A Short Story
*તમાચો*
અરુણકુમાર (IAS)...જિલ્લા મેજિસ્ટ્રેટ.. આપ કોઈ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયેલા લાગો છો...ના..વિચારો નહિ..ઊંડી યાદોમાં..ને અચાનક આપ ઝબકી જાઓ છો..ને આપના જમણા ગાલ પર ધ્રુજારી આવી જાય છે ને જાણે કોઈએ ત્યાં 'તમાચો ' માર્યો હોય એવાં ભાવ આપના મોઢા પર ફેલાઈ જાય છે...અરુણકુમાર..! હા..એ તમાચાએ જ આપની જિંદગીમાં ફેરફાર લાવી દીધેલો...અરે એમ કહોને કે એ તમાચાએ આપને આજે IAS સુધી પહોંચાડી જિલ્લા મેજિસ્ટ્રેટના સ્થાને બેસાડ્યા છે.. પણ એ તમાચો આપના ગાલ પર ન્હોતો પડ્યો..પડ્યો'તો આપના ગરીબ બાપના ગાલ પર..! એ ઘટના આજે પણ આપને પીડા આપી જાય છે..ને આપ એ યાદોમાં ખોવાઈ જાઓ છો..!
હા..એ દિવસ આપને બરાબર યાદ છે..આપ પ્રાથમિક શાળાની રિસેસમાં મળેલા સમય દરમિયાન આપના પિતાજી સાથે ગ્રામ-પંચાયત ઓફિસે જમીન મહેસુલ ભરવા ગયેલા..ને તલાટીમંત્રીને 'સાહેબ જરા જલ્દી કરો ને..! આ છોકરાને નિશાળે જવાનું મોડું થાય છે..' એવું કહેવા બદલ તલાટીએ આપના એ ગરીબ બાપના જમણાં ગાલે તમાચો મારેલો..ને ત્યારે જ આપે નક્કી કરેલું..અરુણકુમાર.. કે....'આ તલાટીનો પણ સૌથી મોટો સાહેબ થાઉં ત્યારે હું સાચો..!-બેફીકર
Comments
Post a Comment