Short stories

ટૂંકી વાર્તાઓ..121 થી
ટૂંકી વાર્તા...121
        તમે લાકડીના ટેકે-ટેકે રોજ આવીને વડલાને થડીએ ટેકો દઈ, ઝાંખી નજરે એ 'હાઈ-રાઈઝ બિલ્ડીંગ' સામું જોઈ રહેતા.કલાકો સુધી એકધારું જોયા પછી વળી પાછા એ જ ડગુ-મગુ ચાલે બાજુમાં આવેલી ચાલીની તમારી 'ખોલી'માં ઘુસી જતા.તમારું બોખું મોઢું,ડગમગતી ચાલ અને ઝાંખપ ભરેલી નજર ઉંમરનાં આઠેક દાયકા વિતાવ્યાની ચાડી ખાતા..મંગુમાં.! ને કરચલીવાળી પણ ચમકતી સુંવાળી ચામડી ને સોનેરી વાળ  દાયકાઓ સુખમાં વિતાવ્યાની સાક્ષી પૂરતા..પણ..આ ઉંમરે તમે એ 'હાઈ રાઈઝ' સામે શું જોઈ રહેતાં એ સવાલ મને થાય છે.!
પણ એ સવાલનો જવાબ ફક્ત બે વ્યક્તિઓ જ જાણે છે..એક પેલો વડલો ને બીજા તમે.!
        હા..મંગુમા..દસેક વર્ષ પહેલાં શેઠ મંગલદાસ એટલે કે તમારા પતિનું અવસાન થયેલું.તમારો એકનો એક અમેરિકાવાસી દીકરો શેઠનું ક્રિયા-કરમ કરવા પણ ન્હોતો આવ્યો..ને તમે..'હશે.! એને બહુ કામ હશે.!'-એવું વિચારી મન મનાવેલું.ને આ ઘટનાને એકાદ વરસ વીત્યું હશે ત્યા એ અચાનક આવેલો.તમે તો ઘણાં રાજી થયા.એક સાંજે તમારા દીકરાએ આવીને તમને કીધું..'બા..જો આપણો બંગલો ઘણો જૂનો થઈ ગયો છે.તો પાડીને એને નવો બનાવવો છે.મે બધું ગોઠવી નાખ્યું છે.મારા વિઝા પુરા થતા હોવાથી હું કાલે નીકળી જઈશ.મેં તમારા માટે સામે આવેલી ચાલીમાં એક ઘર ભાડે રાખ્યું છે.તમારે ત્યાં રહેવાનું છે.હું છ મહિના પછી આવીશ.ત્યાં બંગલાનું કામ પૂરું થઈ જશે.'
               ને તમે એની વાત સ્વીકારી લીધી.બીજે દિવસે સવારે જ જરૂરી સામાન એ 'ખોલી'માં પહોંચી ગયો.ને બાકીનો  સામાન જરૂરી નથી એમ કહી..વેચી દેવામાં આવ્યો.!
        ને દિવસો વીતવા લાગ્યા..બિલ્ડીંગ બંધાવા લાગ્યું..તમે રોજ સવારે અને સાંજે આવતા ને એ વડલાને ટેકે બેસી બંગલાનું કામ જોઈ હરખાતાં.! છ મહિના પુરા થયા તોયે બંગલાનું કામ પૂરું ન થયું તો તમે એનું કામ રાખેલા એ બિલ્ડરને મળવા ગયા ત્યારે ખબર પડી કે..એ તમારા માટે નવો બંગલો નથી બનતો..એ તો એક મોટી કંપનીની ઓફીસ બને છે..તમારો દીકરો તો તમારો એ જૂનો બંગલો વેચીને અમેરિકા જતો રહ્યો છે.!ને તે દિ'થી તમે એ વડલે આવી ટેકો દઈ, 'હાઈરાઈઝ' જોયા કરો છો..-બેફિકર

ટૂંકી વાર્તા...122
         શિલ્પન..જાણે તારું નામ પાડતી વેળાએ જ તારા ફઈબાને જાણે અણસાર આવી ગયો હોય..એમ..આજે તું પુરી દુનિયામાં 'મશહૂર' શિલ્પી છે..તારા વર્લ્ડ કલાસ શિલ્પનાં ઇન્ટરનેશનલ પ્રદર્શનો યોજાતા..ને લોકોની ભીડ જામતી..ને તારા શિલ્પ જોઈ દરેકને દર વખતે એક જ સવાલ મનમાં ઉઠતો..કે આટલો કાબેલ શિલ્પી હોવા છતાં શિલ્પન...દરેક ખ્યાતનામ વ્યક્તિનાં શિલ્પમાં બેનમૂન કારીગરીથી જીવંતતા લાવવા છતાં આવી ખામી કેમ રાખતો હશે ? ...હા..કદી કોઈ શિલ્પમાં તે 'આંખો' ન્હોતી કરી..!ને લોકોનાં આ સવાલનો જવાબ ફક્ત તારી પાસે જ હતો..
          ને આ જવાબ મેળવવા મારે પણ તને તારા એ ફાઇન આર્ટસનાં કોલેજનાં દિવસો યાદ કરાવવા પડશે..શિલ્પન..હા..તને 'સ્કલ્પચર' શીખવનાર પ્રો.શર્માની તારા જેવડી જ દીકરી હતી..'મૂર્તિ'..ને તું એ 'મૂર્તિ'નાં પ્રેમમાં પડેલો..ને 'મૂર્તિ' પણ તારી એ પ્રેમની હોડીમાં મહાલવા લાગેલી..પણ..જાણે કુદરતને તમારો પ્રેમ મંજુર ન હોય,એમ એક દિવસ ઇલેક્ટ્રિક શૉક લાગતાં 'મૂર્તિ' અકાળે અવસાન પામેલી...ને શિલ્પન..એ દિવસથી તું તારી એ 'મૂર્તિ' ની યાદ જીવનભર તારા 'શિલ્પ'માં ઉતારવા લાગ્યો...! હા..'મૂર્તિ' ને પણ જન્મથી બંને આંખો ન્હોતી..!-બેફિકર

ટૂંકી વાર્તા...123
       તે દિવસે તું મેડિકલ સ્ટોર પર તારા ઘરડા બાની દવા લેવા ઉભી રહી અને તારા સ્વભાવગત તારી નજરમાં એ ઘટના આવી અને તરત જ તારું મગજ 'એક્ટિવ' થઈ ગયું..હા..એ સજી-ધજીને આવેલી સ્ત્રી સ્ટોરવાળા સાથે પેમેન્ટ બાબતે માથાકૂટમાં હતી..એ બધું પેમેન્ટ છુટા સિક્કાઓમાં આપવા ઇચ્છતી હતી ને સ્ટોરવાળો ના પાડતો હતો..ને તારું 'મગજ' એ સિક્કાઓ જોઈ બીજા જ વિચારે ચડેલું હતું..તે રિક્ષામાં બેસી રવાના થઈ કે તે તારું એક્ટિવા પાછળ લગાડ્યું..ને એનો 'બંગલો' જોઈ લીધો..બે-ત્રણ દિવસ 'એક્ટિવ' રહીને તે એને કામવાળી બાઈની જરૂર છે..એ જાણી પણ લીધું..ને ચોથા દિવસે સાંજે તું એને ત્યાં કામવાળી તરીકે ગોઠવાઈ પણ ગઈ..!
       હા.. શૈલજા..આ વખતે પણ તારી 'સિક્સ્થ સેન્સ' બરાબર કામ કરી ગઈ..તે એ બાઈને ત્યાં માંડ પંદર દિવસ કામ કર્યું હશે ત્યાં બાળકોને ઉઠાવીને ભીખ મંગાવતી ગેંગ અને તેની લીડર એવી એ જૌરાબાઈને 'ઉઘાડા' પાડી દીધા ને ફરી એકવાર 'શૈલજા સન્યાસી' ના નામનો ડંકો વગાડી દીધો...-બેફિકર

ટૂંકી વાર્તા...124
       મેજર વાસુદેવસિંહ... આ વખતે તમે ભારે વિમાસણમાં હતા..કેમ કે,દર ગુરૂપૂનમે વતનમાં જઇ ગુરુઆશ્રમે ગુરુદેવના દર્શનનો નિયમ તૂટે એમ હતો..કેમ કે,26 મી એ 'કારગિલ વિજય દિન' હતો ને વળતો જ દિવસ 'ગુરુપૂર્ણિમા'..! વિજયદિનનાં હાઇ એલર્ટ નાં હિસાબે રજા મંજૂર થઈ શકે એમ નહોતી..!
        ને તમે ગુરુદેવને મનોમન પ્રણામ કરી,નહિ આવવાની ક્ષમા માંગી..થોડું મન ક્ષુબ્ધ થયું પણ પછી મનાવી લીધું.'વિજયદિન' તો શાંતિથી પસાર થઈ ગયો પણ ગુરુપૂનમની મધરાતે તમારા કેમ્પ પર ટેરરિસ્ટ હુમલો થયો..ને તમે બરાબર સામનો કર્યો...
                   પણ આખરે તમારી પાસે રહેલો ગોળીઓનો જથ્થો ખૂટી પડ્યો..ને એક આંતકવાદી તમારી બરાબર સામે આવી ચડ્યો..તેણે જેવું ટ્રિગર દબાવ્યું..કે અચાનક તમને કોઈએ ધક્કો મારી દૂર પછાડી દીધા..તમે ચંદ્રના ઝાંખા અજવાળે જોયું તો,જેના નિધન થયે 10 વર્ષ થયાં...તે...સાક્ષાત તમારા ગુરુદેવ..! આંતકવાદીએ એનું શરીર ચાળણી જેવું કરી નાખ્યું..ગુરુદેવ એક અગનગોળામાં ફેરવાય ગયા..ને આંતકવાદીને ઝપટે લઈ લીધો..તે ત્યાંને ત્યાં ભડથું થઈ ગયો..! મેજર...ગુરુદેવનાં આત્મસ્વરૂપે આજે તમને બચાવી લીધા...-બેફિકર

ટૂંકી વાર્તા....125
        શૈલજા...આપની ટ્રાન્સફર હેડઓફિસમાંથી હૈદરાબાદ વિભાગીય કચેરીમાં થઈ.આપ તો આપની આદત મુજબ બીજે જ દિવસે ત્યાં હાજર...ને કામકાજ શરૂ..પણ અહીં આવ્યા ત્યારથી આપનું મગજ એક અલગ જ ચકરાવે ચડેલું છે..હા..અહીંની કચેરીના આપના હેડ ઇન્સ્પેકટર આપને કંઈક વિચિત્ર લાગે છે..ને આપનું 'એક્ટિવ' મગજ એની બધી નોંધ લીધા કરે છે...શૈલજા શરૂઆતથી જ આપે સાહેબની નોંધ લેવાનું શરૂ કરી દીધેલું..તો આ સાહેબની અમુક લાક્ષણિકતાઓ આપના ધ્યાનમાં આવી..
          સાહેબની મહિનામાં બોલપેન વાપરવાની સ્ટાઇલ બદલાઈ  જતી..!! આપે બરાબર માર્ક કર્યું કે,સાહેબ 1 થી 15 તારીખ સુધી બોલપેન 'યુઝ' કરે તો તેનું ઢાંકણ ખોલીને સાઈડમાં મૂકી દે છે..ને 16 થી 30 તારીખ સુધી ઢાંકણ સાથે 'યુઝ' કરતાં..! 1 થી 15 તારીખ સુધી સાહેબ બ્રાઉન શૂઝ પહેરતાં તો 16 થી 30 દરમિયાન બ્લેક..! અરે ! આપે ત્યાં સુધી માર્ક કરેલું કે 1 થી 15  તારીખ સુધી સાહેબ ખુરશીમાંથી ઉભા થઇ ચાલતા તો ડાબો પગ પહેલાં ઉપાડતાં ને 16 થી 30 દરમિયાન જમણો..!
            ને આ 'માર્કિંગ' પછી આપનું જાસુસી મગજ એ શોધી લાવ્યું છે કે,આપના એ ઇન્સ્પેકટર પોતાની જાતને જ બદલી નાખે છે..! હા..આપે શોધી કાઢ્યું કે, એ હેડ ઇન્સ્પેકટરને બીજો એક ભાઈ 'ટ્વીન્સ' છે..અને બંને ભાઈઓ વારાફરતી નોકરી બજાવી..પંદર દિવસ આરામ ફરમાવે છે..! શૈલજા સન્યાસી આપના આ 'સ્પેશ્યલ ઓપરેશન'નો બદલો પણ સરકારે આપને આપ્યો...હવે આપ C.B.I.માં હેડ ઇન્સ્પેકટર બની ચુક્યા છો..!-બેફિકર

ટૂંકી વાર્તા....126
           મીસ.રાગીણી શર્મા (I.A.S.), દરેક જિલ્લાના સેવા સદન મથકમાં આપની ચેમ્બર બહાર આ બોર્ડ જોઈ, આપ મનોમન હિજરાતાં..! હા.. બેતાલીસ વર્ષની પાકટ વયે પહોંચેલા આપ જિલ્લા કલેકટર તરીકે 'ઓફિસ' માં હાજર હો,ત્યારે આપનો રુઆબ અને મિજાજ કંઈક અલગ જ રહેતો..ભલભલા ચમરબંધીઓ પણ આપની ચેમ્બરમાં આવતાં ડરતા..અરે..આપ 'ઓફીસ' થી છૂટી 'બંગલા' તરફ જતા ત્યારે આપની કારની આડે આવવાની પણ કોઈ હિંમત ન કરતું..!
          આટલો બધો રોફ અને કડપ છે આપની..આખા જિલ્લા પર જાણે આપનું 'રાજ'...અને આ આપનું 'રાજ' જ આપને પીડા આપે છે..મીસ રાગીણી..! હા..રાગીણી...આપનામાં રહેલી સ્ત્રી પણ કોઈ પુરુષનો સાથ ઝંખે છે..સહવાસ ઝંખે છે ને પુરુષના દિલનો મર્દાના પ્રેમ ઝંખે છે..પણ આપની 'કડપ' બધાને આપનાથી દૂર રાખે છે..ને આ 'કડપ'નું કારણ છે, આપની ' ડિવોર્સી ' માં..હા..જ્યારે આપ આઠમાં ધોરણમાં પહોંચ્યા ત્યારથી જ આપની 'ડિવોર્સી 'માં એ આપને પુરુષ જાત પ્રત્યે નફરત શીખવવાનું ચાલુ કરી દીધેલું..કેમ કે એ આપને I.A.S. બનાવવા ઇચ્છતી હતી..અને આપના પિતાને એકલે હાથે આપને ઉછેરી કાબેલ બનાવ્યાનો ઘમંડ પૂરો કરવા ઇચ્છતી હતી..આપ I.A.S. તો બન્યા પણ એક સ્ત્રી ના બની શક્યા..મીસ રાગીણી.!-બેફિકર

ટૂંકી વાર્તા...127
       ....ને એક દિવસ મીસ રાગીણી શર્મા (I.A.S.) આપને જિલ્લા કલેક્ટરનાં હોદ્દાની રૂએ સરકારના 'મિશન વિદ્યા' કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની મુલાકાતે જવાનું થયું..શાળાના મેદાનમાં પગ મૂકતા જ આપ આનંદથી તરબતર થઈ ગયા.શાળાનું વાતાવરણ તો અદ્ભૂત હતું જ પણ આપના આનંદનું કારણ હતું; વાંસળીના મીઠા સુરો..હા..શાળાના પ્રાર્થનાખંડમાંથી એ મધુરા સુરો વહેતાં હતાં.. આપ ઝડપથી એ તરફ ચાલ્યા..આપે પ્રાર્થનાખંડમાં પગ મૂક્યો..વાંસળી વગાડતાં એ યુવાને આંખથી જ આપને આવકાર આપ્યો ને બેસવાનો ઈશારો કર્યો..તમામ બાળકોને તો આપના આગમનની કશી નોંધ જ ન્હોતી,કેમ કે તેઓ તો વાંસળીના સુર થકી સાક્ષાત ઈશ્વરનાં સાનિધ્યમાં હતાં..
       રાગીણી..આજે પહેલીવાર આપને ખ્યાલ આવ્યો કે, અહીં આપનાથી કોઈ ડર્યું ન્હોતું.!પેલો યુવાન પણ બંધ આંખો સાથે ફરીથી વાંસળીમાં ડૂબી ગયો હતો..
         ને અચાનક રાગીણી આપ અંદરથી હચમચી ઉઠ્યા..કેમ કે,એ વાંસળીના સુરે આપને જાણે એ યુવાન તરફ ખેંચ્યા..આપ મુગ્ધ બની એ યુવાનને જોઈ રહ્યા..ચાલીસેક વર્ષની વય..ગૌર વર્ણ..સુંદર આંખો..લાંબા વાળ..મજબૂત ખભા ને સુંદર મોટુ કપાળ.. કપાળમાં શોભતું ચંદનનું તિલક..ને એણે પહેરેલા કેસરી ઝભ્ભામાંથી ડોકાઈ રહેલી..આચાર્ય રજનીશના લૉકેટ સાથેની માળા..ઓશો સન્યાસી..! ને રાગીણી આપ જાણે  અઢાર વર્ષની યુવતી બની ગયા..આપ પરથી આપનું I.A.S  નું લેબલ અને બેતાલીસ વર્ષની ઉંમર બંને એકસાથે ખરી પડ્યા હતા ને આપનું મન કંઈક નિર્ણય લઈ ચૂક્યું હતું..
             પ્રાર્થના કાર્યક્રમ પત્યા પછી આપે 'મિશનવિદ્યા' ની ફોર્માંલિટી શરૂ કરી..ને ફક્ત એ એક શિક્ષકવાળી શાળાની પ્રોફાઈલ જોઈ,આપ નવાઈમાં ડૂબી ગયા..તમામ ક્ષેત્રોમાં શાળા રાજ્ય કક્ષા સુધી અવ્વલ નંબરે હતી..એક પણ બાળક એવું ન્હોતું કે જેને વાંચતા-લખતાં ન આવડતું હોય..ઉલટાનું બાળકોને એ પૂછવું પડે એમ હતું કે તેઓને શું નથી આવડતું? બાગાયતી કામ હોય કે સુથારીકામ..મેથ્સનાં અઘરા દાખલા હોય કે વિજ્ઞાનના પ્રયોગો..ગીતો ગાવાના હોય કે વાંસળી વગાડવાની હોય !
આપ એ યુવાન શિક્ષક અને શાળાનાં વિદ્યાર્થીઓની લગન અને મહેનત પર આફરીન થઈ ચૂક્યા હતા..આપે થોડી ક્ષણો પહેલાં મનોમન કરેલો નિર્ણય હવે દૃઢ થઈ ચૂક્યો હતો..
        હા..મીસ રાગીણી..સરકારની નેક્સ્ટ વિદ્યાસહાયક ભરતીમાં આપ MSc.Med.માં 'ગોલ્ડ મેડલીસ્ટ' હોવાના નાતે મેરિટમાં પ્રથમ નંબરે હતા ને આપે એ અદ્ભૂત શાળાને આપનું નવું કાર્યક્ષેત્ર બનાવી દીધું હતું..આપ કલેક્ટરમાંથી શિક્ષિકા બની ગયા હતા..લોકો આપને 'Foolish' માનતા હતા..પણ રાગીણી..આપ એ 'ઓશો સન્યાસી'નું દિલ જીતવા કંઈ પણ કરવા તૈયાર હતા...!-બેફિકર

ટૂંકી વાર્તા.. 128
       સૌમ્યા... તું આજે લગ્નનાં બંધનથી જોડાઈ રહી છે ત્યારે સૌનાં મનમાં એક જ સવાલ છે..હજી માંડ પચ્ચીસે પહોંચેલી સૌમ્યાએ એક છોકરાના બાપ એવા આ પચાસે પહોંચેલા વિધુર સાથે મેરેજ કરવાનો  નિર્ણય કેમ કર્યો હશે? પણ એ તું એક જ જાણે છે..
       તે દિવસે તારો બર્થ ડૅ હતો સૌમ્યા..ને તારા 9th-A ક્લાસનાં બધા સ્ટુડન્ટસ તારા માટે કોઈ ને કોઈ ગિફ્ટ કે કાર્ડઝ લાવેલા ને આ બધાની વચ્ચે તને સમીપે આપેલી એ નોટબુકનાં કાગળની ચીઠ્ઠીએ વધુ ખેંચેલી..કેમ કે,સમીપ તારા ક્લાસનો બિલકુલ 'ઈન્ટ્રોવર્ટ' છોકરો હતો તે કદી કોઈ ને ના ગિફ્ટ આપતો કે ના 'વિશ' આપતો..
            ને આજે તને એણે નોટબુકનાં કાગળમાં કશું લખીને આપેલું..!તે સાચવીને ચિઠ્ઠી તારા પર્સમાં મૂકી..સ્કૂલથી છૂટીને ઘરે જઈ તે તરત જ એ ચિઠ્ઠી વાંચવાનું કામ કરેલું...ચિઠ્ઠીમાં લખેલું..'જન્મદિવસની શુભેચ્છાઓ..આપને શું ગિફ્ટ આપું એવું ખૂબ વિચાર્યું..પણ કશું સુજ્યું નહિ..તો પછી મેં નક્કી કર્યું કે આજે હું તમને એ શબ્દો કહું કે જે હું મારી મા ને કહેવા સતત તડપી રહ્યો છું..પણ એ તો કેવી રીતે સાંભળે ? એ તો મને પાંચ વર્ષનો મૂકીને જ ઈશ્વરનાં ઘરે જતી રહી.ને પાપાએ મને મા અને બાપ બન્ને બનીને આજે આવડો કર્યો છે..મૅમ..હું ક્લાસમાં સતત તમારી સામે જોઈને બેસી રહું છું. ત્યારે ઘણીવાર તમને ગમતું નથી..પણ હું ઘરેથી સ્કૂલે આવું ત્યારે રોજ મારી માના જુના ફોટાઓ જોઈને આવું છું..એ અદ્દલ તમારી જેવી જ દેખાતી હતી..I love you..!'
                  ને ચિઠ્ઠી વાંચી તું ઘડીભર તો કશું વિચારી ના શકી...પણ આખરે તે એ 'નિર્ણય' કરેલો..!- બેફિકર

ટૂંકી વાર્તા...129
         રાહુલ..અચાનક થયેલા ધડાકા અને એ સાથે જ પ્રીતમ અંકલનું લાશ બની જવું..અને એ સાથે જ પોલીસનું  આવી જવું..ને ખૂનના આરોપમાં તારી ધરપકડ કરવી..! તું સાવ હેબતાઈ જ ગયો...તને હજી એ વાતની નવાઈ હતી કે તારા હાથમાં નાટકના રિહર્સલ માટે પ્રીતમ અંકલે પકડાવેલી એ રમકડાંની પિસ્તોલથી ગોળી છૂટે..!
        પણ આ તને નહિ સમજાય રાહુલ...એના માટે તારે તારી ઉંમર જેટલા જ વર્ષો ભૂતકાળમાં જવું પડશે..હા,રાહુલ એ પ્રીતમ અંકલ શહેરનાં પ્રખ્યાત નાટય દિગ્દર્શક હતા એ તું જાણે છે પણ એ તારા પિતા હતા એ તું નથી જાણતો ! હા, તારા જન્મ બાદ પ્રીતમને પોતાની પ્રિયતમા પર ભરોસો ઉઠી ગયેલો..અને તું કોઈ બીજા પુરુષનું સંતાન છો એવો વિશ્વાસ બેસી ગયેલો..ત્યારે તો તેણે તારી માં સાથે ડિવોર્સ લઈ છુટકારો મેળવી લીધેલો. પણ એ બદલાની આગ આજે પ્રીતમને પોતાનાં મોત અને તને જેલનાં દરવાજા સુધી લઈ આવી છે...જે તું નથી જાણતો..કાશ...તે પ્રીતમ અંકલની એ વાત માની ન હોત કે તું એની પાસે એક્ટીંગ શીખવા જાય છે એ વાત ઘરે મમ્મીને ન કરતો... તો તું અને પ્રીતમ બંને સલામત હોત..!-બેફિકર

ટૂંકી વાર્તા...130
ટૂંકી વાર્તા...
     ચીકનશોપમાં નોકરી કરતા અબ્દુલે ધાબા પર પતંગ ઉડાડવા જતા નાનકડાં સલીમને કીધું..."જોજે હો બેટા...!કોઈ કબૂતર કે ચકલી તારા દોરામાં સલવાય ને મરી ન જાય..!"-બેફીકર

ટૂંકી વાર્તા...131
ટૂંકી વાર્તા..
   જમાદાર...આપના પગ નીચેથી ધરતી જાણે કે સરકી ગઈ હતી અને આપ ક્રોધથી ધુઆ-ફુઆ થયેલા હતા.કેમ ન હો ? આપની વીસ વર્ષની એકની એક દીકરી એક ફૂટપાથ પર રમકડાં વેચવાવાળી વિધવા સ્ત્રીનાં દીકરા સાથે ભાગી ગઈ હતી..પણ જમાદાર..એ દીકરીએ મનોમન પપ્પાની આંખ ઉઘાડવાનો નક્કી કરેલો નિર્ણય એને એ પગલું ભરવા સુધી મજબુર કરી ગયેલો..!
        હા..જમાદાર...આપે એ રમકડાવાળી બાઈને ફૂટપાથ પર બેસવા દેવાનો ચાર્જ એનાં શરીરનો ઉપભોગ રાખેલો..ને એ આપની જુવાન દીકરી જાણી ગયેલી..!-બેફીકર
ટૂંકી વાર્તા..132
                             તે એને બારીમાંથી બાઇક પર જતો જોયો...ફુલકુંવર...! ને તું ફટાફટ રૂમમાં ગઈ..અંદરથી બંધ કરી,અલમારી ખોલી અદ્દલ એણે પહેરેલાં શર્ટ જેવા જ  કલરની સાડી કાઢી પહેરી ને અરીસામાં જોઈ હરખાણી... જાણે તે તારા પ્રેમનો એકરાર આજે એને વણ કહ્યે સમજાવી દીધો..ને એટલામાં જ નીચેથી સાદ પડયો...'ફુલકુંવર વહુ ! જરા નીચે આવજો તો..!' ને...થોડી મિનિટોમાં તારું રૂપ ફરી ગયું...હા....તું સફેદ સાડી પહેરી,ધીમે-ધીમે દાદરો ઉતરી નીચે રસોડા તરફ વળી..ને પાછળ અરીસો તારા આંસુંનું પ્રતિબિંબ ઝીલતો રહી ગયો..! -બેફિકર

ટૂંકી વાર્તા..133
    શૈલજા સંન્યાસી..! એક ચબરાક અને બાહોશ સી.બી.આઇ. ઇન્સ્પેક્ટર..! ને ફરી તારી આ ચબરાક નજરે શોધી કાઢ્યો એક નવો અપરાધી..! હા, ત્રીસેક વર્ષનો એ યુવાન.. છેલબટાઉ..ફેશનેબલ કપડાં ને હીરો હેર-સ્ટાઇલ..'ધૂમ' બાઇક ને બાઇકની પાછળ રોજ એનો નવો 'શિકાર'..! ના..તું પણ એક છોકરી જ છે ને..શૈલજા..તો છોકરી માટે 'શિકાર' શબ્દ મનમાં ન લવાય...એમ વિચાર સાથે તે આ 'રોમિયો'ને પણ ઠીક કરવાનો મનમાં નીર્ધાર કર્યો..!
         ને એક દિવસ તું અચાનક એ 'રોમિયો' ની બાઇક પાસે જઈ ઉભી રહી ગઈ ને બોલી...'રોજ શહેરની નવી-નવી જગ્યાએ નવી-નવી છોકરી સાથે ફરવાનો તારો શોખ પૂરો..મજનું..! તું કોઈપણની નજરમાંથી બચી જાય પણ આ સી.બી.આઇ. ઇન્સ્પેક્ટર શૈલજાની નજરમાંથી નહીં.. આઇ ઍરેસ્ટ યુ..' ને ત્યારે એ 'રોમિયો' હાથ જોડીને બોલેલો..'મેડમ..મારી ધરપકડ પહેલાં આ બાબતે મારુ બચાવનામું સાંભળશો.?' ને આપે એ તક આપી.. તો એ એનાં બચાવમાં આપને એનાં ઘર સુધી લઈ આવ્યો...ને પલંગમાં સુતેલી એક યુવાન સ્ત્રી બતાવી બોલ્યો..'મેડમ..! પેલા પલંગમાં સુતેલી સ્ત્રી મારી પત્ની છે અને એક એક્સિડન્ટમાં કરોડરજ્જુની ઇજા થતાં એ પથારીવશ થઈ ગઈ છે..એ ફક્ત મને સાંભળી જ શકે છે..બીજું કશું હલનચલન કે બોલી પણ નથી શકતી..ને એને જીવાડવા હું એની સાથે રોજ અલગ-અલગ જગ્યાએ એને ફરવા લઈને ગયો ને પછી શું-શું થયું ને કેવી મજા આવી એની વાતો કરું છું...પણ મારી કલ્પનાની પણ એક સીમા હોયને..! આ સીમા ન આવે તે માટે રોજ હું અલગ-અલગ છોકરીને લઈને ફરું ને સાંજે દિવસ દરમિયાનનું વર્ણન જાણે અમે બે ફર્યા હોઈએ એ રીતે આ મારી 'જાન' આગળ કરું છું...ને એનું આયુષ્ય જાણે એક દિવસ વધી જાય છે...!' ને શૈલજા આજ પહેલીવાર આપની 'જાસૂસી' નજર ખોટી પડતી હોય,એવું આપને લાગ્યું..!-બેફીકર
       
        

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112