ટૂંકી વાર્તા..106 થી 110
ટૂંકી વાર્તા..106
શહેરના પ્રખ્યાત જવેલર્સ શો-રૂમમાં આપ મેનેજર તરીકે હતા..રમણિકલાલ..! લાખો રૂપિયાનાં આભુષણોનો કાયમી સ્ટોક રહેતો તો સિક્યુરિટી પણ ખૂબ જ ! છતાં પણ તે દિવસે સાંજના સમયે બે હેલ્મેટધારી લૂંટારા શો-રૂમમાં ત્રાટકયા..સૌને હાથ ઊંચા કરી સાઈડમાં ઉભા રહેવાનું કહી તે ફટાફટ બધું થેલામાં ભરવા માંડ્યા..ને રમણિકલાલ અચાનક તમારું ધ્યાન એક લૂંટારાના હેલ્મેટ પર પડયું ને આપને ગુસ્સાએ ઘેરી લીધા ને આપે ચિત્તાની જેમ કૂદકો મારી એનાં હાથમાં રહેલી રિવોલ્વર આંચકી લીધી ને એને ત્યાં ને ત્યાં શૂટ કરી દીધો ને બીજો ફફડીને ભાગી ગયો.
થોડીવારમાં પોલીસ આવી પહોંચી. ઇન્સપેક્ટરે પેલા મૃત લૂંટારાનું હેલ્મેટ કાઢ્યું.તો શો-રૂમનો આખો સ્ટાફ એકસાથે બોલી ઉઠ્યો..'રમણિકકાકા ! તમે આ શું કરી નાખ્યું..?' રમણિકલાલ હતાશા સાથે બોલ્યા..'હા..મે મારા દીકરાને જ મારી નાખ્યો..તે હમણાં આડા રસ્તે ચડી ગયેલો એ સમાચાર મને મળ્યા હતા..પણ તે મારી 'આબરૂ' પર જ ઘા કરશે એ નો'તી ખબર..આ તો સારું થયું કે હું એનું હેલ્મેટ ઓળખી ગયો.!'-બેફિકર
ટૂંકી વાર્તા..107
રૂહી..આખી કૉલેજમાં તમે 'જીન્નત' તરીકે ઓળખાતા.કેમ કે તમારો 'લૂક' અદ્દલ 'સત્યમ શિવમ સુંદરમ' ની રૂપા..! ગાલ પર અદ્દલો-અદ્દલ એવો જ દાઝ્યાનો ડાઘ..ને તમે પણ અસલ એ રીતે જ એ ડાઘ છુપાવી રાખતા..કેટલાય 'ઇશ્ક-એ-મિજાજી' તમારું રૂપ જોઈ 'ભમરાઓ' બનતાં પણ ગાલ પરનો ડાઘ જોઈ છુમંતર થઈ જતા..!
પણ એક નીકળ્યો..'ઇશ્ક-એ-હકીકી'..પ્રેમનો જ પૂજારી..ન્હોતી એને રૂહીના રૂપની પરવાહ કે ન્હોતી એને એ ગાલ પરના ડાઘ સાથે નિસબત..બસ..એને હતો 'રૂહી'નાં 'રૂહ'નો ઇંતજાર..! સાચા દિલથી ચાહનારો..!
ને રૂહી તમે એને બરાબર પારખી લીધા પછી એક દિવસ તમારા ઘરે લઈ ગયા..ને લિવિંગરૂમમાં બેસવાનું કહી..તમે ગયા..વીસ મિનિટ પછી તમે પાછા આવ્યા...તો તમારો એ પ્રેમી સોફામાંથી ઉભો થઇ ગયો..'રૂહી...તારો ગાલ પરનો ડાઘ ક્યાં ગયો ?' ને ત્યારે રૂહી તમે હસીને એટલું જ બોલ્યા..'ડિયર... એ જ તો મને ખરેખર ચાહનારાને શોધવાનો આઈડિયા હતો!..જો..મારા રૂપને ચાહનારા કોઈ નથી ને મને ચાહનારો મારી સામે છે..!'-બેફિકર
ટૂંકી વાર્તા...108
ગામ આખામાં સોપો પડી ગયેલો.ટોળે વળેલું લોક પણ થર-થર કાંપતું હતું..નક્કી આજે કંઇક નવા જૂની થશે એ ભયે કોઈ આંખનો પલકારો પણ મારતું નહોતું..! ગામનાં મુખી હુકુમસિંહ ભરી બંધુક તાકીને ઉભા હતા ને આરોપી હતો મુખીનો ત્રીસ વર્ષનો દીકરો.! પહાડ જેવડી કાયાનો માલિક ગરીબ ગાય જેવો થઈ જીવતદાન માંગતો હતો... આરોપ હતો ગામની દીકરી પર બળાત્કારનો.! ને એ વળી પાછી 'બેજીવી' બનેલી..!
મુખી હુકુમસિંહનો ન્યાય એટલે કોઈનેય નહિ અન્યાય.! ધડામ દઈને મુખીએ બંધુકનો ઘોડો દબાવી દીધો..ટોળું ગભરાટમાં આંખો મીંચી ગયું..ને કળ વળતા સૌએ જોયું કે,મુખી નિશાન ચુકી ગયા હતા ને કારણ હતું મુખીનાં દીકરાની વહુ.!હા..વહુએ દોડી આવીને મુખીને ધક્કો મારી દીધેલો..ને..એ પછી બે હાથ જોડી એણે મુખીને કહ્યું..'બાપુજી..આજ સુધી 'ડેલી' ની આબરૂ રાખીને બોલી નથી..પણ આજે મારો ચુડલો નંદવાય એવી ઘડી આવી છે તો સાંભળી લ્યો..હું પરણીને આવી એને આજે દસ વરસ થયા..બાપુજી.! હજી સુધી હું ડેલીને વારસદાર નથી આપી શકી..કેમ કે, આ તમારો દીકરો 'પુરુષ' માં જ નથી..! બળાત્કાર તો શું ખાક કરવાનો.!'-બેફિકર
ટૂંકી વાર્તા..109
અઢાર વર્ષની ધરા..શિવ ભક્ત..એકેય દિવસ એવો નહિ કે શિવમંદિર દર્શન કર્યા સિવાય તે કશું મોઢામાં મૂક્યું પણ હોય..ને આ ટેવ તને તું ફક્ત દસ વર્ષની હતી ત્યારથી છે..ને એનું પણ એક કારણ છે..'દેવો કે દેવ-મહાદેવ' સિરિયલ નિયમિત રીતે જોનારી તું મહાદેવનાં પ્રેમમાં પડી ગયેલી.! ને હવે એ પ્રેમ તારી ઉંમરે યૌવનનાં ફૂલ ખીલતા તને ભવિષ્યના સપના પણ દેખાડવા લાગ્યો છે.! બસ..એક 'મહાદેવ' મળી જાય.! તું આખી જિંદગી 'પાર્વતી' બનવા તૈયાર છો.!
ને ધરા તું એક દિવસ તારી ફ્રેન્ડની સિસ્ટરનાં વેડિંગ રિસેપ્શનમાં ગઈ..ત્યાં તને તારી ફ્રેન્ડનો અમેરિકાવાસી કઝીન આકાશ મળ્યો..પહેલી જ નજરે તારા પ્રેમમાં પડી ગયો..ને આકાશે તો એકરાર પણ કરી દીધો.! ત્યારે તે જવાબ આપેલો..'જો..તું આકાશ છે..તો હું છું ધરા.! આપણો મેળ તો કોઈ દિવસ ના પડે..ને હા..હું તો 'મહાદેવ'ની ખોજમાં છું..સોરી.!' ને હળવેથી તું ત્યાંથી સરકી ગયેલી.!
..ને આજે છવ્વીસમાં વર્ષે..તને શહેરનાં પ્રખ્યાત આશ્રમની સત્સંગ શિબિર દરમિયાન તારો એ 'મહાદેવ' મળ્યો.!હા..ધરા..સ્વામી ક્ષિતિજાનંદને જોઈ તને જાણે સાક્ષાત 'મહાદેવ' ઉતરી આવ્યા હોય એવું લાગતું..માથા પરનો જટા વાળો સુંદર કેશકલાપ..માદક માંજરી આંખો.. ઘેઘુર અવાજ ને મજબૂત શરીર..બસ..ગળામાં નાગ પહેરવાનો જ બાકી.! ને શિબિર પૂર્ણાહુતિનાં દિવસે તે હિંમત કરી,દર્શન કરવાના બહાને સ્વામી તરફ ચબરખી સરકાવી..' હું 'પાર્વતી' બની..મહાદેવની રાહમાં છું..મારી આ ખોજ તમારામાં પુરી થતી હોય,એવું લાગે છે..તમે મારા 'મહાદેવ' બનશો.?'
સ્વામી ક્ષિતિજાનંદે તને શિબિર વિરામ બાદ પોતાના અંગત રૂમમાં મળવા બોલાવી ધરા..ને તું ગઈ..તો સ્વામીજીએ તને સીધુ જ પૂછ્યું..''ધરા.!..તો તને તારો 'મહાદેવ' મળી ગયો એમને.!...પણ તું ધરા..ને હું આકાશ...આપણો મેળ કેમ પડશે?"... ને ધરા તું ચોંકી પડી..'અરે આકાશ તું...?' ને ત્યારે આકાશ ઉર્ફે સ્વામી ક્ષિતિજાનંદે તને જવાબ આપ્યો..."ધરા.! મહાદેવ..ખોજને સે નહિ મિલતે..ઉનમે ખો જાને સે મિલતે હૈ.!...મૈને તો પા લિયા...અબ પ્રાર્થના કરતા હું તુજે ભી મિલ જાયે..!''-બેફિકર
ટૂંકી વાર્તા...110
A.C.P. જાડેજા..આપ P.I.વિરાટ વાસ્તવની ડાયરીના પાનાઓ એક પછી એક વાંચતા જતા હતા..તો ધીમે ધીમે તમને હવે એ કારણ સ્પષ્ટ થવા માંડ્યું હતું કે જેના લીધે આપનાં પોલિસ સ્ટાફમાં હોનહાર,નીડર અને સંવેદનશીલ તરીકે ઓળખાતા યુવાન P.I.શ્રી વિરાટ વાસ્તવે આપઘાત કરેલો..!
પાનાઓ અલગ-અલગ દિવસે લખાયેલાં હતા.એમાં P.I વિરાટ વાસ્તવે એમની હાઈસ્કૂલ સમયની પ્રેમિકા 'શબનમ' બે દિવસ પહેલાં ભેગી થઈ ગઈ ને મોબાઈલ નં. ની આપ-લે કરી ત્યાંથી શરૂ કરીને એ પ્રેમિકાના પતિને ખબર પડી જતા તેણે શબનમનું ખૂન કરી નાખ્યું તે વાતનો ઉલ્લેખ કરેલો.બીજા પાનામાં એમણે કોઈએ રાતે પોતાનાં કવાટર્સની બારીનો કાચ પથ્થર મારી ફોડી નાખ્યાે ને પોતે બારીમાં જોયું તો 'શબનમ' ચાલી જતી હતી તે લખેલું.તો વળી ત્રીજા પાનાઓમાં પોતાને રોજ 'શબનમ' મળવા આવે છે ને શબનમ સાથે વિતાવેલા સમયનું વર્ણન કરેલું.પણ આખરે છેલ્લા પાનાએ અને એની સાથે જોડેલા એક ખાસ પાનાએ P.I. વિરાટ વાસ્તવનું આપઘાતનું કારણ સ્પષ્ટ કરી દીધેલું.!
એમાં લખેલું કે..'શબનમ' ડિવોર્સ લઈને મારી સાથે લગ્ન કરવાની છે.મેં જ્યારે આ વાત મારા મિત્ર ડૉ. દેશપાંડેને કરી તો એમણે એકદમ હસી કાઢીને મને કીધું..'P.I. વાસ્તવ... આપ શબનમનાં પ્રેમમાં પાગલ હતા ને શબનમનાં પતિને જાણ થઈ જતાં એણે શબનમનું ખૂન કરી નાખ્યું..એ ઘટનાએ તમને માનસિક અસર કરી છે..આપ સાવધ રહો..નહી..તો..આ બીમારી તમને ખૂબ પરેશાન કરશે..!'
ને પછીનાં ખાસ પાનામાં P.I.વિરાટ વાસ્તવનો મેડિકલ રિપોર્ટ હતો.જેનાથી સ્પષ્ટ થયું કે..P.I.વિરાટ વાસ્તવને 'સ્ક્રીઝોફેનિયા' થઈ ગયો હતો..!-બેફિકર
Comments
Post a Comment