ટૂંકી વાર્તા..116 થી 120

ટૂંકી વાર્તા...116
        ફિલ્મી હિરો જેવો દેખાવ,સુંદર કસરતી શરીર અને મોંઘી-મોંઘી બાઇક અને કાર્સનો માલિક એવો તું બિલકુલ એકલવાયી જિંદગી જીવતો.એક જ ટેવ સામાજિક હતી..સવારે 5:30 વાગે શહેરનાં એ પ્રખ્યાત ગાર્ડનમાં 'મોર્નિંગ વૉક' માં તું અચૂક હાજર હો ને કેવળ આ એક જ પ્રવૃત્તિ એવી હતી કે જેનાંથી તારી સોસાયટીના લોકો પરિચિત હતા.બાકી તારી નોકરી કે ધંધો શું છે કે તારી આવકનો સ્ત્રોત શું છે એની કશી કોઈને ખબર નહોતી..હા..પૂછવા પર તારો જવાબ રહેતો..'એક્સપોર્ટ' બિઝનેસ કરું છું..હા..સોસાયટીના લોકો એટલું જરૂર જાણતાં કે દર થોડા-થોડા દિવસે તું મોર્નિંગ વૉકમાંથી આવ ત્યારે તારી સાથે અલગ-અલગ છોકરીઓ તારા ઘર સુધી આવતી પછી એનો આવરો-જાવરો થોડાં દિવસો સુધી ચાલુ રહેતો..(1)
            ને એક દિવસ એવી જ સવારે તારી સાથે એ 'છોકરી' આવી ને એનાં અડધા જ કલાકમાં તો સોસાયટી આખી પોલીસની ગાડીઓથી ભરાય ગઈ..તે છોકરીએ તને તારા ફ્લેટમાંથી ઢસડીને બહાર કાઢ્યો ને પોલીસની વાનમાં ફેંક્યો..! સોસાયટીના લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા..કોઈને કશું સમજાતું ન્હોતું.. સાચી ખબર તો બીજા દિવસે 'ન્યૂઝ' માં પડી..કે કોઈ કામ-ધંધો ન કરનારો તું, તારા દેખાવથી છોકરીઓને મોહિત કરી,પ્રેમજાળમાં ફસાવી તારા ઘર સુધી લઈ આવતો ને પછી છોકરી સાથેની અંતરંગ પળોનું છુપા કેમેરાથી રેકોર્ડિંગ કરી, બ્લેકમેઇલ કરતો..ને એવી છોકરીઓનાં રૂપિયે તું 'જલસા'કરતો.. પણ..ભલું થજો એ 'છોકરી' એટલે કે C.B.I.ઇન્સ્પેકટર કુ.શૈલજા સન્યાસીનું કે એણે તને પોતાની 'જાળ' માં ફસાવી કેટલીયે છોકરીઓને બચાવી લીધી હતી..-બેફિકર

ટૂંકી વાર્તા...117
        અખિલેશકુમાર..રોજ સાંજે ઓફિસથી છૂટીને શહેરનાં પ્રખ્યાત વિનાયક મંદિરે દર્શન કરવાનો આપનો નિયમ..દર્શન કરી આપ મંદિરનાં પ્રાંગણમાં શાંતિથી બેસતાં.થોડા દિવસથી આપને આ પ્રાંગણમાં કંપની આપવા વાળું કોઈ મળ્યું છે...અને તે છે સોળ-સત્તર વર્ષની હોય એવડી એક છોકરી..અતિ બોલકી..અરે..'વાતોડિયણ' જ કહોને..!વાત-વાતમાં એણે એ પણ જાણી લીધેલું કે,આપ ઉંમરનું પિસ્તાલીસમું પગથિયું વટાવી ચુક્યા છો ને એકલવાયી જિંદગી વિતાવી રહ્યા છો..કેમ કે,આપે લગ્ન જ નથી કર્યા..હા... લગ્ન કેમ ન્હોતા કર્યા એ આપે છૂપું રાખેલું..
        ને ત્યારથી એ 'વાતોડિયણ' રોજ કોઈપણ બહાને લગ્નની વાત કાઢી,આપને એકલવાયી જિંદગીનાં ગેરફાયદા ઓ સમજાવી લગ્ન કરી લેવા સમજાવી રહી છે ને આપને પણ એની વાત સાચી લાગવા લાગી છે..અને જ્યારે એ 'વાતોડિયણે' આપને એવું કહ્યું કે,'મારી બાજુમાં જ  આપની જેમ લગ્ન ન કરવાની જીદ લઈ બેઠેલા એક બહેન રહે છે,મેં એમને પણ મનાવ્યાં છે,જો આપ કહેતા હો તો આપની સાથે એક વાર મેળવું..' ત્યારે આપે પણ એની વાત સ્વીકારી આવતીકાલે આપનાં ઘરે એ 'વાતોડિયણ' અને એ  સ્ત્રીને મળવા બોલાવ્યા છે...
          અને..રવિવારે 'વાતોડિયણ' આપના ઘરે એ સ્ત્રીને લઈને આવી..એને જોઈને જ આપ ચોંકી ગયા..'અરે..! સલમા તું..!! અને એ 'વાતોડિયણ' બોલી ઉઠી.'હા..એ સલમા અને હું 'અખિસલા'...આપ મને કહેતા ને તારું નામ અજીબ છે..'અખિસલા'.! તો એ છે સલમા અને અખિલેશની યાદ..મારી માં સાથેનાં પ્રેમમાં જ્યારે મારો વિકાસ મારી માંના પેટમાં થવા લાગ્યો ત્યારે આપને હિન્દૂ-મુસ્લિમ ધર્મ યાદ આવ્યો..ને સમાજનાં ડરથી સલમાને એમને એમ છોડી આપ ભાગી નીકળ્યા..પણ સાચા પ્રેમનાં કારણે આપ કોઈ બીજી સ્ત્રીને જીવનમાં સ્થાન આપી શક્યા નહી..એવું જ મારી માંનું છે..એણે પણ આજ સુધી કોઈ પુરુષને પોતાનો બનાવ્યો નથી..હવે ઈશ્વર કહો કે ખુદા..ફરીથી હિંમત બતાવવાનો સમય આવ્યો છે..બોલો..મારી માં સાથે લગ્ન કરશો ? -બેફિકર

ટૂંકી વાર્તા...118
      ઘરનું રીનોવેશન કામ ચાલુ કરાવ્યાના બીજા દિવસે કોન્ટ્રાકટર નીચેનાં આઠેક વર્ષથી બંધ રૂમમાંથી એક ડબ્બી મળી આવતા આપની પાસે લઈને આવ્યો..મનીષકુમાર ! ને ડબ્બી ખોલતાં જ આપ નવાઈ અને સવાલ બન્ને રીતે મૂંઝાણા... કેમ કે,ડબ્બીમાંથી બે તોલાની સોનાની ચેઇન અને એક બિલ નીકળ્યું..બિલ હતું..આપની એ નીચેની રૂમમાં ભાડે રહેતાં રિટાયર્ડ ફૌજી અને બેન્ક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં કચરાભાઈ ગામેતીનાં નામનું અને કચરાભાઈ આપની રૂમમાં હાર્ટએટેકથી મૃત્યુ પામ્યાંની ઘટનાને આઠેક વર્ષ થઈ ગયા હતા..ને એમનો પરિવાર એમની બધી ઘર-વખરી અને મૃતદેહ ત્યારે સાથે જ લઇ ગયેલો..
        આપે તરત જ આપની પત્નીને બોલાવી,બધી વાત કરી..ને બંને જણ વચ્ચે નક્કી થયા મુજબ ઉઘડતી બેંકે જ આપ બેંકમાં પહોંચ્યા.મેનેજરને મળી કચરાભાઈનાં ઘરનાં કોઈ સભ્યનો કોન્ટેક નંબર મેળવવા કોશિશ કરી,પણ એવું કશું મળ્યું નહિ..ફક્ત રાજસ્થાનની સરહદ નજીક આવેલા એમનાં ગામનું નામ મળી આવ્યું..આપ બન્ને જણે બીજે દિવસે વહેલી સવારે જ બસ પકડી..ને સાંજ પડતાં-પડતાં કચરાભાઈને ગામ પહોંચ્યા... થોડી પૂછપરછ કરતાં કચરાભાઈનું ઘર મળી આવ્યું..એમની વિધવા પત્નીને મળી,આપ લોકોએ બધી વાત કરી..ને એમનો જવાબ સાંભળી આપ બંને પતિ-પત્ની નવાઈ પામી ગયા..મનીષકુમાર...
         હા.. એ ગરીબ સ્થિતિમાં જીવતી એ વિધવા સ્ત્રીએ કીધું કે,'મારા પતિને દીકરીઓ ખૂબ વ્હાલી હતી..ને જ્યારે તેઓ ફૌજમાં હતા ત્યારે જ મારે પહેલી દીકરી જન્મી અને એ રજા લઈ એનું મોઢું જોવા આવે એ પહેલાં તો એ તાવથી મરી ગઈ..તો ત્યારથી એ દીકરી માટે તરસતા પણ ભગવાને પછી અમારા પર દીકરી કે દીકરાની મ્હેર કરી જ નહીં.પણ નોકરીમાં ત્યાં જોડાયા પછી રજા લઈ ઘેર આવતા તો તમારી દીકરીની વાતો કર્યા કરતાં અને કહેતાં કે એ દીકરીનાં લગ્નમાં મારે સોનાની ચેઇન આપવી છે તો આ એ જ ચેઇન હશે..સાહેબ..! આપ જ એ ચેઇન રાખી લ્યો અને આપની દીકરીનાં લગ્ન વખતે અમારા તરફથી આપશો..!'- બેફિકર

ટૂંકી વાર્તા...119
         શેરુભાઈ ! સોનું, ડાયમન્ડ અને ડ્રગનું સ્મગલિંગ એ તારા ડાબા હાથનો ખેલ હતો.પુરા દેશમાં તું 'વૉન્ટેડ' હતો.તને પકડવો એટલે પોલીસને આકાશમાંથી તારા તોડી લાવવા જેવું કામ ! ને તને પકડવો અશક્ય લાગે તેવું તે પોતે જ નેટવર્ક ઉભું કરેલું..તું સતત સ્થળ બદલતો રહેતો..ફોન બદલ્યા કરતો..વાહન બદલ્યા કરતો..એક ન્હોતી બદલી રોજ રાતે નવ વાગે એટલે તારી દીકરીને ફોન કરવાની આદત..હા..તું તારી એ લાડકી સમજણી થઈ ત્યારથી રોજ ફોન કરે છે..ને એ તને એકવાર રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કર્યા કરે છે ને તું એને ભણીગણીને 'મોટી માણસ' બની જા,તે દિવસે ચોક્કસ આવીશ એવું પ્રોમિસ આપ્યા કરે છે...!
        ને 'શેરુ' આજે એ દીકરીએ તને રૂબરૂ બોલાવ્યો છે.એણે ફોનમાં કીધું છે..'અબ્બા,જરૂર આવજો..રોશની ગાર્ડનમાં..તમારી ઈચ્છા મુજબ હું બહુ 'મોટી માણસ' બની ગઈ છું..તો મને આશીર્વાદ આપવા સવારે અગિયાર વાગ્યે..હું રાહ જોઇશ..' 'શેરુ' બરાબર અગિયારના ટકોરે તું પહોંચ્યો..તો તારી દીકરી પોલીસનાં ફૂલ યુનિફોર્મમાં હાજર હતી..! તને જોઈ એ બોલી,'અબ્બા..જુઓ..હું 'મોટી માણસ' બની ગઈ છું..હું I.P.S. બનીને આજે જ આ શહેરનાં S.P. તરીકે હાજર થઈ છું..ને હું તમારી 'ધરપકડ' કરું છું..એમ કહીને એણે પોતાની પાસે રહેલી હાથકડી તને પહેરાવી દીધી..ને તરત જ છુપાયેલા પોલીસ જવાનો દોડી આવ્યા ને તને ઘેરી લીધો..તું ફક્ત એટલું જ બોલી શક્યો..'પણ હું તારો બાપ છું...' પણ એ દીકરીના સણસણતા જવાબે તને મૂંગો કરી દીધો..!
        એ દીકરી બોલેલી..'હા..હું તમારી દીકરી છું..પણ મારા ભારતદેશની પણ દીકરી છું..દેશનાં યુવાનોને ડ્રગનાં નશામાં ફસાવનાર, દેશના અર્થતંત્રને દાણચોરીથી પાયમાલ કરનાર મારો બાપ ન હોય શકે..અબ્બા હું જાણતી હતી કે તમને કોઈ પોલીસ કદી પકડી નહિ શકે..એટલે મારામાં સમજણ આવતા પોલીસ અધિકારી બનીનેે તમારી મને 'મોટી માણસ' બનાવવાની ઈચ્છા પુરી કરવાની સાથે તમારી 'ધરપકડ' કરી દેશને બચાવવાનો નિર્ણય મેં મનોમન કરેલો..!'-બેફિકર

       ટૂંકી વાર્તા...120
       તે ગાંધર્વ સાથે લગ્ન કરવાની ઈચ્છા તારી બહેનપણીઓમાં વ્યક્ત કરી,તો બધી એકસાથે નવાઇભર્યો ઉદગાર કરી બેઠી અને એ જ વાત તે તારા ઘરે કરી તો જાણે ભૂકંપ આવી ગયો...ગાર્ગી..તને એ સમજાતું નહોતું કે પુરા ભારતમાં મશહૂર એવા ગઝલગાયક ગાંધર્વ સાથે તું પ્રેમમાં છે..ને એ પણ તારી પાછળ પાગલ છે..ને તે જન્મોજન્મ એની સાથે વિતાવવાનો નિર્ણય કરી લીધો છે, તો બધાને તારા ગાંધર્વ સાથે લગ્નનો વિરોધ શા માટે છે..!
       ગાર્ગી...તારી વાત સાચી છે...ગાંધર્વ જેવા મશહૂર  ગઝલગાયક સાથે તારા લગ્નનો વિરોધ હોવો જ ન જોઈએ..પણ ગાર્ગી...સૌ એક જ વાતને કારણે વિરોધ કરે છે..તું કાચની પૂતળી જેવી સુંદર છે તો ગાંધર્વ પણ કંઈ ઓછો દેખાવડો નથી...પણ એને કમરથી નીચેના ભાગમાં 'પોલિયો' થયેલો છે..!-બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112