ટૂંકી વાર્તા...111 થી 115
ટૂંકી વાર્તા..111
અરે ! આ તો મલ્હારનો જ અવાજ ! આપ ચોંકી ઉઠ્યા..સૂરીલી.! અવાજ એ જ...શરીરનો બાંધો પણ એ જ..હાઈટ પણ એ જ..અરે..ટોટલ બોડી લેંગ્વેજ.. એટલે મલ્હાર જ..પણ તો જુદું શું ? જુદો પડે છે ફક્ત ફેઈસ..સુંદર ગૌર વર્ણો અને કુતુહલ ભરેલી આંખો એટલે મલ્હાર..! ને સૂરીલી આપે ધ્યાનથી એ આર્ટિસ્ટ તરફ જોયું..ઝીણી-ઝીણી આંખો ને શિળીનાં ડાઘા-ડુઘી.! ના..આ મારો મલ્હાર ન હોઈ શકે..આપે મન મનાવ્યું..પણ તોયે વિચારો તો ચાલતાં રહ્યા..જે આપને વીસ વર્ષ પાછળ લઈ ગયા..સૂરીલી..!
એ વીસ વર્ષની પૃષ્ઠભૂમિ પર ઉભરી આવી.એક યુવાન અને મોજીલી 'સિંગર-જોડી'.! સૂરીલી-મલ્હાર.! શહેરનાં પ્રખ્યાત અને ગઝલનાં શહેનશાહ..! ને આ આપની જોડીને જાણે કોઈની નજર લાગી ગઈ..એક રાતે મલ્હારનું બાઇક, મલ્હારની બોડી સાથે સળગી ગયેલું મળી આવ્યું.પોલીસે અકસ્માત નોંધી કેસ ફાઇલ કર્યો..ને..તે પણ જિંદગીના પાંચ વરસ એકલવાયા વિતાવી..વડીલોની સલાહ માનીને આખરે શહેરનાં પ્રખ્યાત વિધુર ઉદ્યોગપતિ સાથે 'રી-મેરેજ' કરી લીધા ને એમનાં જન્મદિનની પાર્ટીમાં તે મલ્હારની યાદ મનોમન તાજી કરવા 'ગઝલ-સંધ્યા'નું આયોજન કરેલું ને આ આયોજને તને મેળવી આપ્યો..ફરીથી એ જ મલ્હાર.! પણ બદલાયેલા ચહેરા સાથે.!
હા..સૂરીલી..આખરે એણે રજૂ કર્યું..'નામ ગુમ જાયેગા..ચહેરા યે બદલ જાયેગા..મેરી આવાઝ હી પહેચાન હૈ..ગર યાદ રહે..'...ને તમે પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યા..ને દોડીને સ્ટેજ પર ચડી ગયા..'મલ્હાર..! તારા વિના બીજું કોઈ આ ગઝલ આ રીતે ગાઈ શકે જ નહીં.! બોલ..મલ્હાર...બોલ.! ને મલ્હાર આખરે બોલી ઉઠ્યો..'હા..સૂરીલી.! તું સાચી છે..હું મલ્હાર જ છું..પણ મારી સટ્ટો રમવાની કુટેવને કારણે ત્યારે લાખો રૂપિયાનું કરજ થઈ ગયેલું ને આખરે એમાંથી છૂટવા મેં પોતે જ એક દારૂડિયાને મારા કપડાં પહેરાવી,મારા જ એક્સીડેન્ટનું નાટક કરી,તને છેતરી..તારી જિંદગી બગાડી ને દારૂડિયાનું ખૂન કર્યું..ને સર્જરીથી મારો ચહેરો બદલ્યો..મને માફ કરીશ સૂરીલી ?
ને સૂરીલી આપે મોબાઈલ કાઢી તરત જ પોલીસ કન્ટ્રોલ રૂમ ફોન લગાવ્યો...ને બોલી..'મલ્હાર..હું ભૂખી રહીને..એક સાડીમાં પણ જિંદગી કાઢી શકું..કાશ...તે મને કીધું હોત..! પણ હા...મલ્હાર..હું એક 'ક્રિમિનલ' સાથે તો ન જ જીવી શકું..!' -બેફિકર
ટૂંકી વાર્તા...112
સૌરવ...વર્તમાનપત્રમાં તે આપેલી લગ્નવિષયક ટૂંકી જાહેરખબર જોઈને આ વખતે પણ તને મળવા છોકરીઓનો જાણે ઢગલો થઇ ગયો.! અને કેમ ન થાય.! કેમ કે,તું U.S.A. રહેતો..સુંદર..મજબૂત શરીર..ને ઉજળો વાન..વળી લાખો ડોલરનાં પગારનું પેકેઝ.!
છતાં પણ તું પાંચ વર્ષથી U.S.A.થી આવે છે..એકાદ મહિનો ભારત રોકાઈને લગ્ન કરવાની કોશિશ કરે છે..પણ તું નિષ્ફળ જાય છે અને એમને એમ પાછો U.S.A. જાય છે..ને એનું એક જ કારણ છે..દરેક છોકરી તારી લીધેલી એક્ઝામમાં ફેઈલ થઈ જાય છે.પણ આ વખતે તને પહેલીવાર લાગ્યું..કે..હા.. આ છોકરી પાસ..!
સૌરવ..તને વૉકિંગ સ્ટીક સાથે જોઈ દરેક છોકરી તું 'બ્લાઇન્ડ' છે એમ સમજી જતી..ને વાતો-વાતોમાં તારી બન્ને આંખો કામ નથી કરતી એ પણ જાણી લેતી..ને તું પણ ધીમેથી કહેતો કે;'હું એવી પત્નીની શોધમાં છું...જેની આંખે હું દુનિયા જોઈ શકું..તે દરેક પળ મારી 'આંખો' બને..! ને ડોલરીયા દેશની હાઈ-ફાઈ લાઈફના લોભમાં આવેલી છોકરીઓ ધીમેથી ખસકી જતી..!.
આ પહેલીવાર તને કોઈ છોકરીએ વળતો જવાબ આપ્યો કે 'હા ! હું આપની 'આંખો' બનવા તૈયાર છું.! મારી મા બિલકુલ ગરીબ સ્થિતિની વિધવા સ્ત્રી હતી..લોકોનાં ઘરનાં કામ કરીને..પૈસો-પૈસો બચાવીને એણે મને ભણાવી આજે સૉફ્ટવેર એન્જીનીયર બનાવી છે..અને એ કાયમ મને કહેતી કે..બેટા.. તને તો મારે અમેરિકા પરણાવવી છે..એની એ ઈચ્છા પૂરી થાય તે પહેલાં એ અવસાન પામી છે..તો મારે એની ઈચ્છા પૂરી કરવા અમેરિકા લગ્ન કરવા છે..અને હા..રહી વાત આપની 'આંખો' બનવાની..તો હું છેક સુધી મારી મા ની પણ 'આંખો' રહી છું..એ પણ બ્લાઇન્ડ હતી..તો મને એ પણ હાર્ડ નહિ લાગે..!
ને સૌરવ..તે તારી 'વૉકિંગ સ્ટીક' ફેંકી દીધી..ને કહ્યું..'રૂપા,હું 'બ્લાઇન્ડ' નથી,હું દરેક છોકરીની એક્ઝામ એ રીતે લેતો પણ રૂપિયાનાં લોભમાં આવેલી દરેક ફેઈલ થતી..બોલ..તું મારી સાથે લગ્ન કરીશ..? ને રૂપાએ શરમાઈને હા પાડી...- બેફિકર
ટૂંકી વાર્તા..113
અબે..ચમન ચોટી ઔર લાલુ લંબુ..યે ક્યા હુઆ.? કયું તુમ દોનો કો ઇતની ચોટ આયી..? અશફાક ડોન..! એક સાથે નવાઇભર્યા કેટલાય પ્રશ્નો પૂછી બેઠો.અશફાક એટલે દુબઈ રહીને ભારતમાં પોતાનો કારોબાર ચલાવતો અંડરવર્લ્ડ ડૉન.! ને ચમન ચોટી અને લાલુ લંબુ એટલે એનો ડાબો-જમણો હાથ.! ને આ લોકો આજે બરાબર કોઈના હાથનો માર ખાઈને આવેલા.! ને અશફાકે ખીજાયને પૂછ્યું ત્યારે તેઓએ કિધેલું..'ક્યા..બતાયે ભાઈ ! 'શેરની' થી..સાલી કરાટે કી માસ્ટર થી..ઔર થી ભી ઇતની ખુબસુરત કિ માર ખાને કા ભી મજા આયે..ભાઈ..આપ જોડી બનાલો ઉસસે..!'
ને અશફાકના મગજમાં એ ઘુસી ગયું..એણે એ 'શેરની' ને શહેરમાંથી શોધી કાઢી પોતાની પાસે લઈ આવવાનો ઓર્ડર કરી દીધો..ને બે દિવસમાં ચમન ચોટી અને લાલુ લંબુની જોડીએ કામ કરી દીધું..'શેરની' અશફાકના સામે હતી.અશફાકે પોતાની ઓળખ આપતાં કહ્યું..'દેખ લડકી,અબ તું હમારે સાથ રહેગી..તેરી બહાદુરી હમે પસંદ હૈ.. તો અબ ઘરવાલો કો ભૂલ જા.!'..'શેરની' પણ એનાં માથાની નીકળી..'કોઈ બાત નહિ ભીડું..વૈસે ભી હમ ઇસ દુનિયામે અકેલે હે..જહાં ઠહેરે વો હી હમારા ઘર..!' ને 'શેરની' અશફાકનો પડછાયો બની રહેવા લાગી..
અશફાક 'શેરની' ને પૂછ્યા વિના પાણી પણ ન પીતો..'શેરની'એ બધી રીતે અશફાકનો વિશ્વાસ જીતી લીધો..ને કેમ ન જીતે? 'શેરની' ન તો કોઈ દિવસ મોબાઈલ વાપરતી કે ન તો કોમ્પ્યુટર.! ન કદી T.V. જોતી કે ન કદી મૂવી.! એણે જાણે અશફાકનાં 'દિલ' માં રહેવાનું નક્કી કર્યું ન હોય.! ને આ વાતને એકાદ વર્ષ થવા આવ્યું.. તો 'શેરની' એ અશફાકને એક દિવસ કહ્યું..'ભીડું..ભારત જાના પડેગા..'ગુરૂ-પૂર્ણિમા' આ રહી હૈ.. હમે હમારે કરાટે-માસ્ટર કે પાસ જાના પડેગા..હમ હર 'ગુરૂ-પૂર્ણિમા' કે દિન ઉસકે પૈર છૂતે હે ઔર આશીર્વાદ લેતે હૈ.! ઔર ઇસ બાર તુમકો ભી સાથ આના પડેગા.!'
અશફાક-શેરનીની જોડી ભારત આવી..જેવી એરપોર્ટ પર ઉતરી કે તરત જ પોલીસ આવી પહોંચી..ને અશફાકની ધરપકડ કરી લીધી..અશફાકને એક ક્ષણ વિચારવાનો પણ મોકો ન રહ્યો..તેને તો એમ સમજાતું નહોતું કે આટલી ચોક્કસ 'ઇન્ફોર્મેશન' પોલીસ પાસે ક્યાંથી પહોંચી.!..પણ... સલામ છે..એ 'શેરની' એટલે કે C.B.I.ઇન્સ્પેકટર કુ.શૈલજા સંન્યાસીને.! એક વર્ષ પહેલાં તે પોતાના ઉપરી અધિકારીઓને 'ગુરૂ-પૂર્ણિમા'નાં આગળનાં દિવસે અશફાકને કોઈપણ રીતે ભારત લઈ આવીશ તેવું પ્રોમિસ આપીને ગઈ હતી..ને એ પ્રોમિસ પૂરું પણ કર્યું..!-બેફિકર
ટૂંકી વાર્તા..114
પળોજણમાંથી છૂટી શાંતિથી બે માણસ જીવીશું,એવું વિચારી તમે V.R.S. લીધું..મહેશભાઈ.! પણ આ ઈશ્વર તો રમત રમી ગયો..હંસાબહેન એટલે કે તમારી પત્ની એક દિવસ બ્રેઇન હેમરેજથી મૃત્યુ પામ્યા ને તમે એકલા પડી ગયા.પછીતો એક-એક દિવસ કાઢવો તમને મુશ્કેલ લાગતો.ઈશ્વર પણ દયા વિનાનો લાગતો,કેમ કે,પચાસ વર્ષનાં તમે થયા તોયે ન સંતાન આપ્યું કે ન છેક સુધી હંસાનો સાથ આપ્યો..પણ પછી તમે જ વિચારતાં કે હશે..છેક સુધી હંસાનો સાથ એટલે શું? મારી ઉંમરની પૂર્ણાહુતિ સુધી ? અરે..હંસાની ઉંમર પણ પુરી થઈ શકે ને.!આમ, દિવસો નીકળતાં જતાં હતાં..ને એકદિવસ રોજનાં નિયમ મુજબ આપે સવારે 5:30 વાગે મોર્નિંગ વૉકમાં જવા ફ્લેટનો દરવાજો ખોલ્યો..
તો દરવાજા પાસે ગાભામાં વીંટળાયેલું કંઈક પડ્યું હોય એવું લાગ્યું..તમે ધ્યાનથી જોયું તો એક નાનકડું બાળક ને એક ચિઠ્ઠી.! તમે બાળકને લઈ અંદર આવ્યા ને કાળજીથી પલંગ ઉપર સુવાડ્યું ને ચિઠ્ઠી વાંચી..'આદરણીયશ્રી,આપ અમોને ઓળખતાં નથી એમ આપ પણ અમારા જાણીતા નથી..પણ મેં અને મારા પતિએ આત્મહત્યા કરતા પહેલા અમારા લાડકા દીકરાને કોઈ સારા હાથોમાં સોંપવાનું નક્કી કરેલું.તો શોધખોળનાં અંતે આપ મળ્યા છો.તો મને તમારી દીકરી સમજીને આ દીકરાને ઉછેરશો અને અમોને કે અમારા આત્મહત્યાનું કારણ પણ ના શોધશો એવી નમ્ર વિનંતી અને પોલીસમાં જાણ ન કરશો કેમ કે,તો પોલીસ મારા દીકરાને આપ પાસે રહેવા ન દે અને કોઈ અનાથાશ્રમમાં મૂકી દે,એવું પણ બને..લી.આપની દીકરી જ સમજોને.!'.
તમે તરત જ સોસાયટીના મિત્રોને ભેગાં કર્યા.સૌનો મત એક જ હતો..કે બાળક આપે રાખી લેવું ને એનો ઉછેર કરવાની જવાબદારી સોસાયટીની સ્ત્રીઓ લેવા તૈયાર થઈ..પોલીસને દૂર રાખી આ કામ એક 'મિશન'ની જેમ ઉપાડી લેવા સૌ તૈયાર થયા ને એની ખુશીમાં તમે સૌને 'મોર્નિંગ ટી' પીવડાવી..
પણ મહેશભાઈ આ ખાનગી 'મિશન' થી તમે અજાણ છો..હંસાબહેનના મૃત્યુ પછી તમે બિલકુલ એકલા પડી ગયા તો ધીરે-ધીરે ચિત્તભ્રમ થતા જતા હતા ને તમે વધારે 'ડિપ્રેશન'માં આવો તે પહેલાં સોસાયટીના આપના મિત્રોએ જ અનાથાશ્રમમાંથી બાળક લાવીને આખું 'મિશન' પૂરું કર્યું હતું...!-બેફિકર
ટૂંકી વાર્તા..115
શહેરની ધમધમાટ ચાલતી ચેઇન કોફી શોપ્સના એકમાત્ર માલિક એવાં મિ. વાલિયા આપ એકાદ મિનિટ માટે જાણે શ્વાસ લેવાનું પણ ભૂલી ગયા.! હા.. તે દિવસે આપની ઓફિસમાં એ સુંદર યુવતીએ 'એન્ટ્રી' કરી,એ ઘટનાની વાત કરું છું..! આપ તરત જ ખુરશીમાંથી ઉભા થઇ ગયા ને એ યુવતીને આવકારી..તે જર્નાલિઝમનો અભ્યાસ કરતી હતી ને 'ફૂડ એન્ડ બીવરેજીસ' ઉપર એક સંશોધાત્મક લેખમાળા લખવા ઇચ્છતી હતી...ને પછી તો એની મુલાકાતો વધવા લાગી ને આપને પણ એનો સાથ ગમવા લાગ્યો..પ્રૌઢ વયે પહોંચેલા મિ. વાલિયા આપ 'સુંવાળા' સાથના શોખીન હતા..ને આ સાથ તો જાણે સામેથી મળતો હતો..ધીરે-ધીરે તે મીસ રૂબી આપની સાથે સતત રહેવા લાગી..
ને એક દિવસ અચાનક શહેરમાં આવેલી આપની તમામ 'કોફી-શોપ્સ' પર પોલીસની 'રૅડ' પડી..આપની સાથે સતત રહેનારી મીસ રૂબીએ જ આપની ધરપકડ કરી.. હા આપની તમામ કોફીઝમાં આપ લોકોને એની આદત પડી જાય એ માટે છુપી રીતે 'ડ્રગ્સ' મેળવતાં હતા..ને જ્યારે મીસ રૂબીની વાસ્તવિક ઓળખ આપને મળી ત્યારે આપ ફરીથી શ્વાસ લેવાનું ભૂલી ગયા હતા...કેમ કે,C.B.I. ઇન્સ્પેક્ટર કુ.શૈલજા સન્યાસીએ વધુ એક 'ઓપરેશન' સફળ રીતે પૂર્ણ કર્યું હતું..!-બેફિકર
Comments
Post a Comment