્યવાદી છે..એણે તને છોડવા બદલ તારા પૈસાદાર પિતાજી પાસેથી મોટી રકમ પડાવી છે ને પોતાની સાચી પ્રેમિકાને લઈને મોટા શહેરમાં 'વેલસેટ' થઈ ગયો છે..!
-બેફિકર
ટૂંકી વાર્તા..103
નવા-નવા તમે કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા..રવિકુમાર..! નવયુવાન અને રૂપનાં રાજા એવા તમે..કોલેજમાં કેટલીય છોકરીઓના વાતોનો વિષય બની ગયેલા..ને તમારી આંખોનો ઉજાગરો બની ગયેલી એ સેકન્ડ યરમાં ભણતી રાધા.! હા..રાધાની હાજરી માત્રથી જાણે તમારામાં નવો પ્રાણ આવી જતો.ધીમે-ધીમે એ પ્રાણ ઉર્જાએ રાધાને પણ અસર કરવાની શરૂ કરી ને એક દિવસ તમે બન્ને એ લાઈબ્રેરીની સાક્ષીએ એકરાર પણ કરી લીધો..દિવસો વીતતા ચાલ્યા..પ્રેમ પાંગરતો ગયો..એટલે સુધી પાંગર્યો કે તમે એક દિવસ રાધાને પૂછી લીધું..'રાધા ! તને નથી લાગતું કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ..?'
ત્યારે રાધાના જવાબે તમને હબક ખવડાવી દીધી.એનો જવાબ હતો..'પ્રોફેસર સાહેબ ! આ રાધાનું દિલ આખી જિંદગી આપનું જ રહેશે પણ શરીર નહિ.! કેમ કે, અમારી જ્ઞાતિનાં રિવાજ મુજબ મારા લગ્ન તો બાળપણમાં જ થઈ ગયેલા છે..તો એ જ મારો ધણી રહેશે..હા..એ ધણીપણું મેળવશે પણ મારો પ્રેમ નહિ.!'
-બેફિકર
ટૂંકી વાર્તા...104
ડૉ.કશીશ..આપ કશ્મકશમાં છો.હા..આપની જિંદગી જાણે રમત રમતી હોય એ રીતે આપ મૂંઝાઈ ગયા છો.!
પિસ્તાલીસ વર્ષની પ્રૌઢ વય અને માથાની સોનેરી લટ જાણે આપને સવાલ કરી રહી છે.! હા..કશીશ પિસ્તાલીસ વર્ષની વય સુધી એક પણ પુરુષને આપની જિંદગીના પાનાં આપે વાંચવા દીધા નથી..ને હવે આપ એ યુવાન તરફ એવી રીતે ખેંચાયા છો જાણે કોઈ 'ટીનએઇજ'.!
કશીશ.. આપ અત્યારે ઓર્થોપેડિક સર્જન તરીકે નામનાપાત્ર હોસ્પિટલ ધરાવો છો..અને થોડા દિવસથી ત્યાં આંતકવાદી હુમલામાં ઘવાયેલા એક નવયુવાન સૈનિકની સારવારમાં છો..ને આપને એની સાથે પ્રેમ થઈ ગયો છે...ને એને પોતાનો 'જીવનસાથી' બનાવવાની અદમ્ય ઈચ્છા..! કેમ કે,આખરે તો આપ પણ એક નિવૃત્ત મેજર ની દીકરી છો..તો સૈન્ય તરફ આપનો આદરભાવ સ્વાભાવિક છે..તો પછી કશ્મકશ શું છે.?
કશ્મકશ એક જ છે..ડૉ.કશીશ ! એ નવયુવાન સૈનિક આંતકવાદી હુમલામાં પોતાના બંને પગ ગુમાવી બેઠો છે.!-બેફિકર
ટૂંકી વાર્તા..105
તારી ચાલીમાં એક નવું ફેમિલી રહેવા આવ્યું..ચંદ્રિકા ! ને એનાં સાતેક વર્ષના દીકરાને જોઈ તું ચોંકી ઊઠી..અરે..એનો જમણો કાન બરાબર એવો જ હતો..લાલ લાખાવાળો..!ને તે કંઈક નક્કી કર્યું..ધીરે-ધીરે એ નવાં ફેમિલીની કંઇક ઉદાસ રહેતી સ્ત્રી સાથે સંબંધ વધાર્યો..ને જ્યારે તમારી વચ્ચે પાકા 'બહેનપણાં' થઈ જતા તે હળવેથી પૂછી લીધું..'હે બહેન ! આ તમારા છોકરાને કાને શું છે ?'
ને એ બોલી પડી..' શું કહું બહેન..! જુઓને આ છોકરાને લીધે જ બધી મોકાણ થઈ હોય,તેવું લાગે છે.અમારે પેલા બહુ સારું હતું.એક કરોડનો તો બંગલો હતો ને ધંધો પણ બહુ સારો.રૂપિયા ક્યાં નાખવા એનો સવાલ હતો. તો જ્યારે હું ત્રીજી વાર પ્રેગનન્ટ થઇ તો બે દિકરીઓથી મૂંઝાયેલા તમારા ભાઈએ દીકરાના મોહમાં પૈસાના જોરે હોસ્પિટલમાં કંઈક સેટ કર્યું ને મને જે'દિ દીકરી અવતરી તો તરત જ હોસ્પિટલના સ્ટાફે કોઈક અભાગીના દીકરા સાથે અદલ-બદલ કરી નાખી ને જાણે અમારી 'લક્ષ્મી' ગઈ.! તે દિવસથી કઠણાઈ બેઠી છે.બસ એટલું જ યાદ છે કે એ 'લક્ષ્મી'ને જમણા હાથની ટચલી આંગળી નો'તી.!'
ને ચંદ્રિકા..તું તરત રડી પડી..'બહેન ! એ અભાગી હું જ છું..તે દિવસે મે બધાને કેટલુંય કીધું કે મારા બાળકને જમણે કાને લાલ લાખું હતું ને એ દીકરો હતો..પણ કોઈ માન્યું જ નહીં..ને મારો દારૂડિયો પતિ મને સમજાવતો જ રહ્યો કે ના આ દીકરી જ આપણી છે.!તમારી 'લક્ષ્મી' મારી પાસે છે બહેન..!-બેફિકર
Comments
Post a Comment