ટૂંકી વાર્તા..121 થી 125
ટૂંકી વાર્તા...121
તમે લાકડીના ટેકે-ટેકે રોજ આવીને વડલાને થડીએ ટેકો દઈ, ઝાંખી નજરે એ 'હાઈ-રાઈઝ બિલ્ડીંગ' સામું જોઈ રહેતા.કલાકો સુધી એકધારું જોયા પછી વળી પાછા એ જ ડગુ-મગુ ચાલે બાજુમાં આવેલી ચાલીની તમારી 'ખોલી'માં ઘુસી જતા.તમારું બોખું મોઢું,ડગમગતી ચાલ અને ઝાંખપ ભરેલી નજર ઉંમરનાં આઠેક દાયકા વિતાવ્યાની ચાડી ખાતા..મંગુમાં.! ને કરચલીવાળી પણ ચમકતી સુંવાળી ચામડી ને સોનેરી વાળ દાયકાઓ સુખમાં વિતાવ્યાની સાક્ષી પૂરતા..પણ..આ ઉંમરે તમે એ 'હાઈ રાઈઝ' સામે શું જોઈ રહેતાં એ સવાલ મને થાય છે.!
પણ એ સવાલનો જવાબ ફક્ત બે વ્યક્તિઓ જ જાણે છે..એક પેલો વડલો ને બીજા તમે.!
હા..મંગુમા..દસેક વર્ષ પહેલાં શેઠ મંગલદાસ એટલે કે તમારા પતિનું અવસાન થયેલું.તમારો એકનો એક અમેરિકાવાસી દીકરો શેઠનું ક્રિયા-કરમ કરવા પણ ન્હોતો આવ્યો..ને તમે..'હશે.! એને બહુ કામ હશે.!'-એવું વિચારી મન મનાવેલું.ને આ ઘટનાને એકાદ વરસ વીત્યું હશે ત્યા એ અચાનક આવેલો.તમે તો ઘણાં રાજી થયા.એક સાંજે તમારા દીકરાએ આવીને તમને કીધું..'બા..જો આપણો બંગલો ઘણો જૂનો થઈ ગયો છે.તો પાડીને એને નવો બનાવવો છે.મે બધું ગોઠવી નાખ્યું છે.મારા વિઝા પુરા થતા હોવાથી હું કાલે નીકળી જઈશ.મેં તમારા માટે સામે આવેલી ચાલીમાં એક ઘર ભાડે રાખ્યું છે.તમારે ત્યાં રહેવાનું છે.હું છ મહિના પછી આવીશ.ત્યાં બંગલાનું કામ પૂરું થઈ જશે.'
ને તમે એની વાત સ્વીકારી લીધી.બીજે દિવસે સવારે જ જરૂરી સામાન એ 'ખોલી'માં પહોંચી ગયો.ને બાકીનો સામાન જરૂરી નથી એમ કહી..વેચી દેવામાં આવ્યો.!
ને દિવસો વીતવા લાગ્યા..બિલ્ડીંગ બંધાવા લાગ્યું..તમે રોજ સવારે અને સાંજે આવતા ને એ વડલાને ટેકે બેસી બંગલાનું કામ જોઈ હરખાતાં.! છ મહિના પુરા થયા તોયે બંગલાનું કામ પૂરું ન થયું તો તમે એનું કામ રાખેલા એ બિલ્ડરને મળવા ગયા ત્યારે ખબર પડી કે..એ તમારા માટે નવો બંગલો નથી બનતો..એ તો એક મોટી કંપનીની ઓફીસ બને છે..તમારો દીકરો તો તમારો એ જૂનો બંગલો વેચીને અમેરિકા જતો રહ્યો છે.!ને તે દિ'થી તમે એ વડલે આવી ટેકો દઈ, 'હાઈરાઈઝ' જોયા કરો છો..-બેફિકર
ટૂંકી વાર્તા...122
શિલ્પન..જાણે તારું નામ પાડતી વેળાએ જ તારા ફઈબાને જાણે અણસાર આવી ગયો હોય..એમ..આજે તું પુરી દુનિયામાં 'મશહૂર' શિલ્પી છે..તારા વર્લ્ડ કલાસ શિલ્પનાં ઇન્ટરનેશનલ પ્રદર્શનો યોજાતા..ને લોકોની ભીડ જામતી..ને તારા શિલ્પ જોઈ દરેકને દર વખતે એક જ સવાલ મનમાં ઉઠતો..કે આટલો કાબેલ શિલ્પી હોવા છતાં શિલ્પન...દરેક ખ્યાતનામ વ્યક્તિનાં શિલ્પમાં બેનમૂન કારીગરીથી જીવંતતા લાવવા છતાં આવી ખામી કેમ રાખતો હશે ? ...હા..કદી કોઈ શિલ્પમાં તે 'આંખો' ન્હોતી કરી..!ને લોકોનાં આ સવાલનો જવાબ ફક્ત તારી પાસે જ હતો..
ને આ જવાબ મેળવવા મારે પણ તને તારા એ ફાઇન આર્ટસનાં કોલેજનાં દિવસો યાદ કરાવવા પડશે..શિલ્પન..હા..તને 'સ્કલ્પચર' શીખવનાર પ્રો.શર્માની તારા જેવડી જ દીકરી હતી..'મૂર્તિ'..ને તું એ 'મૂર્તિ'નાં પ્રેમમાં પડેલો..ને 'મૂર્તિ' પણ તારી એ પ્રેમની હોડીમાં મહાલવા લાગેલી..પણ..જાણે કુદરતને તમારો પ્રેમ મંજુર ન હોય,એમ એક દિવસ ઇલેક્ટ્રિક શૉક લાગતાં 'મૂર્તિ' અકાળે અવસાન પામેલી...ને શિલ્પન..એ દિવસથી તું તારી એ 'મૂર્તિ' ની યાદ જીવનભર તારા 'શિલ્પ'માં ઉતારવા લાગ્યો...! હા..'મૂર્તિ' ને પણ જન્મથી બંને આંખો ન્હોતી..!-બેફિકર
ટૂંકી વાર્તા...123
તે દિવસે તું મેડિકલ સ્ટોર પર તારા ઘરડા બાની દવા લેવા ઉભી રહી અને તારા સ્વભાવગત તારી નજરમાં એ ઘટના આવી અને તરત જ તારું મગજ 'એક્ટિવ' થઈ ગયું..હા..એ સજી-ધજીને આવેલી સ્ત્રી સ્ટોરવાળા સાથે પેમેન્ટ બાબતે માથાકૂટમાં હતી..એ બધું પેમેન્ટ છુટા સિક્કાઓમાં આપવા ઇચ્છતી હતી ને સ્ટોરવાળો ના પાડતો હતો..ને તારું 'મગજ' એ સિક્કાઓ જોઈ બીજા જ વિચારે ચડેલું હતું..તે રિક્ષામાં બેસી રવાના થઈ કે તે તારું એક્ટિવા પાછળ લગાડ્યું..ને એનો 'બંગલો' જોઈ લીધો..બે-ત્રણ દિવસ 'એક્ટિવ' રહીને તે એને કામવાળી બાઈની જરૂર છે..એ જાણી પણ લીધું..ને ચોથા દિવસે સાંજે તું એને ત્યાં કામવાળી તરીકે ગોઠવાઈ પણ ગઈ..!
હા.. શૈલજા..આ વખતે પણ તારી 'સિક્સ્થ સેન્સ' બરાબર કામ કરી ગઈ..તે એ બાઈને ત્યાં માંડ પંદર દિવસ કામ કર્યું હશે ત્યાં બાળકોને ઉઠાવીને ભીખ મંગાવતી ગેંગ અને તેની લીડર એવી એ જૌરાબાઈને 'ઉઘાડા' પાડી દીધા ને ફરી એકવાર 'શૈલજા સન્યાસી' ના નામનો ડંકો વગાડી દીધો...-બેફિકર
ટૂંકી વાર્તા...124
મેજર વાસુદેવસિંહ... આ વખતે તમે ભારે વિમાસણમાં હતા..કેમ કે,દર ગુરૂપૂનમે વતનમાં જઇ ગુરુઆશ્રમે ગુરુદેવના દર્શનનો નિયમ તૂટે એમ હતો..કેમ કે,26 મી એ 'કારગિલ વિજય દિન' હતો ને વળતો જ દિવસ 'ગુરુપૂર્ણિમા'..! વિજયદિનનાં હાઇ એલર્ટ નાં હિસાબે રજા મંજૂર થઈ શકે એમ નહોતી..!
ને તમે ગુરુદેવને મનોમન પ્રણામ કરી,નહિ આવવાની ક્ષમા માંગી..થોડું મન ક્ષુબ્ધ થયું પણ પછી મનાવી લીધું.'વિજયદિન' તો શાંતિથી પસાર થઈ ગયો પણ ગુરુપૂનમની મધરાતે તમારા કેમ્પ પર ટેરરિસ્ટ હુમલો થયો..ને તમે બરાબર સામનો કર્યો...
પણ આખરે તમારી પાસે રહેલો ગોળીઓનો જથ્થો ખૂટી પડ્યો..ને એક આંતકવાદી તમારી બરાબર સામે આવી ચડ્યો..તેણે જેવું ટ્રિગર દબાવ્યું..કે અચાનક તમને કોઈએ ધક્કો મારી દૂર પછાડી દીધા..તમે ચંદ્રના ઝાંખા અજવાળે જોયું તો,જેના નિધન થયે 10 વર્ષ થયાં...તે...સાક્ષાત તમારા ગુરુદેવ..! આંતકવાદીએ એનું શરીર ચાળણી જેવું કરી નાખ્યું..ગુરુદેવ એક અગનગોળામાં ફેરવાય ગયા..ને આંતકવાદીને ઝપટે લઈ લીધો..તે ત્યાંને ત્યાં ભડથું થઈ ગયો..! મેજર...ગુરુદેવનાં આત્મસ્વરૂપે આજે તમને બચાવી લીધા...-બેફિકર
ટૂંકી વાર્તા....125
શૈલજા...આપની ટ્રાન્સફર હેડઓફિસમાંથી હૈદરાબાદ વિભાગીય કચેરીમાં થઈ.આપ તો આપની આદત મુજબ બીજે જ દિવસે ત્યાં હાજર...ને કામકાજ શરૂ..પણ અહીં આવ્યા ત્યારથી આપનું મગજ એક અલગ જ ચકરાવે ચડેલું છે..હા..અહીંની કચેરીના આપના હેડ ઇન્સ્પેકટર આપને કંઈક વિચિત્ર લાગે છે..ને આપનું 'એક્ટિવ' મગજ એની બધી નોંધ લીધા કરે છે...શૈલજા શરૂઆતથી જ આપે સાહેબની નોંધ લેવાનું શરૂ કરી દીધેલું..તો આ સાહેબની અમુક લાક્ષણિકતાઓ આપના ધ્યાનમાં આવી..
સાહેબની મહિનામાં બોલપેન વાપરવાની સ્ટાઇલ બદલાઈ જતી..!! આપે બરાબર માર્ક કર્યું કે,સાહેબ 1 થી 15 તારીખ સુધી બોલપેન 'યુઝ' કરે તો તેનું ઢાંકણ ખોલીને સાઈડમાં મૂકી દે છે..ને 16 થી 30 તારીખ સુધી ઢાંકણ સાથે 'યુઝ' કરતાં..! 1 થી 15 તારીખ સુધી સાહેબ બ્રાઉન શૂઝ પહેરતાં તો 16 થી 30 દરમિયાન બ્લેક..! અરે ! આપે ત્યાં સુધી માર્ક કરેલું કે 1 થી 15 તારીખ સુધી સાહેબ ખુરશીમાંથી ઉભા થઇ ચાલતા તો ડાબો પગ પહેલાં ઉપાડતાં ને 16 થી 30 દરમિયાન જમણો..!
ને આ 'માર્કિંગ' પછી આપનું જાસુસી મગજ એ શોધી લાવ્યું છે કે,આપના એ ઇન્સ્પેકટર પોતાની જાતને જ બદલી નાખે છે..! હા..આપે શોધી કાઢ્યું કે, એ હેડ ઇન્સ્પેકટરને બીજો એક ભાઈ 'ટ્વીન્સ' છે..અને બંને ભાઈઓ વારાફરતી નોકરી બજાવી..પંદર દિવસ આરામ ફરમાવે છે..! શૈલજા સન્યાસી આપના આ 'સ્પેશ્યલ ઓપરેશન'નો બદલો પણ સરકારે આપને આપ્યો...હવે આપ C.B.I.માં હેડ ઇન્સ્પેકટર બની ચુક્યા છો..!-બેફિકર
Comments
Post a Comment