Short Story

*શ્રધ્ધા*
      કચ્છની એ સૂકી ભઠ ધરતીની વચ્ચે સંતોષનો વીરડો એટલે તમે..એટલે કે હીરા ભગત..! કાળઝાળ ગરમી હોય કે કડકડતી ઠંડી ભજનનું નામ પડે એટલે તમે તૈયાર ભગત..અરે   ભૂંગાઓની ધરતી ઉપર ફરી જન્મેલો જાણે નરસૈંયો..! દિવસ દરમિયાન ચામડાની ચપ્પલો બનાવવી એ બાપીકો વ્યવસાય.. અને ભજન કરવા એ ઈશ્વરીય વ્યવહાર..! ઘણીવાર ઘરમાં ઓછામાં ઓછી ચીજવસ્તુઓથી ઘર ચલાવવા ટેવાયેલી તમારી પત્ની પણ અકળાઈ જતી અને વઢ આપતી કે,'ભગત..! આ બે છોકરીઓના બાપ બન્યા હવે તો, ભજન ઓછું કરી ધંધો વધારો..કંઈક આસપાસ 'શેર'માં જાઓ તો બે પૈસા વધુ મળે..!' ત્યારે ભગત તમે હસીને કહેતાં; એ તમે ચિંતા ન કરો..મારો રામ અહીં બેઠા-બેઠા જ બધુ કરી દેશે..!' 
                    ને એક દિવસ જાણે 'રામ' પ્રગટ્યો.. હા, એ શિયાળાની રાતે ભગત તમે તમારા કાકાનાં દીકરાનાં પ્રવાસીઓને ભાડે આપતાં ભૂંગાઓ વચ્ચે બેઠા-બેઠા ભજન કરી રહ્યા હતા ત્યાં એક ભૂંગો ખોલી એક નવયુવતી બહાર આવી ને તમારી સામે ગોઠવાઈ.. થોડીવાર ભજન માણ્યા પછી તમારી વાતચીતના આધારે એણે જાણ્યું કે તમે કચ્છી સ્ટાઇલમાં ચામડાની ચપ્પલો બનાવો છો..તો એણે સવારે તમારા ઘરે રૂબરૂ આવી એ ચપ્પલો જોઈ અને તમારા માટે એ 'રામ' બની ગઈ..હા.. એ નવયુવતી પુરા ભારતમાં ફેલાયેલી પ્રખ્યાત પગરખાં બ્રાન્ડ 'પાવડી' ની માલિક હતી અને તેણે હવે તમારા દ્વારા બનાવાતી કચ્છી ચપ્પલોનો 'લાઈફ ટાઈમ કોન્ટ્રાક્ટ' આપ્યો હતો ને આજે તો 'ભગત' એક મિનિટ પણ નવરા ન પડે એટલું ધમધોકાર કામ ચાલી રહ્યું છે..!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112